૨૦ ડિસેમ્બરે યોજાશે આ અનોખો કાર્યક્રમ
સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (SVPVV)
કાંદિવલીની ૯૦મા વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલી શાળા સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (SVPVV)ના ૧૯૮૧, ૧૯૮૨ અને ૧૯૮૩ના બૅચના વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમના ઋણનો સ્વીકાર કરવા માટે ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કર્યું છે. કાર્યક્રમ ૨૦ ડિસેમ્બરે સાંજે છથી ૧૦ વાગ્યા સુધી મહાવીરનગરસ્થિત MCA ક્લબ (સચિન તેન્ડુલકર જિમખાના)માં યોજાવાનો છે.
ભારતની પ્રાચીન ગુરુ-શિષ્ય પરંપરામાંથી પ્રેરણા લઈને ગુરુવંદના કરવા માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. ગુરુવંદનાની રૂપરેખા એવી રાખવામાં આવી છે કે વિદ્યાર્થીઓની શાળાના સમયની ઘણીબધી સ્મૃતિઓ તાજી થઈ જશે અને તેઓ ભૂતકાળમાં સરી પડશે. કાર્યક્રમમાં શાળાના ૧૫ ભૂતપૂર્વ શિક્ષકોનો આદર-સત્કાર કરવામાં આવશે. આ પ્રસંગ રીયુનિયનથી કંઈક વિશેષ બની રહે એવી ભાવના સાથે આયોજન થયું છે.
ADVERTISEMENT
ગુરુવંદનામાં જોડાવા ઇચ્છતા ઉક્ત ત્રણે બેચના વિદ્યાર્થીઓનાં નામની નોંધણી માટે ગૂગલ ફૉર્મ તૈયાર કરાયું છે, જે https://tinyurl.com/svpvv પર ઉપલબ્ધ છે. આ ફૉર્મ દ્વારા ૧૫ ડિસેમ્બર સુધીમાં નામ નોંધાવી શકાશે. કાર્યક્રમમાં સહભાગીઓને બારકોડ અને આધાર કાર્ડ મારફત જ પ્રવેશ આપવામાં આવશે.
દેશના પ્રથમ હરોળના જાણીતા ઑન્ટ્રપ્રનર જિજ્ઞેશ શાહ ૧૯૮૨ના બૅચમાં હતા. તેઓ ગુરુવંદનાના આયોજનમાં વિશેષ રુચિ લઈને સક્રિય યોગદાન આપી રહ્યા છે. જિજ્ઞેશભાઈ કહે છે, ‘SVPVVના ઉત્તમ શિક્ષકો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા બદલ તમામ વિદ્યાર્થીઓને ગૌરવ છે. જીવનનો મજબૂત પાયો રચનારા શિક્ષકો વગર વિદ્યાર્થીઓ પ્રગતિ કરી શક્યા ન હોત. સામાન્ય રીતે યોજાતાં રીયુનિયનોના કેન્દ્રમાં વિદ્યાર્થીઓનું મિલન હોય છે, જ્યારે ‘ગુરુવંદના’ એ ગુરુપૂજા છે.’
ગુરુવંદનાના આયોજકોમાં જયદીપ કામદાર, કેતન વખારિયા, ઇલેશ સાંઘાણી, સોનલ કાંટાવાળા, સીમા વોરા, હિતેશ મહેતા, જિજ્ઞેશ શેઠ, ભૂપેશ શિરોદરિયા, મનીષ ડુંગરશી તથા અન્યોનો સમાવેશ થાય છે.


