જીવનના નવ દાયકા વિતાવી ચૂકેલાં વિલે પાર્લેમાં રહેતાં પુષ્પા શાહ આ ઉંમરે પણ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાથી લઈને પોતાની રૂમ સુઘડ રાખવા સુધીનાં કામ જાતે કરે છે
પુષ્પા શાહ
જીવનના નવ દાયકા વિતાવી ચૂકેલાં વિલે પાર્લેમાં રહેતાં પુષ્પા શાહ આ ઉંમરે પણ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાથી લઈને પોતાની રૂમ સુઘડ રાખવા સુધીનાં કામ જાતે કરે છે. પાંચ વર્ષ પહેલાં બા ઘરકામ કરતાં પડી જતાં ગંભીર ફ્રૅક્ચર આવી ગયેલું અને છ મહિના બેડરેસ્ટ પર હતાં, પણ એમ છતાં વિલપાવરના જોરે તેઓ સાજા થયાં. કોવિડ પછી થોડા જ સમયના અંતરાલમાં તેમણે તેમના બે દીકરાને આ દુનિયા છોડીને જતા જોયા અને એવા સમયે તેમણે પોતાની જાતને સંભાળી
જીવનમાં ઘણા ઉતાર-ચડાવમાંથી પસાર થયા હોવા છતાં વિલે પાર્લેમાં રહેતાં ૯૨ વર્ષનાં પુષ્પા શાહે જીવન પ્રત્યેની આશા છોડી નથી. તેઓ માને છે કે જીવન ગમે એવું હોય એને અપનાવીને આગળ વધવું જોઈએ. આ ઉંમરે પણ બા આત્મનિર્ભર છે, આખા પરિવારને જોડીને રાખે છે અને કપરા સમયમાં હિંમતથી કામ લે છે.
ADVERTISEMENT
આત્મનિર્ભરતામાં માને
આ ઉંમરે પણ પુષ્પાબહેન કોઈના પર નિર્ભર નથી, પોતાનાં બધાં જ કામ તે જાતે કરી લે છે. આ વિશે માહિતી આપતાં તેમનાં પુત્રવધૂ પ્રીતિ શાહ કહે છે, ‘સવારે વહેલા ઊઠીને પોતાનો બેડ સરખો કરવાથી લઈને નાહીને વાળ ઓળીને સરસ રેડી થઈ જવા સુધીનું બધું જ કામ બા જાતે કરી લે છે. તેમને સુઘડ રહેવું, તૈયાર થવું ગમે. જેવું તેવું ચલાવી ન લે. રોજબરોજમાં તો તેઓ મૅક્સી જ પહેરે. ઘોડી લઈને ચાલવાનું હોય એટલે સાડી પહેરે તો પગમાં આવે એટલે અમે તેમને સાડી પહેરવા નથી આપતા. એમ છતાં ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો તેઓ સાડી પહેરીને જ હૉલમાં બેસે. તેમને મોટા ભાગે ઘરે જ રહેવાનું હોય તો પણ સવાર-સાંજ સરખી રીતે માથું ઓળવા જોઈએ. એમ ન વિચારે કે ઘરમાં ને ઘરમાં વળી શું રેડી થઈને બેસવાનું?’
કનેક્ટેડ રહેવામાં માને
બાને છાપાં વાંચવાં પણ ગમે. ઝીણા-ઝીણા અક્ષર હોય તો પણ ઉકેલી લે. એ વિશે વાત કરતાં તેમના સૌથી મોટા દીકરા કૌશિકભાઈ કહે છે, ‘બા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફૅન છે એટલે તેમના કોઈ ન્યુઝ હોય તો તેઓ અચૂક વાંચે. એ સિવાય આસપાસના એરિયામાં એવો કોઈ બનાવ બન્યો હોય તો સગાંસંબંધીઓને કૉલ કરીને સાવચેતી રાખવા માટે કહી દે. ન્યુઝપેપરમાં કોઈ એવો લેખ આવ્યો હોય જે તેમને બહુ ગમ્યો હોય તો એનું કટિંગ કરી લે. તેમની પાસે આર્ટિકલના કટિંગની આખી ફાઇલ પડી છે. બાની પાસે રેડિયો છે. એમાં તેમણે ભજન ફીડ કરીને રાખેલાં છે. રાત્રે સૂતાં પહેલાં તેઓ એમાં ભજન સાંભળીને પછી જ સૂએ.’
