કહ્યું કે અહીં રાહા જન્મી હતી અને આની સાથે અમારી યાદગીરી જોડાયેલી છે
આલિયા ભટ્ટ જૂના ઘરમાં છેલ્લી દિવાળી ઊજવીને થઈ ઇમોશનલ
આલિયા ભટ્ટે પતિ રણબીર કપૂર અને દીકરી રાહા સાથે દિવાળી બહુ ધૂમધામથી સેલિબ્રેટ કરી. આ સેલિબ્રેશન પરિવાર માટે ખાસ છે, કારણ કે તેમના હાલના ઘર ‘વાસ્તુ’માં આ છેલ્લી દિવાળી છે અને થોડા સમયમાં તેઓ પાલી હિલ ખાતેના તેમના અઢીસો કરોડ રૂપિયાના નવા બંગલોમાં શિફ્ટ થઈ જશે. આ ઘરમાં દિવાળી સેલિબ્રેટ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું હતું કે ‘આ ઘરમાં રાહા જન્મી હતી અને હવે અહીં અમારી છેલ્લી દિવાળી છે. આ ઘર સાથે અમારી અનેક યાદગીરી જોડાયેલી છે. આ વાસ્તવમાં ખૂબ જ ભાવુક સમય છે. રાહાને આ દિવાળી યાદ નહીં રહે, પણ આ વર્ષોની યાદો તેના હૃદયમાં વસી જશે અને આ તેના હૃદયમાં એક અનુભૂતિ છોડી જશે. દિવાળી તો બસ ભાવનાઓનું નામ છે. એ ઊષ્મા અને પ્રકાશથી ભરપૂર હોવી જોઈએ.’
આલિયાને જ્યારે તેના નવા ઘરના શિફ્ટિંગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ‘હું જીવનના આ ચૅપ્ટરને મેળવીને સાચે જ લકી અનુભવી રહી છું. અમે ઘર બદલવાની દોડધામ વચ્ચે છીએ, પણ મારું હૃદય આનંદથી ભરાયેલું છે. આ અનુભૂતિ એટલી ગહન છે કે મને લાગે છે કે એનો અસલી અનુભવ અમને ઘરમાં રહેવાના કેટલાક મહિના અથવા કદાચ એક વર્ષ પછી જ થશે.’

