પ્લાસ્ટિક નામનો ભસ્માસુર પૃથ્વીને પાંગળી કરી રહ્યો છે. કચરાના કરપીણ અંબારો દરિયાને દયામણો બનાવી રહ્યા છે. કિરીટ શાહના શેરમાં વાતાવરણમાં સમાયેલું હતાશાવરણ વાંચી શકાય છે...
સૃષ્ટિને ઉજાડશે તે કેમ ચાલે?
વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂને ઊજવાય છે. એકવીસમી સદીમાં પર્યાવરણ અંગે જેટલી જાગૃતિ આવી છે એટલી જ તબાહી પણ મચી છે. કાર્બન નામના રાક્ષસને રોજ ખાવા જોઈએ. દાંત ઘસતાં પહેલાં દાતણ ચબાવીએ એમ ધીરે-ધીરે એ સૃષ્ટિને ચબાવી રહ્યો છે. પ્લાસ્ટિક નામનો ભસ્માસુર પૃથ્વીને પાંગળી કરી રહ્યો છે. કચરાના કરપીણ અંબારો દરિયાને દયામણો બનાવી રહ્યા છે. કિરીટ શાહના શેરમાં વાતાવરણમાં સમાયેલું હતાશાવરણ વાંચી શકાય છે...
હર ક્ષણે આ શ્વાસમાં, જે પ્રાણ પૂરે વણ કહ્યે
વૃક્ષથી જીવતર બન્યું છે શક્ય, ને નિત પાંગર્યું છે
આ ધરા, વહેતી હવા ને જળ પ્રદૂષિત થઈ ગયાં
તેથી જીવતરમાં હવે, આ કારમું વિષ પાંગર્યું છે
કેમિકલ કચરો અને ઝેરી દ્રવ્યો ધરાવતું પ્રદૂષિત પાણી નદીઓમાં બેરોકટોક ઠલવાય છે. તાજેતરમાં પોતાનો મોંઘો મોબાઇલ ગોતવા આખું તળાવ ખાલી કરી કરોડોનું નુકસાન કરાવનાર સરકારી અધિકારીનો કિસ્સો તો નફ્ફટાઈની હદ હતી. આવા ભણેલા અભણ લોકોને કમલેશ શુક્લની વાત સાત તો શું સિત્તેર જન્મેય નહીં સમજાય...
આપણું આયખું કામ આવે સતત
છાંયડો આપવાને ઘટા રાખજો
પ્રેમ વાવો અને માનવી વૃક્ષ બને
તો પછી છાંયડામાં સભા રાખજો
વૃક્ષ સ્વયં વૈકુંઠ છે. વૃક્ષ ઊભું મંદિર છે. એમાં ઘંટારવની જગ્યાએ પંખીના ટહુકા વહેતા થાય છે. એ ફૂલ, ફળ, પાનનો પ્રસાદ આપણને આપે છે. વૃક્ષ ઈશ્વરનું સાક્ષાત્ સ્વરૂપ છે. કમનસીબી એ છે કે આપણે ભગવાનને જ વાઢવા નીકળ્યા છીએ. રશ્મિ જાગીરદારનો પ્રશ્ન વાત્સલ્યની દૃષ્ટિએ નહીં તો કમસે કમ વાણિયાની દૃષ્ટિએ તો વિચારવો રહ્યો...
ઝાડ લીલાં કાપશે તે કેમ ચાલે?
સૃષ્ટિને ઉજાડશે તે કેમ ચાલે?
બીજું કંઈ તો ઠીક છે, પણ એ કહો કે
પ્રાણવાયુ ખૂટશે તે કેમ ચાલે?
વિકાસ અને વિનાશ બંને વચ્ચેનું અસંતુલન નુકસાનકારક નીવડે. મેટ્રો ટ્રેન માટે જો હજાર વૃક્ષો કાપવાનાં થાય તો સામે દસ હજાર વૃક્ષોની ભરપાઈ આવશ્યક બને. યોગ્ય ટાઉન પ્લાનિંગ દ્વારા શહેરોમાં પણ અર્બન જંગલો ઊભાં કરી શકાય. સવાલ આઉટ ઑફ ધ બૉક્સ વિચારોને સાર્થક કરવાનો છે. અહીં તો ફુટપાથે ઊભેલાં વૃક્ષોનાં મૂળિયાંમાં સિમેન્ટ પાથરી દેતા અણઘડ કૉન્ટ્રૅક્ટરો સાથે જીવવાનું છે. અતુલ દવે ચિંતા વ્યક્ત કરે છે...
