અભિનેતા સતીશ શાહને ભારતીય સિનેમા અને ટેલિવિઝનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે મરણોત્તર પદ્મશ્રીથી સન્માનિત કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
સતીશ શાહ
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE) દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિવંગત અભિનેતા સતીશ શાહને ભારતીય સિનેમા અને ટેલિવિઝનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે મરણોત્તર પદ્મશ્રીથી સન્માનિત કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
FWICE દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ‘સતીશ શાહ ‘યે જો હૈ ઝિંદગી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘જાને ભી દો યારોં’ અને ‘મૈં હૂં ના’ જેવી યાદગાર ફિલ્મો અને ટીવી-શોમાં તેમના કૉમિક ટાઇમિંગ અને અભિનયથી દર્શકોનાં દિલ જીત્યા હતા. તેમની બહુમુખી પ્રતિભાએ તેમને ભારતીય મનોરંજનજગતની સન્માનિત હસ્તી બનાવી દીધી હતી. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં તેઓ ઘર-ઘરમાં જાણીતા બની ગયા હતાં. તેમણે પર્ફોર્મિંગ આર્ટ્સમાં નોંધપાત્ર ઉદાહરણરૂપ કામ કર્યું છે.’
ADVERTISEMENT
આ પત્રમાં સતીશ શાહના વ્યક્તિત્વ વિશે લખવામાં આવ્યું છે કે ‘ઉત્કૃષ્ટ અભિનેતા ઉપરાંત સતીશ શાહ એક દયાળુ અને કરુણામય વ્યક્તિ હતા. તેઓ હંમેશાં સાથી-કલાકારો, ટેક્નિશ્યન્સ અને ઇન્ડસ્ટ્રીને સંલગ્ન તમામ લોકોને પ્રોત્સાહિત કરતા હતા. ઇન્ડસ્ટ્રીની વર્કિંગ કમ્યુનિટી તેમનો ભારે આદર કરતી હતી. સતીશ શાહે FWICEના ઘણા કલ્યાણકારી પ્રોજેક્ટ્સનું ઉદારતા અને ભારે આદર સાથે સમર્થન કર્યું હતું. સતીશ શાહના નિધન પછી તેમને ઓળખતા બધા લોકોના હૃદયમાં અને તેમની મદદથી આકાર લેનારી સર્જનાત્મક દુનિયામાં એક ભાવનાત્મક શૂન્યતા છવાઈ ગઈ છે. જો તેમને પદ્મશ્રીથી સન્માનવામાં આવશે તો માત્ર એક અભિનેતાનું જ નહીં, એવી વ્યક્તિનું સન્માન થશે જે ચાર દાયકાથી વધુ સમય સુધી ભારતીય દર્શકોના ચહેરા પર હાસ્ય લાવવા માટેનું તેમ જ પૅશનને ફૉલો કરવાની પ્રેરણા આપવાનું કારણ બની હતી.’


