પંકજ ત્રિપાઠી માને છે કે નવી પેઢી વધારે હોશિયાર છે
પંકજ ત્રિપાઠી પત્ની મૃદુલા અને દીકરી આશી સાથે
પંકજ ત્રિપાઠીની દીકરી આશીએ ગયા મહિને ‘લાઇલાજ’ નાટક સાથે સ્ટેજ-ડેબ્યુ કર્યું છે. આ નાટક પંકજ અને મૃદુલા ત્રિપાઠીના બૅનર ‘રૂપકથા રંગમંચ’ દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેમના બૅનરનું આ પહેલું નાટક છે. હાલમાં પંકજે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેમણે આ નાટકને પિતા તરીકે નહીં, પણ અભિનેતા તરીકે જોયું છે. દીકરીની ટૅલન્ટ વિશે વાત કરતા પંકજ ત્રિપાઠી કહે છે, ‘શોના ત્રીજા શો સુધીમાં મેં આશીના અભિનયમાં સુધારો જોયો. મને લાગે છે કે તે મારા કરતાં વધારે ટૅલન્ટેડ છે. અમને વસ્તુઓ શીખવામાં અને અપનાવવામાં એક-બે વર્ષ લાગી જતાં હતાં, તેણે ફક્ત ત્રણ શોમાં એ ચમત્કાર કરી બતાવ્યો છે. આ નવી પેઢી બહુ હોશિયાર છે, પણ તેઓ જે સમસ્યાનો સામનો કરે છે એ પણ એટલી જ મુશ્કેલ છે.’
દીકરીની ઍક્ટ્રેસ બનવાની ઇચ્છા વિશે વાત કરતાં પંકજ કહે છે, ‘આશીએ હજી નક્કી કર્યું નથી કે તે ઍક્ટ્રેસ તરીકે કારકિર્દી બનાવશે કે નહીં, છતાં જો તે આ ક્ષેત્ર પસંદ કરે તો હું તેને સંપૂર્ણ સમર્થન આપીશ. હું તેને પોતાનો માર્ગ શોધવા દઈશ. મને ખબર છે કે આ રસ્તા પર અનેક મુશ્કેલીઓ છે. હું તેને અત્યારથી ડરાવી શકું અથવા તો તેને પોતાની રીતે આગળ વધવા માટે સ્વતંત્રતા આપી શકું. ફક્ત મારી દીકરીને જ નહીં, બધાં બાળકોને આ સ્વતંત્રતા મળવી જોઈએ.’


