સ્ટેશનમાંથી બહાર નીકળવા માટે એકસાથે બધા પ્રવાસીઓએ ધસારો કરતાં રેલવેના ફુટઓવર બ્રિજ પર ભારે ભીડ થઈ ગઈ હતી.
કુર્લા રેલવે-સ્ટેશનમાં ગઈ કાલે લોકોએ ફુટઓવર બ્રિજ પર એકસાથે ધસારો કર્યો હતો.
સેન્ટ્રલ રેલવેના કુર્લા સ્ટેશન પર ગઈ કાલે રાતે સાતેક વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પનવેલ તરફ જઈ રહેલી લોકલ ટ્રેન કુર્લા રેલવે-સ્ટેશન પાસે પહોંચી હતી ત્યારે આ ટ્રેનના ચાર નંબરના કોચનું એક વ્હીલ લૉક થઈ ગયું હતું જેને લીધે આ વ્હીલ પાટા સાથે ઘસાવાથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો જોઈને પ્લૅટફૉર્મ પર ઊભા રહેલા લોકો ગભરાઈ ગયા હતા અને દોડધામ મચી ગઈ હતી. કેટલાક લોકોએ તો પ્લૅટફૉર્મ પરથી ટ્રૅક પર કૂદકા માર્યા હતા. સ્ટેશનમાંથી બહાર નીકળવા માટે એકસાથે બધા પ્રવાસીઓએ ધસારો કરતાં રેલવેના ફુટઓવર બ્રિજ પર ભારે ભીડ થઈ ગઈ હતી.
સેન્ટ્રલ રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ કુર્લાના સાત નંબરના પ્લૅટફૉર્મ પર ટ્રેન પહોંચી હતી ત્યારે નીચેના ભાગમાંથી ધુમાડો નીકળતો જોઈને લોકો ગભરાઈ ગયા હતા. વડાલા તરફ જઈ રહેલી લોકલ ટ્રેનનું એક વ્હીલ વડાલા પાસે લૉક થઈ જતાં ટ્રેનને અહીં વીસેક મિનિટ રોકીને ખાલી કરી દેવામાં આવી હતી. બાદમાં આ ટ્રેનને કુર્લાના યાર્ડ તરફ મોકલવામાં આવી હતી. ટ્રેન કુર્લા સ્ટેશને પહોંચી હતી ત્યારે લોકોએ ધુમાડો જોયો હતો.
ADVERTISEMENT
કુર્લામાં લોકોએ ગભરાઈ જઈને દોડધામ કરી મૂકી હતી એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિડિયોમાં એકસાથે ઘણાબધા પ્રવાસીઓ અને મહિલાઓ જૅમ પૅક ફુટઓવર બ્રિજ તરફ ધસી જતાં જોવા મળ્યાં હતાં. કેટલાક લોકોએ તો ટ્રૅક પર કૂદકો મારીને પ્લૅટફૉર્મ બદલ્યા હતા.

