ગોવિંદા અને સુનીતાની દીકરી ટીના આહુજાએ તેનાં માતા-પિતાને લઈને ફેલાતી અફવાઓ વિશે સ્પષ્ટતા કરી
ટીના આહુજા
ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાને લઈને અનેક અફવાઓ ચર્ચામાં રહી છે. કેટલાક રિપોર્ટમાં તેમના છૂટાછેડાની અટકળો વ્યક્ત કરવામાં આવી હતી. હવે ગોવિંદા અને સુનીતાની દીકરી ટીના આહુજાએ પોતાની કારકિર્દી અને માતા-પિતાને લઈને ફેલાતી અફવાઓ વિશે સ્પષ્ટતા કરી છે.
પોતાનાં મમ્મી-પપ્પાના સંબંધો વિશે વાત કરતાં ટીનાએ કહ્યું હતું કે ‘હું આ બધું મારા બાળપણથી જ જોતી આવી છું. દરેક દાયકામાં કોઈ નવી સ્ટોરી સામે આવી જાય છે. પહેલાં મૅગેઝિનોમાં આવતી હતી, પછી ઇન્ટરનેટ પર આવવા લાગી અને હવે ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબની દુનિયામાં પહોંચી ગઈ છે. હું પણ એક સામાન્ય માણસ છું. જ્યારે કોઈ વાતમાં સત્ય ન હોય અને એને વધારીને રજૂ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે દુઃખ થાય છે. એક મુદ્દો બનાવવામાં આવે છે અને પછી તેની આસપાસ બીજી વાર્તા ઊભી કરવામાં આવે છે. હું કોઈ સંત નથી કે મને ક્યારેય અસર નહીં થાય. હા, આવી વાતો પરેશાન કરે છે પણ આ ઇન્ડસ્ટ્રીમાં અને જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમારે મજબૂત બનવાનું શીખવું પડે છે. જ્યારે તમને સત્ય ખબર હોય અને તમારા સંબંધોની પાયાની મજબૂતી વિશે વિશ્વાસ હોય ત્યારે પ્રતિક્રિયા ન આપવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે.’
