તનિશાએ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં બૉલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું પણ તેની કરીઅર ખાસ જામી નહીં
કાજોલ અને તનિશા મમ્મી તનુજા સાથે તથા કાજોલ અને તનિશાની નાનપણની તસવીર.
તનુજાની બન્ને દીકરીઓ કાજોલ અને તનિશા મુખરજી એકબીજાની અત્યંત નિકટ છે અને તેમનો સંબંધ ખાસ છે. જોકે પહેલાં આવું નહોતું. હાલમાં એક ઇન્ટરવ્યુમાં તનિશાએ ખુલાસો કર્યો હતો કે ‘નાનપણમાં કાજોલનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો હતો અને અમારો ઝઘડો થતો ત્યારે તે મને ઘણું મારતી હતી. એ સમયે મારી મમ્મીને ડર લાગતો હતો કે કાજોલ મારા કરતાં ઉંમરમાં મોટી હોવાને કારણે તેમ જ તેનો બાંધો મજબૂત હોવાને કારણે ક્યારેક તનિશાને મારી નાખશે. મારી મમ્મીએ તેના આ ડરને કારણે અમારા બન્ને માટે ખાસ નિયમ બનાવ્યા હતા.’
ઇન્ટરવ્યુમાં તનિશાએ મમ્મી તનુજાના નિયમ વિશે જણાવ્યું હતું કે અમારી મમ્મીએ બન્ને બહેનો માટે એક નિયમ લાગુ કર્યો હતો જે અનુસાર અમે એકબીજા સાથે શારીરિક રીતે લડી શકતાં નહોતાં, પણ અમને મૌખિક ઝઘડાની છૂટ હતી. હવે તનિશાને લાગે છે કે એ નિયમ ખૂબ સારો હતો અને એને કારણે મારો અને કાજોલનો બહેન-બહેન તરીકેનો સંબંધ વધારે મજબૂત બન્યો છે.
ADVERTISEMENT
તનિશાએ ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં બૉલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું હતું પણ તેની કરીઅર ખાસ જામી નહીં. તેણે ૨૦૦૫માં ‘નીલ ઍન્ડ નિક્કી’ ફિલ્મમાં ઉદય ચોપડા સાથે અભિનય કર્યો હતો. ત્યાર બાદ તેણે ‘બિગ બૉસ 7’માં ભાગ લીધો જ્યાં તે પ્રથમ રનર-અપ બની હતી. તેણે ‘ઝલક દિખલા જા’ જેવા ડાન્સ રિયલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તનિશા બૉલીવુડમાં ખાસ ઓળખ બનાવી ન શકી, પણ હવે તે મરાઠી સિનેમામાં શરૂઆત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હવે તે ફિલ્મ ‘વીર મુરારબાજી’ સાથે મરાઠી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી રહી છે.