અણધાર્યા વરસાદને લીધે ફેસ્ટિવલ શૉપિંગને ઝટકો લાગ્યો, પણ સતત બગડી રહેલા AQIમાં થોડો સુધારો થવાની આશા
ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસે ફેલાઈ ગયેલી ભીનાશ (તસવીર : આશિષ રાજે)
ગઈ કાલે સાંજે મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. દિવાળીના દિવસોમાં શૉપિંગ અને બીજાં કારણોસર બહાર નીકળેલા મુંબઈગરાઓ અને ફેરિયાઓ માટે વરસાદને લીધે ભારે મુસીબત સર્જાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, બાંદરા, લાલબાગ, પવઈ, ભાયખલા, કુર્લા અને બીજા કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હતો અને તેજ ગતિએ પવન ફૂંકાયો હતો. નવી મુંબઈમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા નોંધાયા હતા. વેપારીઓ અને દિવાળી ઊજવવાના ઉત્સાહમાં આવેલા લોકોમાં વરસાદને લીધે થોડી નિરાશા જોવા મળી હતી, પણ મુંબઈની હવામાં ફેલાઈ ગયેલા ધુમાડા અને ખરાબ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)માં હવે વરસાદને કારણે સુધારો આવશે.

