સ્મૃતિ ઈરાનીએ એક ઇન્ટરવ્યુમાં તેમના જીવનના સંઘર્ષ વિશે વાતો કરી
સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ એક મૉડલ તરીકે પોતાની કરીઅરની શરૂઆત કરી હતી અને પછી તેઓ ક્રમશઃ સફળ ઍક્ટ્રેસ અને ટોચનાં રાજકારણી બન્યાં છે. આમ સ્મૃતિની કરીઅર ઘણી સફળ રહી છે પણ તેમનું અંગત જીવન એટલું જ તકલીફદાયક રહ્યું છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં સ્મૃતિએ સ્વીકાર્યું હતું કે જ્યારે હું મોટી થઈ રહી હતી ત્યારે મારી મમ્મી સામે થયેલો અન્યાય જોઈને મારામાં આક્રોશ ભરાઈ ગયો હતો અને મેં મારી બહેનો અને મમ્મીની જરૂરિયાતોને પૂરી કરવાનો સંકલ્પ લીધો હતો.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે સ્મૃતિને પૂછવામાં આવ્યું કે કયું ગીત તેમના જીવનને પ્રતિબિંબિત કરે છે ત્યારે તેમણે એનો જવાબ આપ્યો હતો, ‘આ ‘કુછ કુછ હોતા હૈ’થી ‘અગ્નિપથ’ સુધી જશે. હું કદાચ દરેક એ બાળકનો બદલો લઈ રહી છું જેને ક્યારેય સમાન રીતે સ્પર્ધા કરવાનો અવસર નથી મળ્યો. જ્યારે હું ૭ વર્ષની હતી ત્યારે મારી મમ્મીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, કારણ કે તેમને દીકરો નહોતો. એથી મારે મારી મમ્મીને છત આપવી એ જ મારા જીવનનો ઉદ્દેશ હતો.’
ADVERTISEMENT
આ પહેલાં સ્મૃતિએ પોતાના જીવનના સંઘર્ષો વિશે જણાવતાં કહ્યું હતું કે ‘મારા પપ્પા આર્મી ક્લબની બહાર પુસ્તકો વેચતા હતા. હું તેમની સાથે બેસતી અને મારી મમ્મી ઘરે-ઘરે જઈને મસાલા વેચતી હતી. મારા પપ્પા વધારે ભણેલા નહોતા જ્યારે મારી મમ્મીએ ગ્રૅજ્યુએશન કર્યું હતું. આને કારણે પણ તેમની વચ્ચે સંઘર્ષ થતો રહેતો હતો. જ્યારે તેમનાં લગ્ન થયાં ત્યારે તેમની પાસે માત્ર ૧૫૦ રૂપિયા હતા. શરૂઆતમાં તેઓ ગાયના તબેલા પર એક રૂમમાં રહેતાં હતાં. બહુ ઓછાં દંપતીઓ આર્થિક અડચણો અને સામાજિક ટકરાવમાંથી બચી શકે છે. જ્યારે મારાં મમ્મી-પપ્પા અલગ થયાં ત્યારે મારા પર એની બહુ ઊંડી અસર થઈ હતી.’

