દાદાસાહેબ ફાળકેના પૌત્રએ આવી ફરિયાદ કરતાં કહ્યું કે હું ઇચ્છું છું કે તેમનાં પત્નીનો રોલ વિદ્યા બાલન કરે.
વિદ્યા બાલન
દાદાસાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસાળકરે એક ઇન્ટરવ્યુમાં દાદાની બાયોપિક વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે આ ઇન્ટરવ્યુમાં આમિર-હીરાણીના પ્રોજેક્ટ પર ખુશી વ્યક્ત કરી, જ્યારે એસ. એસ. રાજામૌલીની ટીમે તેમનો સંપર્ક ન કરવા બદલ નારાજગી દર્શાવી.
ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસાળકરે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આમિર ખાન અને રાજકુમાર હીરાણીનો આ પ્રોજેક્ટ મારા માટે પણ આશ્ચર્યજનક હતો. મને હમણાં જ ખબર પડી કે તેમણે ટાઇ-અપ કર્યું છે, પરંતુ તેમના અસિસ્ટન્ટ પ્રોડ્યુસર હિંદુકુશ ભારદ્વાજ છેલ્લાં ત્રણ વર્ષથી મારા સંપર્કમાં હતા. મેં તેમને સ્પષ્ટ કહ્યું હતું કે તમે લોકો પ્રામાણિકતાથી મહેનત કરી રહ્યા છો. આગળ વધો, મને કોઈ વાંધો નથી. હું રાજામૌલીના પ્રોજેક્ટ વિશે પણ ચર્ચા સાંભળી રહ્યો છું, પરંતુ તેમણે આ સંદર્ભે મારો સંપર્ક નથી કર્યો. રાજામૌલી તરફથી કોઈએ મારી સાથે વાત પણ નથી કરી. આ યોગ્ય નથી. પરિવાર જ સાચી માહિતી આપી શકે છે, સાચી વાર્તા કહી શકે છે. ફાળકેજીના જીવનમાં તેમનાં પત્નીનું ખૂબ મોટું યોગદાન હતું. આ વિશે મેં પણ વિનંતી કરી હતી કે ફિલ્મમાં તેમનું પાત્ર પણ યોગ્ય રીતે દર્શાવવામાં આવે. હું તો ઇચ્છું છું કે આ રોલ વિદ્યા બાલન કરે, પણ નિર્ણય ફિલ્મની ટીમનો હશે, હું ફક્ત મારો અભિપ્રાય આપી શકું.’

