ટ્વિન્કલે કહ્યું કે આજની મમ્મીઓએ અનેક ભૂમિકાઓ ભજવવી પડે છે
ફાઇલ તસવીર
છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાળકોના ઉછેરમાં ઘણો બદલાવ આવ્યો છે અને ટ્વિન્કલ ખન્નાએ આ વિશે વાત કરી છે. ટ્વિન્કલે એક વાતચીત દરમ્યાન કહ્યું હતું કે ‘જ્યારે હું નાની હતી ત્યારે મમ્મીઓનું કામ બહુ સરળ હતું. બસ તેમણે ધ્યાન રાખવું પડતું હતું કે બાળકોને બે રોટલી મળે, ત્રણ ગ્લાસ દૂધ મળે, તેઓ પોતાનું હોમવર્ક કરે અને વાળમાં તેલ લગાડી બે ચોટલીઓ બાંધી દેવામાં આવે. જો આ બધું થઈ જાય તો તમારું કામ પૂરું ગણાતું, પરંતુ આજની મમ્મીઓએ અનેક ભૂમિકાઓ ભજવવી પડે છે.’
અત્યારની મમ્મીની જવાબદારીઓ વિશે વાત કરતાં ટ્વિન્કલે કહ્યું હતું કે ‘આજે માતૃત્વ સંપૂર્ણપણે અલગ છે. તમે એક સાઇકોલૉજિસ્ટ જેવી ભૂમિકા ભજવો છો. તમે તેમનાં ટ્રેઇનર છો, ન્યુટ્રિશનિસ્ટ છો. તમે ધ્યાન રાખો છો કે તેઓ કેટલા કાર્બ્સ લઈ રહ્યાં છે, કેટલાં વિટામિન્સ લઈ રહ્યાં છે. તમે શેફ છો, ટીચર છો અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તેમનાં સ્ક્રીન-મૉનિટર પણ છો. વળી, આ વાતોનું ધ્યાન રાખવાની સાથે તમારે તેના વાળ પણ ઓળવાના છે. મને લાગે છે કે અમારી મમ્મીઓ માટે બધું ઘણું સરળ હતું. તેઓ અમને સીધા જ વરુઓ સામે ફેંકી દેતી. આ પછી અમે કાં તો વરુઓને હરાવી દેતાં અથવા તો પોતે જ વરુ બની જતાં. આજના સમયમાં પેરન્ટિંગ ઘણું મુશ્કેલ છે.’


