કિંગ ખાન સાથે ફિલ્મો કરી ચૂકેલો જૅકી શ્રોફ આવું માને છે
શાહરુખ ખાન, જૅકી શ્રોફ
બૉલીવુડમાં શાહરુખ ખાનનો દબદબો છે. દેશ અને દુનિયામાં કિંગ ખાનના કરોડો ચાહકો છે અને તે આજે ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર છે. જોકે શાહરુખની સાથે કેટલીક ફિલ્મો કરી ચૂકેલા જૅકી શ્રોફનું માનવું છે કે સ્ટારડમની સાથે-સાથે તેમના જીવનમાં એકલતા પણ આવી છે. જૅકીએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેણે શાહરુખને શૂટિંગ દરમ્યાન સેટ પર હંમેશાં એકલો જ જોયો છે અને લાગે છે કે સુપરસ્ટારડમને કારણે તેને ટોચ પર એકલતા અનુભવાતી હશે.
જૅકી શ્રોફ અને શાહરુખ ખાને ‘દેવદાસ’ અને ‘કિંગ અંકલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં જૅકીએ જણાવ્યું કે ‘મેં સૌથી પહેલાં શાહરુખ સાથે ‘કિંગ અંકલ’માં કામ કર્યું હતું. ફિલ્મમાં તે મારા નાના ભાઈનું પાત્ર ભજવી રહ્યો હતો. જોકે આ સમયે તેનું ધ્યાન માત્ર તેના કામ પર હતું. તેનામાં એક જાદુ હતો પણ તે બધા કરતાં અલગ જ રહેતો હતો. મને તેની વાઇબ્સ ગમી હતી. આ પછી મને તેના આ સ્વભાવનો પરિચય ‘દેવદાસ’ના સેટ પર થયો. તે આ ફિલ્મના સેટ પર પણ અલગ જ રહેતો હતો. જોકે સંજય લીલા ભણસાલીની ફિલ્મના સેટ પર આ સામાન્ય બાબત હતી. ‘દેવદાસ’માં પાત્રો એવાં હતાં કે એકલા બેસવું સ્વાભાવિક હતું. મને લાગે છે કે જ્યારે તમે સફળતાના દુર્ગમ સ્તરે પહોંચો છો ત્યારે એકલતા અનુભવવા લાગો છો. શાહરુખના કિસ્સામાં પણ મને બિલકુલ આવું જ અનુભવાયું.’

