ઐશ્વર્યા સાથે અણબનાવ હોવાની ચર્ચા વિશે આખરે અભિષેકે સ્પષ્ટતા કરી
અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની ગણતરી બૉલીવુડના પાવર કપલ તરીકે થાય છે. તેમણે ૨૦૦૭માં લગ્ન કર્યાં હતાં અને ત્યારથી તેમની વચ્ચે પ્રેમાળ રિલેશનશિપ છે. જોકે થોડા સમય પહેલાં તેમની વચ્ચે સમસ્યા સર્જાઈ હોવાના સમાચાર હતા, પણ આ મામલે અભિષેક કે પછી ઐશ્વર્યાએ કોઈ સ્પષ્ટતા નથી કરી. જોકે હાલમાં એક ઇન્ટરવ્યુમાં અભિષેકે તેના વિશે ફેલાયેલી અફવાઓ અને નકારાત્મક વાતો વિશે પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં અભિષેકને પૂછવામાં આવ્યું હતું કે તે તેના અંગત જીવન વિશેની નકારાત્મક અને ખોટી વાતોનો સામનો કેવી રીતે કરે છે? આ સવાલનો જવાબ આપતાં અભિષેકે કહ્યું કે ‘મને ખાતરી છે કે આવી ખોટી અને નકારાત્મક માહિતી ફેલાવનારા લોકો ભાગ્યે જ સાચું સાંભળવામાં રસ ધરાવે છે. પહેલાં આવી વાતોની મારા પર કોઈ અસર નહોતી થતી, પરંતુ હવે મારો એક પરિવાર છે જેના પર આવી અફવાઓની બહુ અસર થાય છે. જ્યારે અફવાઓનું પ્રમાણ વધી જાય ત્યારે ભલે હું કંઈક સ્પષ્ટતા કરવા જાઉં પણ લોકો એનો અવળો અર્થ જ કાઢશે, કારણ કે નકારાત્મક સમાચાર વેચાય છે. તમે હું નથી. તમે મારું જીવન નથી જીવતા. તમે તે લોકો પ્રત્યે જવાબદાર નથી જેના પ્રત્યે હું જવાબદાર છું. જે લોકો આવી નકારાત્મકતા ફેલાવે છે તેમણે પોતાના અંતરાત્માને જવાબ આપવો પડશે અને એનો સામનો કરવો પડશે. આ અફવાઓ માત્ર મારા વિશે નથી અને એની અસર માત્ર મારા પૂરતી મર્યાદિત નથી.’