શું થયું! શું થાય છે! ને શું થશે! કોને ખબર
કોણ જાણે ઋતુ કઈ આજે હશે! કોને ખબર
ફક્ત વૈશ્વિક ઉષ્ણતા લાગે જ છે કારણ બધું
આ જ અસમંજસ હવે ક્યારે જશે! કોને ખબર
વૈશ્વિક તાપમાન વધવામાં દાયકાઓ ગયા એમ ઘટવામાં પણ દાયકાઓ લાગે. પ્રદૂષણ વૈશ્વિક સમસ્યા છે અને એનું સમાધાન પણ વૈશ્વિક દૃષ્ટિ માગે છે. વૃક્ષાયણ નામનું મહાકાવ્ય એક સચોટ ઉપાય છે. આપણે તળાવો સર્જી શકીએ, નદીઓ બનાવી શકતા નથી. નર્મદા જેવી જળસંચયની મહાકાય યોજનાઓ પણ દાયકાઓ માગી લે છે. સૌથી સરળ ઉપાય વૃક્ષ વાવીને એનું જતન કરવાનો છે. વાત હજારો કે લાખો નહીં, કરોડો અને અબજોમાં કરવી પડે. ભૂમિ પંડ્યાની પંક્તિમાં નૂર ગુમાવી બેઠેલા વૃક્ષની પીડા સંભળાય છે...
હું હવે થાકી ગયો, પરવાનગી આપો મને
હા, હું સુક્કું ઝાડ છું, પણ પ્રેમથી કાપો મને
હું જ બારી, બારણું, ટેબલ અને ખુરશી બનું
લાકડી, ઉંબર બનું... નહીં આપતા ઝાંપો મને
હમણાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ જતાં રસ્તામાં એક મરેલું ઝાડ જોયું. કોઈએ એની બચીકૂચી ડાળીઓને વિવિધ રંગોથી રંગીને એમાં પ્રાણ પૂર્યો હતો. એક તરફ આવી નાની નિસબત છે તો બીજી તરફ બાહુલ્ય ધરાવતી આપણી બેદરકારી છે. રેલવેના પાટાઓ પર, નદીઓમાં, દરિયામાં કે હિલ સ્ટેશન પર આડધેડ ફેંકાતો કચરો આપણા કપાળ પરનું કાળોતરું કલંક છે. આવાં ઘણાં કલંકો સાથે આપણે જીવીએ છીએ. મીઠી નદીની મુલાકાત લઈને મીતા ગોર મેવાડાની પંક્તિઓ વાંચીએ તો વધારે સમજાશે...
પ્લૉટમાં પલટાય ખેતર, કેડીઓ રસ્તા બને
કેવી રીતે ખીલશે કૂંપળ સિમેન્ટના કહેરમાં?
ક્યાંક સુકાઈ ગઈ ને ક્યાંક ખોવાઈ નદી
વહેણ પાણીનું મળે વહેતું શહેરની નહેરમાં
લાસ્ટ લાઇન
કૂવાનાં તળ કરો સાચાં
પ્રભુજી એને પાણી અપાવોને પાછાં
કૂવાને પાણી સંગ ભવભવની પ્રીત
એને પાણી વિના તે કેમ સોરવે
વનનાં તે વન અહીં રહેંસીને લોકો
સૃષ્ટિનાં સંતુલન ખોરવે
વર્ષાને આકર્ષી લઈ આવે કોણ
અહીં ઝાડ બચ્યાં ઓછાં ને આછાં
રેંટ અને કોશ અને મીંદડી ગરગડીને
કૂવો લાગે છે ઓરમાયો
નીકનોયે ખાલીપો, શેઢા લગ પહોંચીને
ખેતરથી ખોરડે ભરાયો
માણસ તો બોલીયે નાખેઃ
આ ધરતીની તરસ્યુંને કોણ દિયે વાચા?
હિતેન આનંદપરા

