દિલીપકુમાર તેના ફેવરિટ અભિનેતા. ‘શબનમ’માં દિલીપકુમારનું નામ હતું મનોજ. હરિકૃષ્ણે નિર્ણય કર્યો કે જ્યારે હીરો બનીશ ત્યારે નામ રાખીશ મનોજ
મનોજ કુમાર, દિલીપ કુમાર
કોઈ તમને પ્રશ્ન પૂછે કે એવો કયો કલાકાર છે જે કોઈ પણ જાતની ‘ફૅશન’ કર્યા વિના કેવળ ગળામાં ‘રેશમી રૂમાલ’ બાંધીને, ‘દસ નંબરી’ બનીને ‘બેઈમાન’ બને અને પછી ચૂપચાપ ‘શોર’ કર્યા વિના ‘સંન્યાસી’ બની જાય? એટલું જ નહીં, ત્યાર બાદ એવો ‘ગુમનામ’ થઈ જાય કે પછી ‘પૂરબ ઔર પશ્ચિમ’માં તેની ભાળ પણ ન મળે?
હું હરિકૃષ્ણગિરિ ગોસ્વામીની વાત કરું છું. તે કોણ છે? એવો પ્રશ્ન થાય ત્યારે શેક્સપિયરને યાદ કરવો પડે. નામમાં વળી શું બળ્યું છે? જી હા, એ સમય હતો જ્યારે ફિલ્મો માટે કલાકાર અસલી નામને બદલે ફિલ્મી નામ રાખતા. આજે વાત કરવી છે દિવંગત અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, કથા અને સંવાદ લેખક મનોજકુમારની જેમને દેશભક્તિ અને સામાજિક વિષયો પરની ફિલ્મોના નિર્માણ ઉપરાંત અભિનેતા તરીકે બેહદ સફળતા મળી.
ADVERTISEMENT
તેમનો જન્મ ૧૯૩૭ની ૨૪ જુલાઈએ ઍબટાબાદ (હાલ પાકિસ્તાન)માં થયો. ત્યારે દેશમાં આઝાદીની ચળવળ પુરજોશમાં ચાલતી હતી. બાળક હરિને સાહિત્ય ઉપરાંત આત્મકથા, શૌર્યકથા અને ઐતિહાસિક પુસ્તકો વાંચવાનો શોખ હતો. અંગ્રેજોના જોરજુલમ સામે ૧૦ વર્ષનો હરિ એક દિવસ એવા આક્રોશમાં આવી ગયો કે પોલીસ તેને પકડીને લઈ ગઈ. દેશના ભાગલા પડ્યા ત્યારે નજર સામે લોકોની કતલ થતી જોઈને તેનામાં દેશભક્તિનાં બીજ રોપાયાં હશે.
પાર્ટિશન બાદ પરિવાર દિલ્હી આવ્યો. નાનપણથી ફિલ્મો જોવાનો શોખીન હરિકૃષ્ણ મોટો થઈને અભિનેતા બનવાનાં સપનાં જોતો હતો. દિલીપકુમાર તેના ફેવરિટ અભિનેતા. ‘શબનમ’માં દિલીપકુમારનું નામ હતું મનોજ. હરિકૃષ્ણે નિર્ણય કર્યો કે જ્યારે હીરો બનીશ ત્યારે નામ રાખીશ મનોજ. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. બી.એ. થયા બાદ નાની-મોટી નોકરી કરી, પરંતુ જીવ ફિલ્મોમાં હતો. દૂરના સગા લેખરાજ ભાકરી મુંબઈ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં હતા એટલે માતા-પિતાના આશીર્વાદ લઈને ૧૯૫૪માં મુંબઈ તરફ પ્રયાણ કર્યું.
હરિકૃષ્ણનું કામ હતું સેટ પર સરસામાન ગોઠવવો તથા લાઇટ્સ અને કૅમેરામૅનને મદદ કરવી. શૂટિંગ જોતાં એક જ આશા કે કૅમેરા સામે કામ કરવાનો મોકો મળે. કામ માટે સ્ટુડિયોની રઝળપાટ કરતાં દિવસો વીતતા હતા. એક દિવસ હરિકૃષ્ણે લેખરાજ ભાકરીને કહ્યું, ‘મને ક્યારે મોકો મળશે?’ જવાબ મળ્યો, ‘હજી તો એક જ ચંપલ ઘસાયું છે, બે-ચાર જોડી ઘસાય પછી કદાચ મોકો મળશે. ધીરજ રાખ.’
