પૂજા ભટ્ટે પોતાના તલાકનાં કારણોનો ખુલાસો કરતી વખતે આ વાતને મહત્ત્વનું રીઝન ગણાવ્યું
પૂજા ભટ્ટ
પૂજા ભટ્ટે ૨૦૦૩માં વિડિયો-જૉકી મનીષ મખીજા સાથે લગ્ન કર્યાં હતાં. ૨૦૧૪માં બન્નેએ ડિવૉર્સ લઈ લીધા હતા. હવે પૂજાએ તેના ડિવૉર્સનાં કારણોનો ખુલાસો કર્યો છે. પૂજાએ પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા ઘણા મિત્રોએ મને પૂછ્યું હતું કે તારાં લગ્ન ૧૧ વર્ષ સુધી ચાલ્યાં તો પછી તું એને શા માટે સમાપ્ત કરી રહી છે? જવાબ એ હતો કે મારા જીવનમાં કોઈ ત્રીજી વ્યક્તિ નહોતી પણ એ છતાં મેં મારાં લગ્ન એટલા માટે સમાપ્ત કર્યાં કારણ કે એ સંબંધમાં મને એકલતા અનુભવાતી હતી. જ્યારે તમે કોઈની સાથે રહો અને છતાં પણ એકલા અનુભવતા હો ત્યારે એ સંબંધ ખરેખર સંબંધ રહેતો નથી. એક જ છત નીચે રહેતાં-રહેતાં પણ અમે ધીમે-ધીમે એકબીજાને ગુમાવી રહ્યા હતાં.’
પૂજાએ જણાવ્યું કે તેનાં લગ્ન ન ટકવાનું એક મહત્ત્વપૂર્ણ કારણ એ પણ હતું કે તે માતા બનવા ઇચ્છતી નહોતી. પોતાની આ ઇચ્છા પાછળનું કારણ જણાવતાં પૂજાએ કહ્યું હતું કે ‘હું આ બાબતમાં સંપૂર્ણપણે સ્પષ્ટ હતી. હું મારી જિંદગી મારા નિયમો પ્રમાણે જીવું છું. મારા જીવનમાં જેટલા પણ સંબંધો આવ્યા છે એના માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું. આજે હું મારું જીવન સારી રીતે જીવી રહી છું. મારાં લગ્ન ન ટકવાનું એક બીજું કારણ એ પણ હતું કે હું બાળકો ઇચ્છતી નહોતી. મને બાળકો ગમે છે, પરંતુ હું માતા બનવા માગતી નહોતી. માતા બનવાની લાગણી મારા અંદર નહોતી. મેં મારા શરીરની વાત સાંભળી. સદ્નસીબે અમને કોઈ સંતાન નહોતું તેથી અમે પ્રામાણિકતાપૂર્વક અમારા જીવનનો નિર્ણય લઈ શક્યાં.’
