સુરક્ષા દળોના પરાક્રમથી પ્રોત્સાહિત થઈને તામિલનાડુમાં ૮ વર્ષના બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ દેશભક્તિની લાગણીમાં પોતાની બધી બચત સશસ્ત્ર દળોને દાનમાં આપી દીધી છે.
સાઈ ધનવિશ
પહલગામ હુમલા બાદ ભારતે કરેલા ઑપરેશન સિંદૂર પછી પાકિસ્તાને ભારત સામે કરેલી અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. સુરક્ષા દળોના પરાક્રમથી પ્રોત્સાહિત થઈને તામિલનાડુમાં ૮ વર્ષના બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ દેશભક્તિની લાગણીમાં પોતાની બધી બચત સશસ્ત્ર દળોને દાનમાં આપી દીધી છે.
કરુરની સરકારી સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા સાઈ ધનવિશે છેલ્લા ૧૦ મહિનામાં પિગી બૅન્કમાં બચાવેલી રકમ જિલ્લા કલેક્ટરની ઑફિસમાં જઈને દાનમાં આપી દીધી હતી. સાઈ ધનવિશ મમ્મી-પપ્પા સાથે હાથમાં પિગી બૅન્ક લઈને કલેક્ટરની ઑફિસમાં જતો હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સાઈ ધનવિશની આ પહેલ સ્થળ પર હાજર અધિકારીઓ અને લોકોના હૃદયને સ્પર્શી ગઈ હતી. દેશભક્તિ અને સેવાભાવનાથી ભરેલા આ બાળકનો દૃઢ નિશ્ચય અને વિચાર એક ઉત્તમ ઉદાહરણ છે. આ મુદ્દે સાઈ ધનવિશે મીડિયાને જણાવ્યું હતું કે ‘મમ્મી-પપ્પા અને પરિવારજનો દ્વારા આપવામાં આવેલા પૈસા મેં બચાવ્યા હતા. આ પૈસા મેં સુરક્ષા દળોને આપ્યા છે. મેં વાયનાડમાં પૂરગ્રસ્તોને પણ મદદ કરી હતી.’

