ફિલ્મમેકરે કહ્યું કે હું બધાને વિનંતી કરું છું કે માત્ર હેલ્ધી ભોજન જ કરો અને એટલું જ ભોજન કરો જેટલી ભૂખ હોય
કરણ જોહર
તાજેતરમાં કરણ જોહરે સારુંએવું વજન ઉતારી દીધું છે જેના કારણે તે એકદમ દૂબળો લાગે છે. કરણનું આ ઘટેલું વજન ચર્ચાનું કારણ બન્યું હતું અને એવી ચર્ચા થવા લાગી હતી કે કરણને કોઈ બીમારી છે જેની સારવાર ચાલી રહી છે અને આ સારવારને કારણે કરણનું વજન ઘટી ગયું છે. જોકે હવે કરણે પોતે જ તેના વજન ઉતારવાના કારણનો ખુલાસો કરીને તમામ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
કરણે હાલમાં એક ઇન્ટરવ્યુમાં તેના ઘટી ગયેલા વજન વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘મારી તબિયત સારી છે અને મને મારો આ સ્લિમ લુક બહુ પસંદ પડ્યો છે. વજન ઘટવાને કારણે હું મારી જાતને વધારે સ્વસ્થ અને ફિટ અનુભવું છું. હકીકતમાં મેં થોડા સમય પહેલાં મારી બ્લડ-ટેસ્ટ કરાવી હતી જેના રિઝલ્ટ પરથી મને ખબર પડી કે મારે મારી ફિટનેસ સુધારવાની જરૂર છે. હું બ્લડ-લેવલ સુધારવા માટે દવાઓ તો ખાઈ જ રહ્યો છું, પણ સાથે-સાથે ડાયટ પણ કરી રહ્યો છું. મારું જે વજન ઘટ્યું છે એનું કારણ ડાયટિંગ છે. હું એક જ વખત જમું છું. આ સિવાય વજન ઘટાડવા માટે મેં પેડલ-બૉલ અને સ્વિમિંગ જેવી ફિટનેસ ઍક્ટિવિટીની મદદ લીધી. મેં મારી હેલ્થને ધ્યાનમાં રાખીને વજન ઘટાડ્યું છે. હું બધાને વિનંતી કરું છું કે માત્ર હેલ્ધી ભોજન જ કરો અને એટલું જ ભોજન કરો જેટલી ભૂખ હોય. સ્વાદિષ્ટ વાનગીઓ વધારે ખાઈ લેવાની લાલચ ન કરવી જોઈએ.’

