Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ક્યાં ખોવાયું બચપણ મારું?

ક્યાં ખોવાયું બચપણ મારું?

Published : 17 November, 2025 03:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એ શિક્ષણનું લક્ષ્ય હોવું જોઈએ. કોઈ પણ વિષયમાં પારંગત બનીને વ્યક્તિ સમાજની ઉપેક્ષા કરતી રહે તો તેણે મેળવેલા જ્ઞાનથી સમાજને શું ફાયદો થયો? 

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


શિક્ષણનાં બે પાસાં છે : જ્ઞાન અને કેળવણી. આપણે જ્ઞાન પર ખૂબ ભાર આપ્યો છે અને સાચી કેળવણી શું છે એ સમજ્યા જ નથી. ફક્ત લખતાં-વાંચતાં કે વ્યવસાયી બનવાથી શિક્ષણ પૂરું થતું નથી. વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એ શિક્ષણનું લક્ષ્ય હોવું જોઈએ. કોઈ પણ વિષયમાં પારંગત બનીને વ્યક્તિ સમાજની ઉપેક્ષા કરતી રહે તો તેણે મેળવેલા જ્ઞાનથી સમાજને શું ફાયદો થયો? 

મુંબઈ જેવા અતિ વ્યસ્ત શહેરમાં રોજ આપણે ઘણા લોકોને એક જ વાત કહેતાં સાંભળીએ છીએ કે હું ખૂબ જ વ્યસ્ત છું. આવી વ્યસ્તતા વચ્ચે રહીને મને વિચાર આવ્યો કે મારા બાળપણના દિવસોમાં તો હું આટલો વ્યસ્ત રહેતો નહોતો. બધી જ ગમતી પ્રવૃત્તિઓ માટે મને સમય મળતો હતો. સવારે નિશાળે જવાનું, નિશાળમાંથી છૂટીને પિતાની દુકાને બેસીને એકાદ-બે કલાક કામ કરવાનું, ઘરે જઈને મિત્રો સાથે રમવાનું વગેરે. મારી શાળા મારા ઘરની સામેના મકાનમાં જ હતી. મુંબઈની જૂની રંગભૂમિ જ્યાં હતી એ ભાંગવાડીના હાથી બિલ્ડિંગમાં ચોથા અને પાંચમા માળે અમારું ઘર અને એ મકાનની સામેના મકાનમાં આવેલી અમારી શાળા લિબર્ટી હાઈ સ્કૂલ. મિત્રો પણ આજુબાજુનાં મકાનોમાં જ રહેતા. વેકેશન પડે ત્યારે અમારી તો પોતાની પુસ્તકોની દુકાન. રોજ પિતા એક બાળવાર્તાનું પુસ્તક આપે એ ઘરે લઈ જઈને વાંચવાનું. શાળાનાં આ વરસોમાં ૪૦૦ ઉપરાંત પુસ્તકો વાંચ્યાં હશે. બાળપણની આ યાદોની સફરમાં કેટલીયે સ્મૃતિઓ તાજી થઈ ગઈ. શાળાના અનુભવી શિક્ષકો, તેમની વિદ્યાર્થીઓ માટેની લાગણી અને નિસબત. આ યાદોને મમળાવીએ છીએ ત્યારે એ નિર્દોષ બાળપણ અને સમયથી આગળ નીકળી જવા માગતા આપણા વર્તમાન જીવનની દોટ યાદ આવી જાય છે. શાળાના મિત્રો આજે પણ સંપર્કમાં છે. 



મને વાંચન ઉપરાંત સંગીત અને ટેબલ ટેનિસ રમવાનો શોખ. આજે પણ આ શોખ છે તેથી જ કદાચ જિંદગી જીવવા જેવી લાગે છે. અમારી ગુજરાતી માધ્યમની શાળાના ઘણા વિદ્યાર્થીઓ આજે ડૉક્ટર, સીએ અને એન્જિનિયર બની ગયા છે. મેં કાયદાની ઉપાધિ ગવર્નમેન્ટ લૉ કૉલેજમાંથી મેળવી અને પછી પિતાના ગુજરાતી પુસ્તકોના પ્રકાશનના વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય કર્યો. મારા આ નિર્ણયથી હું સંતુષ્ટ છું, પણ આજની નવી પેઢીની વધુ ને વધુ પૈસા કમાઈને વીક-એન્ડમાં મનોરંજન માટે રિસૉર્ટમાં પૈસા ઉડાવવાની આદતથી વ્યથિત છું. પ્રખ્યાત કવિ કૈલાસ પંડિતની


પંક્તિઓ યાદ આવે છે : 
કોઈ દી મેં શોધી નો’તી તોય ખુશીઓ મળતી’તી 
લાદી ઉપર સૂતો’તો ને તોય આંખો મારી ઢળતી’તી 
મારી વાતો દુનિયા આખી મમતાથી સાંભળતી’તી 
ક્યાં ખોવાયું બચપણ મારું, ક્યાંકથી શોધી કાઢો 
મીઠાં-મીઠાં સપનાંઓની દુનિયા પાછી લાવો 
મોટર-બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો 
પેન, લખોટી, કાચના ટુકડા મુજને પાછા આપો.

 


- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે)

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2025 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK