જે લોકો સ્ટુડન્ટ વીઝા પર અમેરિકામાં છે તેમણે પ્રોફેશનલ H-1B વીઝા માટે એક લાખ ડૉલર નહીં ભરવા પડે : ગઈ કાલે યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સવિર્સિસે સ્પષ્ટ કરી દીધું કે બદલાયેલી વીઝા-ફી કોને લાગુ પડશે અને કોને નહીં
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં રહીને કામ કરતા હજારો પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે વીઝા-ફી વિશે ખુશખબર છે. ટ્રમ્પ પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે ભારેભરખમ એક લાખ ડૉલરની H-1B વીઝા માટેની ફીમાંથી કોને-કોને છૂટ મળશે. અમેરિકામાં પહેલેથી જ હાજર હોય એવા ઇન્ટરનૅશનલ ગ્રૅજ્યુએટ્સ અને હાલમાં પણ જેમની પાસે H-1B વીઝા છે તેમણે આ ફી નહીં આપવી પડે.
યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ કેટલીક સ્પષ્ટતાઓ કરી છે જે આ મુજબ છે:
ADVERTISEMENT
૧. જે લોકો ઑલરેડી F-1 સ્ટુડન્ટ-વીઝા ધરાવે છે, L-1 ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર વીઝા કે હાલમાં H-1B વીઝા પર અમેરિકામાં કામ કરી રહ્યા છે તેમને વીઝાના રિન્યુઅલ કે એક્સ્ટેન્શન માટેના આવેદન વખતે આ ફી ભરવાની જરૂર નથી.
૨. ૨૦૨૫ની ૨૧ સપ્ટેમ્બર પહેલાં જેમની H-1B વીઝાની અરજી આવી ગઈ છે તેમને પણ આ ફી લાગુ નહીં પડે.
૩. H-1B વીઝાધારક કોઈ રોકટોક વિના અમેરિકાની અંદર કે બહાર યાત્રા કરી શકે છે.
૪. F-1 સ્ટુડન્ટ-વીઝામાંથી H-1B વીઝા માટે આવેદન કરનારા વિદ્યાર્થીઓએ પણ આ ફી નહીં આપવી પડે.
૫. જે વિદેશી પ્રોફેશનલ્સને અમેરિકામાં લાવવાનું રાષ્ટ્રહિતમાં હોય અને એ પદ કોઈ અમેરિકન નાગરિક ભરી શકે એમ ન હોય એવો એમ્પ્લૉયર વીઝા-ફીમાં છૂટ મેળવવા માટે અરજી કરી શકે છે.

