ન્યુ યૉર્ક જતાં પહેલાં મુંબઈમાં દેશભરમાંથી આવેલા ચાહકો સાથે કરી ૪૦મી વર્ષગાંઠની ભવ્ય ઍડ્વાન્સ ઉજવણી
થ્રી-ટિયર કેક કટ કરી
ગઈ કાલે દીપિકા પાદુકોણની ૪૦મી વર્ષગાંઠ હતી. દીપિકા હાલમાં પતિ રણવીર સિંહ અને પરિવાર સાથે ન્યુ યૉર્કમાં છે અને તેણે પોતાનો જન્મદિવસ ત્યાં જ સેલિબ્રેટ કર્યો હતો. જોકે ખાસ વાત એ છે કે દીપિકા ન્યુ યૉર્ક જવા રવાના થઈ એ પહેલાં તેણે મુંબઈમાં ફૅન્સ માટે મહાલક્ષ્મી વિસ્તારમાં ‘ગ્રૅટિટ્યુડ ડે’ નામના ખાસ ફૅન-મીટ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમની સાથે ઍડ્વાન્સમાં બર્થ-ડેની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં તેણે ફૅન્સ સાથે વાતચીત કરી હતી, કેક કટ કરી હતી અને તેમના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. દીપિકાના આ ઍડ્વાન્સ બર્થ-ડે સેલિબ્રેશનની વિગતો હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે.
સ્પેશ્યલ સેલિબ્રેશન
ADVERTISEMENT
આ ફૅન-મીટમાં દીપિકા સિમ્પલ પણ સ્ટાઇલિશ લુકમાં નજરે પડી હતી. તેણે મરૂન રંગનો કો-ઑર્ડ સેટ પહેર્યો હતો. દીપિકા ફૅન્સ સાથે સતત તસવીરો ક્લિક કરાવતી અને વાતચીત કરતી નજરે પડી હતી. તેણે પોતાની ફેવરિટ ચૉકલેટ કેક કટ કર્યા પછી હાથ જોડીને સૌનો આભાર માન્યો હતો. આ ફૅન-મીટના ફોટો અને વિડિયોમાં જોવા મળે છે કે દીપિકા જ્યારે કેક કાપી રહી હતી ત્યારે ફૅન્સ સાથે મળીને તેની પહેલી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નું ગીત ‘આંખોં મેં તેરી’ ગાઈ રહ્યા હતા.
ફૅન્સને મળી સ્પેશ્યલ ટ્રીટમેન્ટ
દીપિકાએ આ ફૅન-મીટમાં તેના ચાહકોને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપી હતી. ‘ગ્રૅટિટ્યુડ ડે’ના સેલિબ્રેશનની સજાવટની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ મરૂન રંગનું ડેકોરેશન બહુ જ સુંદર હતું અને ગુલાબોથી સજાવેલા ટેબલ પર નાસ્તો પીરસવામાં આવ્યો હતો. આ સમગ્ર સેટઅપ કોઈ ફિલ્મના સેટ જેવું લાગતું હતું. એક ફૅને કાર્યક્રમની માહિતી શૅર કરતાં જણાવ્યું હતું કે ‘દીપિકાએ ભારતભરમાંથી કાર્યક્રમમાં આવેલા ૫૦થી વધુ ચાહકોની આવવા-જવાની ફ્લાઇટની ટિકિટનું આયોજન કર્યું હતું. તેણે તમામને લગભગ પાંચ કિલો વજનનાં ગિફ્ટ-હૅમ્પર આપ્યાં હતાં, જેની કિંમત અંદાજે ૧૫,૦૦૦ રૂપિયા પ્રતિ હૅમ્પર હોવાનું કહેવાય છે.’

ચાહકો માટેનાં ગિફ્ટ-હૅમ્પર
ફૅને વધુમાં જણાવ્યું હતું કે જ્યારે એક ચાહકે દીપિકાને કહ્યું કે તેનું સપનું પૅરિસ જવાનું છે ત્યારે દીપિકાએ તેનું સપનું પૂરું કરવાનું પ્રૉમિસ આપ્યું હતું અને તેની ટીમે તે ફૅન સાથે નંબર પણ શૅર કર્યા હતા. એક અન્ય ફૅને દીપિકાને પૂછ્યું કે શું તે તેને પોતાનો ડિઝાઇન કરેલો કોઈ ડ્રેસ પહેરાવી શકે? તો દીપિકાએ તરત જ તેની વાત સ્વીકારી લીધી હતી.


