પંચ કેદારમાં ચોથા કેદાર ભગવાન રુદ્રનાથની પાલખી ગોપેશ્વરના ગોપીનાથ મંદિરથી રુદ્રનાથ માટે ગઈ કાલે સવારે રવાના થઈ હતી. ગોપેશ્વરમાં આ ડોલી શિયાળામાં રહે છે
ભગવાન રુદ્રનાથની ડોલી ચોથા કેદાર માટે રવાના
પંચ કેદારમાં ચોથા કેદાર ભગવાન રુદ્રનાથની પાલખી ગોપેશ્વરના ગોપીનાથ મંદિરથી રુદ્રનાથ માટે ગઈ કાલે સવારે રવાના થઈ હતી. ગોપેશ્વરમાં આ ડોલી શિયાળામાં રહે છે. આ પ્રસંગે સેંકડો ભાવિકો મંદિરના પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિસરનું વાતાવરણ ‘બમ બમ ભોલે’, ‘હર હર મહાદેવ’ અને ‘જય બાબા રુદ્રનાથ’ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. ચોથા કેદાર રુદ્રનાથની ઉત્સવપ્રિય પાલખી પરંપરાગત સંગીત વાદ્યો સાથે પ્રસ્થાન થઈ હતી અને સ્થાનિક લોકોએ ભગવાન રુદ્રનાથની પાલખીને વિદાય આપી હતી. ભગવાન રુદ્રનાથ તેમના ઉનાળાના નિવાસસ્થાન કૈલાશ માટે રવાના થયા હતા. હિમાલયના મખમલી ઘાસનાં મેદાનોમાં સ્થિત, પંચ કેદારમાંના એક ભગવાન રુદ્રનાથના દરવાજા રવિવારે બ્રહ્મમુહૂર્તમાં ખોલવામાં આવશે. સવારે સાત વાગ્યાથી ભાવિકો ભગવાન રુદ્રનાથનાં દર્શન કરી શકશે.