રોજ આઇસક્રીમ જોઈએ
બાના ખાવા-પીવાના શોખ વિશે વાત કરતાં પ્રીતિબહેન કહે છે, ‘બાને આઇસક્રીમ ખાવાનો બહુ છે. દરરોજ સાંજે આઇસક્રીમ ખાવાનો તેમનો નિયમ છે. તેમના માટે ખાસ અમે ફ્રિજમાં આઇસક્રીમનો સ્ટૉક રાખીએ. એ સિવાય તેમને પાણીપૂરી ખાવી પણ ગમે. દાંત નથી એટલે ખાવામાં તકલીફ પડે. એમ છતાં તેઓ પૂરીનો ચૂરો કરીને ખાય. હોટેલમાં પનીરનું શાક મળે છે એ પણ ખાવું તેમને ગમે. તે ઠાકોરજીની સેવા કરે છે એટલે કાંદા-લસણ નથી ખાતાં. એમ છતાં કોઈને એ વિશે ખબર ન હોય અને પ્રેમથી તેમના માટે કાંદા-લસણવાળું કંઈ બનાવીને લઈ આવે તો ખાઈ લે. સામેવાળાના માન ખાતર તેઓ પોતાનો ધર્મ થોડી વાર માટે બાજુમાં મૂકી દે. એમ પકડીને ન બેસે કે હું ખાઈશ જ નહીં.’
ખૂબ પ્રેમાળ સ્વભાવ
બાનો સ્વભાવ પણ ખૂબ લાગણીશીલ છે એ વિશે તેમનાં પૌત્રી હેમલ કહે છે, ‘મારાં બા હંમેશાં નાની-નાની ભેટવસ્તુઓ પોતાની પાસે રાખે. તેમને જ્યારે કોઈ હેલ્પ કરે ત્યારે તેઓ તેને એ ગિફ્ટ આપે. તેમનું એવું માનવું છે કે કોઈ આપણા માટે કંઈક કરે તો તેને ખાલી હાથે પાછો નહીં મોકલવાનો. તે અમને બધાને નિયમિત કૉલ કરીને અમારા ખબરઅંતર પૂછતા રહે. બધાને કૉલ કરવાનો એક ફિક્સ ટાઇમ છે. સામેવાળાને પણ ખબર હોય કે સમય થઈ ગયો છે, બાનો કૉલ આવશે. તેમના એક ભાઈ છે અમદાવાદમાં. બન્ને ભાઈ-બહેનનો દરરોજ કૉલ પર વાત કરવાનો નિયમ છે. મારા હસબન્ડને તેમના હાથનો ચાનો મસાલો બહુ ભાવે એટલે તેમના માટે ખાસ બા મસાલો મગાવી, પિસાવીને બરણીમાં ભરી રાખે. હું પપ્પાના ઘરે ગઈ હોઉં અને મમ્મી કે ભાભી ન હોય કે ક્યાંક બિઝી હોય તો બા મને ચા બનાવીને આપે. તે બધાની કાળજી રાખે.’
બા પરિવારને જોડતી કડી
બાએ પરિવારમાં બધાને જોડી રાખવાનું કામ કર્યું છે એ વિશે જણાવતાં હેમલ કહે છે, ‘મારા પપ્પા સહિત એ ત્રણ ભાઈઓ છે. તેમનાં પાંચ સંતાનો એટલે અમે. શરૂઆતમાં અમે દિક્ષણ મુંબઈના ભોઈવાડામાં વન રૂમ કિચનમાં જૉઇન્ટ ફેમિલીમાં રહેતા હતા. ધીરે-ધીરે અમે મોટા થવા લાગ્યા એટલે જગ્યા સાંકડી પડવા લાગી. એ પછી વિલે પાર્લેમાં મોટા વન BHKમાં શિફ્ટ થયા. એ પછી ત્રણેય ભાઈઓના પરિવાર અલગ થયા. એ સમયે બાએ એવો રૂલ રાખેલો કે રવિવારે સવારે ઠાકોરજીની સેવામાં પરિવારના બધા જ સભ્યો હાજર રહે અને સાથે સમય પસાર કરે. અત્યારે તો બન્ને કાકા ગુજરી ગયા છે અને અમે બધા પણ અમારી લાઇફમાં સેટલ છીએ. એમ છતાં આજે પણ મારાં બા મારી બન્ને કાકીઓને વિડિયોકૉલ કરે અને ઠાકોરજીનાં દર્શન કરાવે. એ બહાને તેમની સાથે અડધો-એક કલાક વાત કરે. એટલું જ નહીં, અમારા બધાની પણ ખબર રાખે કે કોના જીવનમાં શું ચાલી રહ્યું છે, કોઈને કંઈ જીવનમાં તકલીફ તો નથીને?’
