ઉદયપુરનાં હાઈ-પ્રોફાઇલ લગ્નમાં જ્યારે ટોચના સ્ટાર્સ નાચી રહ્યા છે ત્યારે રણબીર કપૂરનો જૂનો ઇન્ટરવ્યુ ફરી ચર્ચામાં આવ્યો છે
રણબીર કપૂર
ઉદયપુરમાં બે ઇન્ડિયન-અમેરિકનનાં હાઈ-પ્રોફાઇલ લગ્નમાં નાચતા બૉલીવુડના સ્ટાર્સના વિડિયો ધૂમ મચાવી રહ્યા છે ત્યારે રણબીર કપૂરનો એક જૂનો ઇન્ટરવ્યુ વાઇરલ થઈ રહ્યો છે. આ ઇન્ટરવ્યુમાં રણબીરે લગ્નમાં પર્ફોર્મન્સ આપવા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
રણબીરે આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ક્યારેય પૈસા માટે લગ્નમાં ડાન્સ નહીં કરે. પોતાની લાગણી વ્યક્ત કરતાં રણબીરે કહ્યું કે ‘હું આવું ક્યારેય નહીં કરું કારણ કે હું જે પરિવારમાંથી આવું છું એમાં મને આ મૂલ્યો સાથે ઉછેરવામાં આવ્યો નથી.’
ADVERTISEMENT
આ ઇન્ટરવ્યુમાં જ્યારે રણબીરને પૂછવામાં આવ્યું કે શું લગ્નમાં પૈસા લઈને ડાન્સ કરવો એ ખોટું છે, કારણ કે શાહરુખ ખાન પણ આ કરી ચૂક્યો છે? આ સવાલનો જવાબ આપતાં રણબીરે કહ્યું હતું કે ‘એમાં કંઈ ખોટું નથી, પરંતુ પૈસા મારી પ્રેરણા નથી. મને અબજો કમાવાનો શોખ નથી. હું એક ઍક્ટર છું. મારી પ્રેરણા અને જુસ્સો અલગ છે. જ્યાં લોકો હાથમાં ડ્રિન્ક લઈને ઊભા હોય અને કમેન્ટ કરતા હોય એવી પરિસ્થિતિમાં લગ્નોમાં ડાન્સ કરીને મારી જ નજરમાં નીચો પડવા નથી માગતો. હું મારા કોઈ પરિવારજનને પણ આવું કરતા જોવા ઇચ્છતો નથી. આ વ્યક્તિગત પસંદગી છે. હું આ પસંદ નથી કરતો.’


