આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુએ રામાયણમાં તેની પસંદગી વિશે કહ્યું કે આજે તે શ્રી રામ બન્યો છે, ભવિષ્યમાં રાવણનો રોલ પણ કરી શકે છે
રણબીર કપૂર રામનું પાત્ર ભજવે તો રિયલ લાઇફમાં પણ ભગવાન જેવો બની જાય એ શક્ય નથી
રણબીર કપૂર હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘રામાયણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણબીર ભગવાન શ્રી રામનું પાત્ર ભજવી રહ્યો છે. રણબીરના ભૂતકાળમાં તેને બીફ પસંદ છે એ વાતના એકરાર અને ‘ઍનિમલ’ જેવી ફિલ્મમાં તેણે કરેલા રોલને કારણે સોશ્યલ મીડિયામાં કેટલાક લોકો ભગવાન રામનો રોલ ભજવવા માટે રણબીરની પસંદગી પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ રોલ માટે રણબીર યોગ્ય નહોતો. જોકે આ વિવાદ વચ્ચે આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુએ રણબીરને સમર્થન આપ્યું છે.
તાજેતરમાં સદ્ગુરુ અને ‘રામાયણ’ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા વચ્ચે ચર્ચા થઈ હતી. ચર્ચા દરમ્યાન નમિત મલ્હોત્રાએ સદ્ગુરુને પૂછ્યું હતું કે લોકો જૂની વાતોનો રેફરન્સ કાઢીને પૂછે છે કે રણબીર કપૂર ‘રામાયણ’માં શ્રી રામની ભૂમિકા કેવી રીતે કરી શકે, તો આ કેટલું યોગ્ય છે? આ વાતનો જવાબ આપતાં સદ્ગુરુએ કહ્યું હતું કે ‘કોઈ અભિનેતાને તેના અગાઉના રોલ પરથી જજ કરવાનું યોગ્ય નથી. જો આજે તે રામનું પાત્ર ભજવી રહ્યો છે તો શું તમે આશા રાખો કે તે રિયલ લાઇફમાં પણ સંપૂર્ણ રીતે રામ બની જાય? એ શક્ય નથી. આ જ રણબીર ભવિષ્યમાં રાવણની ભૂમિકા પણ ભજવી શકે છે.’


