કંગના રનૌતે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે બીજી બાળકીના જન્મ બાદ મોટા ભાગે આ વાત સ્પષ્ટ જોવા મળે છે
કંગના રનૌત
ઍક્ટ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય કંગના રનૌતે હાલમાં એક ઇન્ટરવ્યુમાં ચોંકાવનારું નિવેદન કર્યું છે કે ઍક્ટર હોય, ઍક્ટ્રેસ હોય કે પછી ગમે એટલો મોટો પરિવાર હોય, પણ તેમને હંમેશાં દીકરાની ખેવના હોય છે. કંગનાએ આ ઇન્ટરવ્યુમાં એશિયન પરિવારમાં પ્રવર્તતી દીકરાની ઇચ્છા અને દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવ વિશે ખૂલીને વાત કરી છે.
કંગનાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એશિયન સમાજમાં દીકરી પછી દીકરાની ઇચ્છા હોવી સામાન્ય બાબત છે. આ વાતને તમે દરેક એશિયન ઘર સાથે કનેક્ટ કરી શકો છો. તમારી એક દીકરી હોય છે અને ત્યાર બાદ બીજી પણ દીકરી જ જન્મે તો લાગણી સ્પષ્ટ દેખાય છે. બની શકે કે જે લોકો વધુ ભણેલા છે તેઓ દેખાડવા માગતા હોય છે કે તેમને કોઈ ફરક નથી પડતો, પરંતુ હું જણાવી દઉં કે દરેકને ફરક પડે છે. ઍક્ટર હોય, ઍક્ટ્રેસ હોય કે મોટો પરિવાર હોય પણ આ વાતથી તમામ લોકોને ફરક પડે છે. ઘણી વખત પહેલી દીકરીના જન્મ બાદ આ ભેદભાવ જોવા મળતો નથી, પરંતુ બીજી દીકરીના જન્મ બાદ મોટા ભાગે આ વાત સ્પષ્ટ જોવા મળે છે.’
ADVERTISEMENT
કંગનાએ આ મુદ્દે વધારે વાત કરતાં જણાવ્યું છે કે ‘હું એવા લોકોને ઓળખું છું જેઓ દાવો કરે છે કે અમે દીકરા-દીકરી વચ્ચે ભેદ નથી રાખતા, પરંતુ વાસ્તવિકતા અલગ છે. બૉલીવુડ-ઇન્ડસ્ટ્રીમાં પણ આ સ્પષ્ટ જોવા મળે છે, જ્યાં દીકરી કરતાં દીકરાની ઇચ્છા વધારે જોવા મળે છે.’


