આદિત્ય ધરની એક જૂની ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે
આદિત્ય ધર
ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ડિરેક્ટર આદિત્ય ધર અને રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. હવે એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’એ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી છે. દર્શકો માત્ર સ્ટારકાસ્ટની ઍક્ટિંગની જ નહીં, ફિલ્મની લેયર્ડ સ્ટોરીટેલિંગની પણ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. જોકે કેટલાક ક્રિટિક્સે ‘ધુરંધર : ધ રિવેન્જ’ની કડક ટીકા કરતાં એને ‘પ્રૉપગૅન્ડા’ ગણાવી છે. આ બધાની વચ્ચે આદિત્ય ધરની એક જૂની ક્લિપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જેમાં તે તેની ફિલ્મોને પ્રૉપગૅન્ડા કહેતા લોકોને આકરો જવાબ આપતો જોવા મળે છે.
વાઇરલ થઈ રહેલી ક્લિપમાં આદિત્ય ધરે કહ્યું હતું કે ‘લોકો શું કહે છે એની મને કોઈ પરવા નથી, ખાસ કરીને એ લોકોની જેઓ એજન્ડા ચલાવીને ટીકા કરે છે. હું જાણું છું કે તેઓ ક્યાંથી આવી રહ્યા છે. ભારતીય દર્શકો ખૂબ સમજદાર છે. તેઓ જાણે છે કે કઈ ફિલ્મ પ્રૉપગૅન્ડા છે અને કઈ ફિલ્મનો ઇરાદો સાચો છે. જ્યાં સુધી હું ફિલ્મમેકર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે કામ કરું છું ત્યાં સુધી મારી ફિલ્મોનો ઇરાદો હંમેશાં સાચો રહેશે. જે દિવસે મારો ઇરાદો ખોટો હશે એ દિવસે હું ફિલ્મ બનાવવાનું બંધ કરી દઈશ. મને લાગે છે કે કેટલાક આલોચકોના પોતાના મનમાં જ પ્રૉપગૅન્ડા ભરેલો છે જેને કારણે તેમને ફિલ્મ પણ પ્રૉપગૅન્ડા જેવી લાગે છે.’
