ધર્મેન્દ્રએ આવું કહીને અન્ડરવર્લ્ડની ધમકીઓ પર પાણી ફેરવી દીધું હતું
ધર્મેન્દ્ર
બૉલીવુડના ‘હી-મૅન’ ગણાતા ધર્મેન્દ્ર રિયલ લાઇફમાં પણ અત્યંત નીડર અને ખુશમિજાજ હતા. તેમણે માત્ર ફિલ્મી પડદે ગુંડાઓની ધોલાઈ નથી કરી, અન્ડરવર્લ્ડની ધમકીઓનો પણ બહાદુરીથી સામનો કર્યો છે. ઍક્ટર મદન પુરીના દીકરા અને ઍક્ટર-ડિરેક્ટર સત્યજિત પુરીએ ધર્મેન્દ્ર સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને હાલમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં ધર્મેન્દ્ર સાથે સંકળાયેલો એક કિસ્સો શૅર કર્યો છે.
સત્યજિતે કહ્યું છે, ‘એવા પણ દિવસો હતા જ્યારે બૉલીવુડમાં અન્ડરવર્લ્ડનો ઘણો ડર હતો. જો તેઓ કોઈ કલાકારને ધમકી આપે અથવા બોલાવે તો મોટા ભાગના કલાકારો ડરી જતા અને તેમણે અન્ડરવર્લ્ડના દરબારમાં હાજરી ભરવી પડતી, પરંતુ ધરમજી અને તેમનો પરિવાર આ ધમકીઓથી ક્યારેય ડર્યા નહોતા. જો અન્ડરવર્લ્ડ તરફથી ધર્મેન્દ્રને ધમકી મળે તો તેઓ જવાબ આપતા કે ‘જો તમે અહીં આવશો તો મારી સુરક્ષા માટે પંજાબથી મારું આખું ગામ અહીં આવી જશે. તમારી પાસે દસ લોકો હશે, પરંતુ મારી પાસે પંજાબની આખી સેના છે; એકને બોલાવીશ તો ટ્રક ભરીને લોકો અહીં આવી જશે એટલે મને ખોટી ધમકી ન આપવી.’
ADVERTISEMENT
ધર્મેન્દ્રની આ વાત સાંભળીને અન્ડરવર્લ્ડે ક્યારેય પછી તેમને ધમકી નહોતી આપી.


