આ શોકને પગલે તે ૩૧ વર્ષ પછી રીરિલીઝ થઈ રહેલી અંદાઝ અપના અપનાના સ્ક્રીનિંગમાં પણ સામેલ ન થયો
આમિર ખાન
આમિર ખાન અને સલમાન ખાનને ચમકાવતી ડિરેક્ટર રાજકુમાર સંતોષીની ‘અંદાઝ અપના અપના’ ગઈ કાલે રીરિલીઝ થઈ છે. આ ફિલ્મ ૧૯૯૪માં રિલીઝ થઈ હતી, પણ ત્યારે એને સફળતા નહોતી મળી. જોકે હવે એને ક્લાસિક કૉમેડી ફિલ્મ ગણવામાં આવે છે. આ ફિલ્મને હવે ૩૧ વર્ષ પછી ફરી રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મની રીરિલીઝ પહેલાં ફિલ્મના કલાકાર અને ક્રૂ-મેમ્બર્સ માટે આ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. જોકે આમિરે આ સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં હાજરી આપવાનું ટાળ્યું હતું, કારણ કે તે બાવીસમી એપ્રિલે થયેલા પહલગામ અટૅકને કારણે ઊંડા આઘાતમાં છે. આ નિર્ણય વિશે વાત કરતાં આમિરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘હું પહલગામ વિશેના રિપોર્ટ વાંચી રહ્યો હતો. હું નિર્દોષ લોકોની હત્યાથી બહુ દુખી હતો અને પ્રિવ્યુમાં જવાની સ્થિતિમાં નહોતો એટલે મેં ત્યાં જવાનું ટાળ્યું હતું. હું હવે સમય મળશે ત્યારે એ જોઈશ.’
પહલગામ અટૅક પછી આમિર ખાનની પ્રોડક્શન-ટીમ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ઇમોશનલ પોસ્ટ કરીને આ મામલે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે અમારી પીડા તેમ જ સંવેદના મૃત્યુ પામેલા લોકો પ્રત્યે છે.

