વિક્રાન્ત મેસીએ કહ્યું કે આવી વ્યક્તિ મને આગળ વધવાની પ્રેરણા આપે છે
વિક્રાન્ત મેસી
ઍક્ટર વિક્રાન્ત મેસી બૉલીવુડમાં ઝપાટાભેર પ્રગતિ કરી રહ્યો છે. તેની શનાયા કપૂર સાથેની ફિલ્મ ‘આંખોં કી ગુસ્તાખિયાં’ ૧૧ જુલાઈએ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન તેણે બૉલીવુડમાં થયેલા તેના અનુભવ વિશે વાત કરી છે. વિક્રાન્તે ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘બૉલીવુડમાં ઘણા લોકો મને પસંદ નથી કરતા, પણ આ વાત મને મારી જાતને સાબિત કરવાની પ્રેરણા આપે છે. બૉલીવુડમાં એવા અનેક લોકો છે જેમણે સંઘર્ષના સમયમાં મને હું ઇન્ફિરિયર હોવાનો અહેસાસ કરાવ્યો હતો અને તેઓ હજી પણ આવું કરે છે. જોકે હું માનું છું કે આવા લોકો જરૂરી છે, કારણ કે એ તમારી અંદરની આગને જીવંત રાખવામાં મદદ કરે છે. હું ખરેખર માનું છું કે આવા લોકોની જરૂર છે જેઓ તમને પડકારે. હું તેમની હાજરી માટે આભારી છું. ઘણા લોકો છે જે મને અભિનેતા તરીકે પસંદ નથી કરતા. હું આ જાણું છું. હું તેમનાં નામ નહીં લઉં, પરંતુ તેઓ મને આગળ વધવાની પ્રેરણા આપે છે. કેટલાક તો માને છે કે હું ઓવરરેટેડ છું. તેથી જ્યારે મારી ફિલ્મ સારું પ્રદર્શન કરે છે ત્યારે સારું લાગે છે, કારણ કે હું તેમને ખોટા સાબિત કરું છું. આ જ મને આગળ ચાલવાની પ્રેરણા આપે છે. ખરેખર, આ માનસિકતા વ્યક્તિ પર આધાર રાખે છે. જો આપણે સ્ટાર કિડ્સની વાત કરીએ તો એમાંથી મોટા ભાગના મારી સાથે ખૂબ સારા રહ્યા છે.’

