‘Ajey: The Untold Story of a Yogi’ Trailer released: યુવાનની નમ્ર શરૂઆતથી આધ્યાત્મિક સાધક સુધીની અસાધારણ સફર છે ટ્રેલરમાં; યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના જીવન પર આધારિત છે ફિલ્મ
`અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી` ૧૯ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે
બહુપ્રતિક્ષિત અને બહુચર્ચિત ફિલ્મ `અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી` (Ajey: The Untold Story of a Yogi) જે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્ય પ્રધાના અને બીજેપી (BJP) નેતા યોગી આદિત્યનાથ (Yogi Adityanath)ના જીવન પર આધારિત છે તેનું ટ્રેલર આજે રિલિઝ થયું છે. ફિલ્મના નિર્માતાઓએ આજે ગુરુવારે ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં ગોરખપુર (Gorakhpur)ના સંઘર્ષ અને સીએમ યોગીના વિદ્યાર્થી જીવનની વાર્તા બતાવવામાં આવી છે.
`અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી`ના નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર (Ajey: The Untold Story of a Yogi trailer out) રજૂ કર્યું છે. આ ટ્રેલર એક યુવાનની નમ્ર શરૂઆતથી આધ્યાત્મિક સાધક સુધીની અસાધારણ સફર દર્શાવે છે.
ADVERTISEMENT
ફિલ્મ `અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી`નું ટ્રેલર ૨ મિનિટ ૨૦ સેકન્ડનું છે. આ ટ્રેલરની શરૂઆતમાં, પૂર્વાંચલના દિગ્ગજ નેતા અવધેશ રાયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના કારણે ગોરખપુરમાં કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. આ પછી, બતાવવામાં આવ્યું છે કે અજય આનંદ વિદ્યાર્થી તરીકે કોલેજમાં પ્રવેશ લે છે અને ત્યાંના રાજકારણમાં સામેલ થાય છે. આ પછી, તે બધાના હિતમાં અવાજ ઉઠાવે છે અને બધા વિદ્યાર્થીઓની પસંદગી બની જાય છે. બાદમાં, તે દેશ માટે ઘર છોડીને યોગી બનવાનું નક્કી કરે છે.
અહીં જુઓ ફિલ્મનું ટ્રેલરઃ
`અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી`ના ટ્રેલરને ધમાકેદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
ફિલ્મની રિલીઝની વાત કરીએ તો, `અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી` ૧૯ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ આ ફિલ્મ ૧ ઓગસ્ટે રિલીઝ થવાની હતી, ત્યારબાદ તેની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ફિલ્મમાં યોગીએ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ છોડીને બલિદાન અને જાહેર સેવાનો માર્ગ પસંદ કર્યો, અને અંતે ભારતના સૌથી પ્રભાવશાળી રાજકીય નેતાઓમાંના એક બન્યા તેની વાત છે. આ ફિલ્મ યોગી આદિત્યનાથનું પરિવર્તન બતાવશે. ઉત્તરાખંડના એક સામાન્ય છોકરા અજય સિંહ બિષ્ટની ભારતના શક્તિશાળી નેતા બનવાની સફર છે.
આ ફિલ્મમાં દિનેશ લાલ યાદવ (Dinesh Lal Yadav), પરેશ રાવલ (Paresh Rawal), અજય મેંગી (Ajay Mengi), પવન મલ્હોત્રા (Pawan Malhotra), રાજેશ ખટ્ટર (Rajesh Khattar), ગરિમા વિક્રાંત સિંહ (Garima Vikrant Singh) અને સરવર આહુજા (Sarwar Ahuja) વગેરે કલાકારો છે.
ફિલ્મ `અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી` શાંતનુ ગુપ્તા (Shantanu Gupta)ના પુસ્તક `ધ મોન્ક હૂ બિકેમ ચીફ મિનિસ્ટર` (The Monk Who Became Chief Minister) પર આધારિત છે. યોગી આદિત્યનાથની આ બાયોપિકનું દિગ્દર્શન રવિન્દ્ર ગૌતમ (Ravindra Gautam)એ કર્યું છે. આ ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર મીત બ્રધર્સ (Meet Brothers) દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે.

