વાશીના સેક્ટર ૧૪માં આવેલી રાહેજા રેસિડન્સીની B વિન્ગના દસમા માળના ફ્લૅટમાં લાગેલી આગ અગિયારમા અને બારમા માળ સુધી ફેલાઈ
રાહેજા રેસિડન્સીની B વિન્ગના ફ્લૅટ-નંબર ૧૦૦૫માં આગને લીધે બધું ખાખ થઈ ગયું હતું (ડાબે), રાહેજા રેસિડન્સીમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલાં સુંદર ક્રિષ્નન, પૂજા અને તેમની દીકરી વેદિકા (જમણે)
નવી મુંબઈના વાશીમાં સેક્ટર ૧૪માં આવેલા MGM કૉમ્પ્લેક્સની રાહેજા રેસિડન્સીની B વિન્ગમાં સોમવારે મધરાતે ૧૨.૩૦ વાગ્યે દસમા માળના એક ફ્લૅટમાં આગ ફાટી નીકળી હતી, જે અગિયારમા અને બારમા માળે પણ ફેલાઈ હતી. આ આગમાં જેમના ફ્લૅટથી આગની શરૂઆત થઈ એ ૮૪ વર્ષનાં શારીરિક રીતે અક્ષમ મહિલા કમલા જૈન ઉપરાંત મૂળ કેરલાના મલયાલી પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં હતાં. કેરલાના પરિવારમાં ૪૪ વર્ષના સુંદર બાલક્રિષ્નન, ૩૯ વર્ષની પૂજા રંજન અને તેમની ૬ વર્ષની દીકરી વેદિકાનો સમાવેશ હતો. અન્ય ૧૦ લોકોને હૉસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં એવું જાણવા મળ્યું છે કે જે ફ્લૅટ-નંબર ૧૦૦૫માં આગ લાગી હતી એ મહાવીર જૈનનાં પત્નીએ આજુબાજુવાળા બધાને કહ્યું હતું કે આગ લાગી છે, મદદ કરો. આગ ભભૂકવા માંડતાં લોકો જીવ બચાવવા ટેરેસ પર જવા માંડ્યા હતા. તેઓ આજુબાજુના પાડોશીઓને અલર્ટ પણ કરતા ગયા હતા. મલયાલી પરિવારને પણ અલર્ટ કરવામાં આવ્યો હતો, તેમનો પણ દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો, પણ તેમના તરફથી રિસ્પૉન્સ નહોતો મળ્યો.
કરુણતા એ હતી કે આગ લાગ્યા બાદ મહાવીર જૈનનાં પત્નીએ આજુબાજુવાળાને ચેતવ્યા હતા અને મદદ માગી હતી, પણ તેઓ તેમનાં સાસુને બચાવી નહોતાં શક્યાં. આગમાં મૃત્યુ પામનારાં કમલા જૈનને થોડા દિવસ પહેલાં જ હૉસ્પિટલથી ઘરે લાવવામાં આવ્યાં હતાં. તેઓ બેડરેસ્ટ પર હતાં. તેમને મૂવ કરવાની પરિવારના સભ્યોએ કોશિશ કરી, પણ એ શક્ય નહોતું બની રહ્યું અને આગનો વ્યાપ ગણતરીની મિનિટોમાં વધી જતાં તેમણે પોતાનો જીવ બચાવવા તેમને મૂકીને જ નીકળી જવું પડ્યું હતું.
ADVERTISEMENT
આગની જાણ થયા બાદ ૮ ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. રાતે સાડાબાર વાગ્યે લાગેલી આગ પર સવારે ૪ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું. જે લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેમની તબિયત સુધારા પર હોવાનું હૉસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ આગની શરૂઆત ACમાં બ્લાસ્ટ થવાને લીધે થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ હતી. જોકે ચોક્કસ કયા કારણસર આગ લાગી એની જાણ થઈ નહોતી. સુંદર બાલક્રિષ્નન અને તેમનો પરિવાર ધુમાડાને કારણે બેહોશ થઈ ગયો હોવો જોઈએ અને પછી તેમનાં મોત થયાં હોઈ શકે. સુંદર બાલક્રિષ્નન સૉફ્ટવેર એન્જિનિયર હતા અને તે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા એમ તેમના મિત્રએ જણાવ્યું હતું.

