રાઇટર શોભા ડેએ કર્યો ચોંકાવનારો દાવો, ઍક્ટ્રેસે પણ માન્યું કે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી રેસ્ટોરાંઓના માલિકોમાં તેનું નામ પણ સામેલ
શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં બૅસ્ટિયનમાં રોજ થાય છે બેથી ત્રણ કરોડનો વકરો
રાઇટર અને સોશ્યલાઇટ શોભા ડેએ હાલમાં એક ઇન્ટરવ્યુમાં શિલ્પા શેટ્ટીની રેસ્ટોરાં ‘બૅસ્ટિયન’ની લોકપ્રિયતા વિશે વાત કરતાં દાવો કર્યો છે કે રેસ્ટોરાંનો રોજનો બેથી ત્રણ કરોડ રૂપિયાનો વકરો થાય છે અને લોકો અહીં આવીને લાખો રૂપિયા ખર્ચ કરે છે.
આ રેસ્ટોરાંના પોતાના અનુભવ વિશે વાત કરતાં શોભા ડેએ કહ્યું હતું કે ‘મુંબઈની આ રેસ્ટોરાંનું રોજનું ટર્નઓવર બેથી ત્રણ કરોડ રૂપિયાનું થાય છે. સ્લો નાઇટમાં આ ટર્નઓવર બે કરોડ રૂપિયા અને વીક-એન્ડ પર ત્રણ કરોડ રૂપિયા થાય છે. આ સાંભળીને મને બહુ નવાઈ લાગી હતી અને હું પોતે એ રેસ્ટોરાં જોવા ગઈ હતી. આ રેસ્ટોરાં એક જ રાતે ૧૪૦૦ લોકોને સર્વ કરે છે અને મહેમાનો મોંઘી કારોમાં આવે છે. આ રેસ્ટોરાંમાં બે પ્રકારની બેઠકવ્યવસ્થા છે અને દરેકમાં ૭૦૦ લોકો બેસે છે. આ રેસ્ટોરાં જ્યાં આવેલી છે એ દાદર વિસ્તારમાં રસ્તાની બાજુમાં નીચે લોકોની લાંબી લાઇન હોય છે. લોકો લમ્બોર્ગિની અને ઍસ્ટન માર્ટિન જેવી મોંઘી કારોમાં આવે છે. ત્યાં દરેક ટેબલ પર લાખોનું બિલ બને છે.’
ADVERTISEMENT
શિલ્પાએ ૨૦૧૯માં બૅસ્ટિયન બ્રૅન્ડના સ્થાપક અને રેસ્ટોરાંના માલિક રણજિત બિન્દ્રા સાથે ભાગીદારી કરી છે. હવે તેઓ ભારતભરમાં અનેક રેસ્ટોરાંનાં સહ-માલિક છે અને બ્રૅન્ડમાં તેમનો ૫૦ ટકા હિસ્સો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં શિલ્પાએ સ્વીકાર્યું હતું કે તે ભારતના સૌથી મોટા રેસ્ટોરાં-માલિકોમાંની
એક છે.