મજબૂત મનોબળ
બાનો વિલપાવર પણ ખૂબ સારો છે એની સાબિતી આપતો એક કિસ્સો શૅર કરતાં કૌશિકભાઈ કહે છે, ‘ડિસેમ્બર ૨૦૨૦ની વાત છે. બા ચા બનાવવા માટે ફ્રિજમાંથી તપેલી કાઢવા જઈ રહ્યાં હતાં એ સમયે તેમનું બૅલૅન્સ ગયું અને તેઓ નીચે પડી ગયાં. હીપથી લઈને નીચે સુધી તેમને ફ્રૅક્ચર આવ્યું અને તેમની સર્જરી કરવી પડી. તેઓ બેડરેસ્ટ પર આવી ગયાં. તેમને જોઈને તો અમને એમ જ લાગેલું કે હવે તેઓ હરીફરી નહીં શકે. જોકે અમારા બધાના આશ્ચર્ય વચ્ચે તેઓ છ મહિનામાં ઘોડીના સહારે ચાલતાં થઈ ગયાં. બાનો જન્મ હનુમાન જયંતીના દિવસે થયો છે એટલે અમે બધા એમ જ માનીએ કે તેમનામાં બહુ સ્ટ્રેન્થ છે. હવે તો તેઓ કપડાં ગડી કરે, ઘરમાં જ્યાં-ત્યાં પથારા પડ્યા હોય તો સરખા કરે અને કિચનમાં કંઈ નાનું-મોટું કામ હોય તો કર્યા કરે. અમે તેમને ઘણી ના પાડીએ, પણ માને નહીં.’
હિંમતથી કામ લીધું
જીવનમાં એવા સંજોગો પણ ઘણા આવ્યા છે કે બાએ હિંમતથી કામ લીધું હોય. એ વિશે જણાવતાં પ્રીતિબહેન કહે છે, ‘મારે ૪૫ વર્ષની ઉંમરમાં બાયપાસની સર્જરી કરાવવી પડેલી. એ સમયે પરિવારના સભ્યોને હિંમત બંધાવવાથી લઈને ટિફિન બનાવીને સમયસર હૉસ્પિટલમાં પહોંચાડતાં તેમ જ સર્જરી પછી પણ એક મહિનો સુધી મારી બધી જ સેવા બાએ કરેલી. હજી ઑક્ટોબર ૨૦૨૩માં બાના સૌથી નાના દીકરા મયૂરભાઈ હાર્ટ-અટૅકને કારણે ગુજરી ગયા. એનું દુખ સહન કરી રહ્યાં હતાં ત્યાં આ વર્ષે જાન્યુઆરીમાં તેમના વચલા દીકરા હિમાંશુભાઈ પણ હાર્ટ-અટૅકમાં નિધન પામ્યા. બન્ને દીકરાઓના જવાથી બા થોડાં ઢીલાં પડી ગયાં છે. એમ છતાં તેઓ હસતા મોઢે જીવન જીવી રહ્યાં છે. દુનિયા મેં હમ આએ હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા... આ બાની લાઇફની ફિલોસૉફી છે.’
ગરીબીમાં પણ જીવન માણ્યું
બાના જૂના દિવસો વિશે વાત કરતાં કૌશિકભાઈ કહે છે, ‘અમે દિક્ષણ મુંબઈના ત્રીજા ભોઈવાડામાં વન રૂમ કિચનમાં રહેતા. મારા પપ્પા વિઠ્ઠલદાસભાઈ કપડાબજારમાં કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી. બાએ અમે ત્રણ ભાઈ અને એક દીકરીને ઉછેરીને મોટાં કર્યાં. અમે બધા BMCની સ્કૂલમાં ભણ્યા છીએ. જોકે ગરીબીમાં પણ અમે જીવનને માણ્યું છે. બધા જ તહેવારોની ઉજવણી સારી રીતે કરતા, શૉપિંગ કરવા જતા, મૂવી જોવા જતા. બલરાજ સાહની બાના ફેવરિટ ઍક્ટર હતા. બાને હિન્દી ફિલ્મોનાં જૂનાં ગીતો ગાવાનો પણ એટલો જ શોખ. આજે પણ ફૅમિલીમાં બધા ભેગા થયા હોય ત્યારે બા ગીત ગાય અને અમે તેમને પ્રોત્સાહન આપીએ.’


