અનિલ કપૂરના પિતાની રાજેશ ખન્નાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી હતી અને પછી તેઓ બહુ હતાશ થઈ ગયા હતા
પિતા સુરિન્દર કપૂર સાથે અનિલ કપૂર
અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂર જાણીતા ફિલ્મ-પ્રોડ્યુસર હતા પણ શરૂઆતના તબક્કામાં તેમને ભારે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં અનિલ કપૂરે પિતાને મળેલી આ નિષ્ફળતા વિશે વાત કરતાં કહ્યું કે તે પોતાના પિતાની એ ખામીઓને પૂરી કરવા માગતો હતો અને એટલે જ ઍક્ટર બનવાનો નિર્ણય લીધો હતો. આજે પણ અનિલ કપૂરને એ વાતનું દુઃખ છે કે તેના પિતાએ રાજેશ ખન્નાને લઈને બનાવેલી એક ફિલ્મ ફ્લૉપ જતાં બૉલીવુડે તેમના તરફથી મોં ફેરવી લીધું હતું.
પોતાના પિતા વિશે વાત કરતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારા પપ્પા ખૂબ જ અદ્ભુત માણસ હતા. ખૂબ વિનમ્ર, ઈમાનદાર અને દિલદાર. લોકો તેમની સફળતા કરતાં પહેલાં તેમના સ્વભાવની વાત કરતા. જ્યારે મેં કહ્યું કે મારે ઍક્ટર બનવું છે ત્યારે પપ્પાએ કહ્યું કે ઠીક છે, પરંતુ હું તારા માટે ફિલ્મ નહીં બનાવી શકું, તારે પોતે જ કામ શોધવું પડશે. આ વાત સારી હતી, કારણ કે તેમણે મને મારાં સપનાં પૂરાં કરવાની સ્વતંત્રતા આપી.’
ADVERTISEMENT
અનિલ કપૂરના પિતાની રાજેશ ખન્નાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી હતી અને પછી તેઓ બહુ હતાશ થઈ ગયા હતા. પિતાની હતાશા વિશે વાત કરતાં અનિલ કપૂરે કહ્યું કે ‘ફિલ્મ ફ્લૉપ ગઈ અને થોડા જ કલાકોમાં બધું બદલાઈ ગયું. બધાએ જાણે તેમને એકલા છોડી દીધા હતા. મેં તેમને પહેલી વખત એ સ્થિતિમાં જોયા હતા. તેમની આંખોમાં આંસુ હતાં, ભલે તેઓ રડી રહ્યા નહોતા. આ દૃશ્ય આજે પણ મારા મનમાં વસેલું છે. આ કારણે જ હું હંમેશાં લીડ ઍક્ટર બનવા માગતો હતો.’