સંઘર્ષના દિવસોને યાદ કરતાં મનોજકુમાર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ સમયે સેટ પર જે કામ કહેવામાં આવે એ હું કરતો. એક દિવસ દાદામુનિ (અશોકકુમાર)ની ફિલ્મ ‘ઝમીન ઔર આસમાન’નું શૂટિંગ હતું. તેમને પોતાના સંવાદો ન ગમ્યા એટલે તેમણે નવા લખવાનું કહ્યું. રાઇટર હાજર નહોતો. મેં કહ્યું, હું ટ્રાય કરું? નિર્માતાએ હા પડી. મેં નવેસરથી સંવાદ લખ્યા. દાદામુનિ ખુશ થઈ ગયા. મને જોઈને કહે કે તુમ તો હીરો બન સકતે હો. એ દિવસે મને ૧૧ રૂપિયા મળ્યા. ત્યાર બાદ અઠવાડિયા-દસ દિવસમાં કોઈ ને કોઈ શૂટિંગમાં સેટ પર સંવાદ લખવાનું કામ મને મળ્યા કરતું. નાનપણમાં મારો વાંચનનો શોખ મને આ રીતે બહુ કામમાં આવ્યો. મને પણ આ કામ ખૂબ ગમતું.’
એક દિવસ લેખરાજ ભાકરીની ફિલ્મ ‘ફૅશન’માં ભિખારીનો રોલ કરતો જુનિયર આર્ટિસ્ટ આવ્યો નહીં એટલે હરિકૃષ્ણને મોકો મળ્યો. ૧૯ વર્ષનો યુવાન મેકઅપ કરીને ૯૦ વર્ષનો વૃદ્ધ બન્યો. ત્યાર બાદ ‘સહારા’, ‘ચાંદ’, ‘પંચાયત’ અને બીજી ફિલ્મોમાં નાના રોલ મળ્યા. એ દરમ્યાન ફિલ્મ્સ ડિવિઝનની ખાદીના પ્રચાર માટેની એક ફિલ્મ ‘ગંગુ તેલી’માં કામ કરવાના ૧૦૦૦ રૂપિયા મળ્યા. ફિલ્મ ‘દેવર ભાભી’ના પ્રીમિયરમાં નિર્માતા એચ. એસ. રવૈલની નજર કદાવર હૅન્ડસમ હરિકૃષ્ણ પર પડી અને તેમણે પોતાની ફિલ્મ ‘કાંચ કી ગુડિયા’ (1961)માં હીરોનો રોલ આપ્યો. આમ મનોજકુમારની અસલી ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ. ત્યાર બાદ ‘પિયા મિલન કી આસ’, ‘સુહાગ સિંદૂર’, ‘અપના બના કે દેખો’, ‘મા બેટા’, ‘બનારસી ઠગ’, ‘નકલી નવાબ’ જેવી ફિલ્મો મળી. આ ફિલ્મો સામાન્ય હતી.
એક દિવસ નિર્માતા હરસુખ ભટ્ટ પોતાની ફિલ્મ ‘રેશમી રૂમાલ’ની થોડી રીલની પ્રિન્ટ લઈને મોટા ભાઈ વિજય ભટ્ટ પાસે સલાહ-સૂચન માટે ગયા. વિજય ભટ્ટે મનોજકુમારને જોઈને ‘હરિયાલી ઔર રાસ્તા’ (1962)માં માલા સિંહા સામે હીરોનો રોલ આપ્યો. આ ફિલ્મ હિટ થઈ અને મનોજકુમાર ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ થઈ ગયા. ત્યાર બાદ આવેલી ‘વો કૌન થી’, ‘હિમાલય કી ગોદ મેં’, ‘શહીદ’, ‘ગુમનામ’ અને બીજી ફિલ્મોની લોકપ્રિયતાએ મનોજકુમારને ટૉપ પર લાવી દીધા.
ધર્મેન્દ્ર અને મનોજકુમારની દોસ્તી સંઘર્ષના દિવસોથી હતી. બન્ને સાથે સ્ટુડિયોનાં ચક્કર લગાવતા. થોડા દિવસ પહેલાં અભિનેતા બિશ્વજિત સાથે વાતો થઈ ત્યારે તેમણે આ દોસ્તીનો એક કિસ્સો શૅર કર્યો...
