MNSના કાર્યકરોએ મીરા રોડના દુકાનદારને માર્યો એના વિરોધમાં ગઈ કાલે મીરા-ભાઈંદરના વેપારીઓએ બંધ પાળ્યો : આવી ઘટના ફરી ન બને એ માટે હજારોની સંખ્યામાં ભેગા થઈને પોલીસને આવેદનપત્ર આપ્યું
ગઈ કાલે મીરા ભાઈંદરના વેપારીઓએ બંધ પાળ્યો હતો.
મીરા રોડ-ઈસ્ટમાં બાલાજી હોટેલ નજીક આવેલી જોધપુર સ્વીટ્સ ઍન્ડ નમકીનના ૪૮ વર્ષના માલિક બાબુલાલ ચૌધરીની રવિવાર રાતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો દ્વારા મરાઠી ન બોલવાના મુદ્દે મારઝૂડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વિરોધ કરવા ગઈ કાલે મીરા-ભાઈંદરના વેપારીઓએ દુકાનો બંધ રાખીને જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં, ભાઈંદર-ઈસ્ટમાં આવેલા આઈમાતા મંદિરમાં હજારોની સંખ્યામાં મારવાડી સમુદાયના નાગરિકોએ ભેગા થઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરીને આવી ઘટના પાછી ન બને એ માટે પોલીસને આવેદનપત્ર આપ્યું હતું. બીજી તરફ આ મુદ્દાને રાજકીય રંગ આપીને મારવાડી સમુદાયના લોકોને ભડકાવવામાં આવ્યા હોવાનો દાવો MNSના નેતાઓએ કર્યો હતો.
ADVERTISEMENT
વિરોધ કરવા રોડ પર ઊતરેલા વેપારીઓ.
ગઈ કાલે બંધ સાથે જોડાયેલા મારવાડી સમુદાયના એક આગેવાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બાબુલાલ ચૌધરીની જે રીતે મરાઠી ન બોલવાના મુદ્દે જાહેરમાં મારઝૂડ કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે. આ ઘટનાનો જેટલો વિરોધ કરવામાં આવે એ ઓછો ગણાય, કારણ કે ૨૪ કલાક કામ કરીને પોતાનું અને પોતાની પાસે કામ કરતા માણસનું ગુજરાન ચલાવતી વ્યક્તિને જો મરાઠી ન આવડે અને એના માટે તેની મારઝૂડ કરવામાં આવે એ તદ્દન ખોટું કહેવાય. રવિવારે બનેલી ઘટના બાદ અમે હજારોની સંખ્યામાં કાશીમીરા પોલીસ-સ્ટેશનની બહાર ભેગા થઈ ગયા હતા એટલે પોલીસે મારઝૂડ કરનારા MNSના કાર્યકરો સામે ફરિયાદ નોંધી હતી. જોકે એમાંની એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નહોતી એટલે અમે તમામ વેપારીઓએ ભેગા થઈને ગઈ કાલે બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. એમાં માત્ર મારવાડી સમુદાય જ નહીં પણ ગુજરાતી, કચ્છી અને જૈન સમુદાય પણ અમારી સાથે જોડાયો હતો. તેમણે પણ અમારી સાથે પોતાની દુકાનો બંધ રાખી હતી. ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે અમે લોકો આઈમાતા મંદિરમાં ભેગા થઈને ડેપ્યુટી પોલીસ-કમિશનર (DCP)ની ઑફિસ સુધી મોરચો લઈ જવાના હતા. જોકે આઈમાતા મંદિરમાં ૩૦૦૦થી ૪૦૦૦ મેમ્બરો ભેગા થઈને જો રોડ પર આવે તો લૉ ઍન્ડ ઑર્ડરની પરિસ્થિતિ નિર્માણ થાય એવી શક્યતા બની હતી. એ જોઈને DCP અને કાશીમીરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આઈમાતા મંદિરમાં આવ્યા હતા જ્યાં તેમણે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી આપી હતી. અંતમાં અમે આવી ઘટના ભવિષ્યમાં ન થાય એ માટે તેમને આવેદનપત્ર આપ્યું હતું.’
આ મામલે MNSના થાણે-પાલઘર જિલ્લાના અધ્યક્ષ અવિનાશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વેપારી વર્ગનો બંધ અને મોરચો નહોતો. આ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રચવામાં આવેલું ષડયંત્ર હતું. બુધવાર રાતે જે વેપારીની મારઝૂડ થઈ હતી તેની સાથે મેં ડાયરેક્ટ વાત કરી હતી. અમારી વાત થયા બાદ આ તમામ મુદ્દે ગઈ કાલે સવારે તેમના મંદિરમાં સમજૂતી થવાની હતી. જોકે એ દરમ્યાન બુધવારે મોડી રાતે મારવાડી સમુદાયના વેપારીઓને ભડકાવાનું કામ BJPના નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.’

