સંજય કપૂરની નેટવર્થ તેના મૃત્યુ સમયે ફૉર્બ્સ દ્વારા ૧.૨ બિલ્યન ડૉલર (અંદાજે ૧૦,૩૦૦ કરોડ રૂપિયા) આંકવામાં આવી હતી
કરિશ્મા તેનાં સંતાનો દીકરી સમાઇરા અને દીકરા કિઆન સાથે
કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરના મૃત્યુ પછી છેલ્લા કેટલાક દિવસથી તેની ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો વિવાદ વધ્યો છે. આ વિવાદની વચ્ચે થોડા દિવસ પહેલાં કરિશ્મા તેનાં સંતાનો દીકરી સમાઇરા અને દીકરા કિઆન સાથે દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળી હતી અને એ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. સંજય કપૂરની સંપત્તિના વિવાદ વચ્ચે એવા પણ રિપોર્ટ હતા કે કરિશ્માએ પણ ભૂતપૂર્વ પતિ સંજયની મિલકતમાં હિસ્સો માગ્યો છે. જોકે આ દાવો ખોટો સાબિત થયો છે. સંજય કપૂરના પરિવારના એક નજીકના મિત્રએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે કરિશ્માએ ન તો આવો કોઈ દાવો કર્યો છે અને ન તો તે સંજય કપૂરની મિલકતમાં હિસ્સો ઇચ્છે છે, તેને ફક્ત બાળકોના ભવિષ્યની ચિંતા છે અને તે ઇચ્છે છે કે તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. હવે કેટલાક રિપોર્ટમાં સંજય કપૂરના મૃત્યુ પછી સંપત્તિના વિવાદ વચ્ચે કરિશ્માનાં બાળકોને શું મળશે એની ચર્ચા થઈ રહી છે.
સંજય કપૂરની નેટવર્થ તેના મૃત્યુ સમયે ફૉર્બ્સ દ્વારા ૧.૨ બિલ્યન ડૉલર (અંદાજે ૧૦,૩૦૦ કરોડ રૂપિયા) આંકવામાં આવી હતી. ભારતીય વારસાકાયદા મુજબ હવે તેની સંપત્તિ અને એસ્ટેટનું સંચાલન તેની પત્ની પ્રિયા સચદેવ કપૂર દ્વારા કરવામાં આવશે. જોકે સંજયે કરિશ્માથી ડિવૉર્સ લીધા ત્યારે દીકરી સમાઇરા અને દીકરા કિઆન માટે કેટલીક જોગવાઈ કરી હતી. રિપોર્ટ પ્રમાણે સમાઇરા અને કિઆન બન્નેને ૧૪ કરોડ રૂપિયાના બૉન્ડ ભેટમાં આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને તેમના ખર્ચ માટે દર મહિને ૧૦-૧૦ લાખ રૂપિયાની નિશ્ચિત રકમ પણ આપવામાં આવશે. આ ઉપરાંત સંજય અને કરિશ્માના ૨૦૧૬ના છૂટાછેડા દરમ્યાન કરિશ્માને સંજયના પિતા ડૉ. સુરિન્દર કપૂરના ઘરની માલિકી આપવામાં આવી હતી.

