આમિર ખાનના ભાઈએ હાલમાં પાછો આક્ષેપ કર્યો કે મને મારા પરિવારે એક વર્ષ સુધી ઘરમાં પૂરી રાખ્યો હતો
ખાન પરિવાર
આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને થોડા દિવસો પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં આમિર ખાન સહિત આખા પરિવાર પર ગંભીર આરોપ મૂકીને કહ્યું હતું કે આમિર અને તેના પરિવારે તેને એક વર્ષ સુધી એક રૂમમાં પૂરી રાખ્યો હતો. જોકે હવે પરિવારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે પરિવારે તબીબી નિષ્ણાતોની સલાહથી ફૈઝલ ખાનના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલાંક પગલાં લીધાં હતાં, જે તેણે અગાઉ પણ ખોટી રીતે રજૂ કર્યાં છે. ફૈઝલ સ્કિઝોફ્રેનિયાનો દરદી છે અને તેને લાગવા માંડ્યું હતું કે તેની આસપાસના લોકો તેને નુકસાન પહોંચાડવા માગે છે. આ નિવેદનમાં પરિવારે આ અંગત બાબતને ખોટા સમાચારનો વિષય ન બનાવવાની વિનંતી કરી છે.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘મીડિયાને સંવેદનશીલતા બતાવવા વિનંતી. ફૈઝલ દ્વારા તેની માતા ઝીનત તાહિર હુસેન, બહેન નિખત હેગડે અને ભાઈ આમિર વિશે કરવામાં આવેલા દુખદ અને ભ્રામક ચિત્રણથી અમને ખૂબ દુઃખ થયું છે. તેણે આ પહેલાં પણ ઘટનાઓને ખોટી રીતે રજૂ કરી છે એથી અમને લાગે છે કે અમારા ઇરાદા સ્પષ્ટ કરવા અને એક પરિવાર તરીકે અમારી એકતા દર્શાવવાનું જરૂરી બની ગયું છે. હકીકત એ છે કે ફૈઝલ વિશેના બધા નિર્ણયો પરિવાર દ્વારા સામૂહિક રીતે, અનેક તબીબી નિષ્ણાતોને કન્સલ્ટ કરીને ફક્ત પ્રેમ, કરુણા અને તેના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્ય માટે વિચારણા કરીને લેવામાં આવ્યા છે. આ કારણસર અમે અમારા પરિવાર માટે આ મુશ્કેલ અને પીડાદાયક સમયગાળાની વિગતો જાહેરમાં શૅર કરવાનું ટાળ્યું છે. અમે મીડિયાને સંવેદનશીલતા દર્શાવવા માટે તેમ જ આ વ્યક્તિગત વિષયને સનસનાટીભર્યા, ઉશ્કેરણીજનક અને નુકસાનકારક સમાચાર તરીકે ન દેખાડવા અપીલ કરીએ છીએ.’
ADVERTISEMENT
આ નિવેદનના અંતે રીના દત્તા, જુનૈદ ખાન, આઇરા ખાન, ફરહત દત્તા, રાજીવ દત્તા, કિરણ રાવ, સંતોષ હેગડે, સેહર હેગડે, મન્સૂર ખાન, નુઝહત ખાન, ઇમરાન ખાન, ટીના ફોન્સેકા, ઝાયન મૅરી ખાન અને પાબ્લો ખાનનાં નામ લખ્યાં છે. જોકે આ નિવેદનમાં આમિર ખાનના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.
શું કહ્યું હતું ફૈઝલ ખાને?
ફૈઝલ ખાન હાલમાં એક ઇન્ટરવ્યુમાં કરેલા ચોંકાવનારા ખુલાસાને કારણે ચર્ચામાં આવ્યો છે. તેણે આરોપ મૂક્યો છે કે ‘ભાઈ આમિર ખાને મને એક વર્ષથી વધુ સમય સુધી મુંબઈના ઘરમાં કેદ રાખ્યો હતો. મારો ફોન છીનવી લીધો હતો અને મને સ્કિઝોફ્રેનિયાનો દરદી ગણાવીને બળજબરીથી દવા આપવામાં આવી હતી. મારો આખો પરિવાર મને પાગલ માનતો હતો અને મારી વિરુદ્ધ હતો જેને કારણે હું ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો હતો.’

