સ્કૂટીની કિંમત આશરે એક લાખ રૂપિયા હતી. તેના પપ્પા બજરંગ રામ સામાન્ય ખેડૂત હતા જેમના માટે આટલા પૈસા ભેગા કરવા અશક્ય બરાબર હતા
શોરૂમનો સ્ટાફ પણ બાપ-દીકરીના પ્રેમને જોઈને અભિભૂત થઈ ગયો હતો
દીકરી માટે પપ્પાનો પ્રેમ અનોખો હોય છે. ખાસ કરીને દીકરીના કોઈ સપનાને પૂરું કરવાની વાત હોય ત્યારે પપ્પા અશક્યને પણ શક્ય બનાવી દે એવી મહેનત કરતા હોય છે. આવું જ એક ઉદાહરણ તાજેતરમાં છત્તીસગઢથી સામે આવ્યું હતું.
છત્તીસગઢના જસપુર જિલ્લામાં રહેતી ચંપા ભગતને લાંબા સમયથી સ્કૂટી ખરીદવાની ઇચ્છા હતી. સ્કૂટીની કિંમત આશરે એક લાખ રૂપિયા હતી. તેના પપ્પા બજરંગ રામ સામાન્ય ખેડૂત હતા જેમના માટે આટલા પૈસા ભેગા કરવા અશક્ય બરાબર હતા. જોકે બજરંગ રામે નક્કી કર્યું કે તે દીકરીનું સપનું પૂરું કરીને રહેશે અને એ માટે તેમણે દરરોજ ટિનના એક બૉક્સમાં શક્ય હોય એટલા સિક્કાની બચત કરીને એ ભેગા કરવાનું શરૂ કર્યું. છ મહિનાના અંતે રોજની આ નાની-નાની બચત મોટી સેવિંગ્સમાં બદલાઈ ગઈ અને ધનતેરસે આખરે ચંપા ભગતનું સપનું સાકાર થયું. બજરંગ રામ દીકરી ચંપા સાથે સિક્કાઓનો થેલો લઈને શો-રૂમ પહોંચ્યા ત્યારે શોરૂમનો સ્ટાફ પણ બાપ-દીકરીના પ્રેમને જોઈને અભિભૂત થઈ ગયો હતો. ૪૦,૦૦૦ રૂપિયા સિક્કામાં આપીને અને બાકીની લોનની વ્યવસ્થા કરીને ભગત પરિવાર સ્કૂટી સાથે ઘરે ગયો હતો.