‘બન્નેની દોસ્તી એટલી ગાઢ હતી કે એકમેકનો ખૂબ ખ્યાલ રાખતા. એક જ દુકાને બન્નેનું ઉધારનું ખાતું ચાલતું. એક દિવસ ધર્મેન્દ્રની ચિઠ્ઠી મળી. લખ્યું હતું કે હરિ, હું કંટાળી ગયો છું, પંજાબ પાછો જાઉં છું. આ વાંચીને મનોજકુમાર દોડતા માટુંગામાં રહેતા ધર્મેન્દ્ર પાસે ગયા. જોયું તો બૅગ-બિસ્તર લઈને તે રેલવે-સ્ટેશન જવાની તૈયારી કરતા હતા. તેમણે કહ્યું, બસ, બે મહિના માટે રોકાઈ જા, ત્યાં સુધી હું તારું ધ્યાન રાખીશ; મને મહિનાના બે-ચાર સીનના ડાયલૉગ્સ લખવાના પૈસા મળે છે એમાંથી બન્નેનું ગાડું ચાલતું રહેશે. ધર્મેન્દ્ર રોકાઈ ગયા. બન્યું એવું કે થોડા જ દિવસોમાં બન્નેને એક નહીં, બે ફિલ્મમાં રોલ મળ્યા. જો એ દિવસે મનોજકુમારે ધર્મેન્દ્રને રોક્યા ન હોત તો આજે કોઈ તેમને ઓળખતું ન હોત.’ {એક આડ વાત. મનોજકુમાર (હીરો) અને ધર્મેન્દ્રને સાથે ચમકાવતી એક જ ફિલ્મ હતી ‘શાદી’ (1962) જેમાં સાયરાબાનો હિરોઇન હતી.}
મનોજકુમારની ‘શહીદ’ ભગત સિંહના જીવન પર આધારિત અદ્ભુત ફિલ્મ હતી. તેમના મિત્ર પ્રોડ્યુસર કેવલ કશ્યપની આ ફિલ્મની સફળતામાં મનોજકુમારનો મોટો હાથ છે. ફિલ્મ માટે તેમણે ખૂબ રિસર્ચ કરી. કેવલ કશ્યપની ઇચ્છા હતી કે શંકર જયકિશન અથવા ઓ. પી. નય્યરને સંગીતકાર તરીકે લેવા. મનોજકુમારે કહ્યું કે આ ફિલ્મના ગીતકાર અને સંગીતકાર તરીકે પ્રેમધવન જ યોગ્ય છે. બન્ને મિત્રો વચ્ચે લાંબી ઉગ્રતાભરી ચર્ચા થઈ. અંતે મનોજકુમારની વાત મંજૂર થઈ. વિષયને અનુરૂપ ગીતસંગીત આપવામાં પ્રેમધવન સફળ થયા એટલું જ નહીં, પડદા પાછળ રહીને ડિરેક્શન અને સંવાદલેખનમાં પણ મનોજકુમારનો મોટો હિસ્સો હતો.
શૂટિંગ શરૂ થતાં પહેલાં મનોજકુમાર ભગત સિંહનાં વયોવૃદ્ધ માતાના આશીર્વાદ લેવા જાલંધર ગયા. એ વાત કરતાં મનોજકુમાર કહે છે, ‘તેઓ નાદુરસ્ત હોવાને કારણે હૉસ્પિટલમાં હતા. ભગત સિંહના ભાઈ કહે, દેખ માં, કૌન આયા હૈ. મને જોઈને મારા ચહેરા પર હાથ ફેરવતાં મને ઓળખવાનો પ્રયત્ન કરતાં હતાં ત્યાં ભાઈએ કહ્યું, હૈ ના અપના ભગત? માતાજીએ ‘તૂ વૈસા હી દિખતા હૈ’ કહીને મને ગળે વળગાડ્યો અને અમે ખૂબ રડ્યાં. તે દવા ખાવાની ના પાડતાં, પણ મેં આગ્રહ કરી દવા ખવડાવીને કહ્યું કે તમારે સાજા થઈને ફિલ્મ જોવા આવવાનું છે એટલે નિયમિત દવા લેવી પડશે.’
‘શહીદ’ના પ્રીમિયરમાં લાલ બહાદુર શાસ્ત્રીને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે સમયના અભાવે ના પડી, પરંતુ છેવટે ૧૦ મિનિટ માટે આવવાનો વાયદો કર્યો. એ ઘટના યાદ કરતાં મનોજકુમાર કહે છે, ‘ફિલ્મ શરૂ થઈ ત્યારથી હું શાસ્ત્રીજીના ચહેરાના હાવભાવ જોતો હતો. એ સાફ દેખાતું હતું કે તેઓ ઓતપ્રોત થઈને ફિલ્મ માણી રહ્યા છે. મેં પ્રોજેક્શન રૂમના ઑપરેટરને સંદેશો મોકલાવ્યો કે ફિલ્મ ઇન્ટરવલ વિના સળંગ એકધારી ચાલવી જોઈએ. ફિલ્મ પૂરી થઈ ત્યારે શાસ્ત્રીજીએ મને અને સમગ્ર ટીમને ખૂબ અભિનંદન આપ્યાં અને પ્રેક્ષકોને કહ્યું કે તમારા મિત્રો અને સ્વજનોને ખાસ કહેજો કે ફિલ્મ જુએ.’
મોડી રાતે અમે હોટેલ પહોંચ્યા. રાતના બે વાગ્યે મને પી.એમ.ઓ.માંથી ફોન આવ્યો, ‘આવતી કાલે સવારે ૧૦ વાગે શાસ્ત્રીજી સાથે ચા-પાણી લેવાનું આમંત્રણ છે.’ સવારે અમે મળ્યા ત્યારે મને કહે, ‘આ દેશને મેં એક નવું સૂત્ર આપ્યું છે - ‘જય જવાન જય કિસાન’. આને અનુરૂપ એક ફિલ્મ બનાવો તો મને ગમશે.’
મારા માટે આ એક નવી ચૅલેન્જ હતી. હું વિમાનની મુસાફરી કરતાં ટ્રેનની મુસાફરી વધારે પસંદ કરું છું કારણ કે મને વાંચવા, વિચારવાનો સમય મળે. એ દિવસે દિલ્હીથી મુંબઈની ૨૪ કલાકની મુસાફરી દરમ્યાન મેં એક વાર્તા લખી. મુંબઈ આવી ૧૫-૨૦ દિવસમાં એના સ્ક્રીનપ્લે અને ડાયલૉગ્સ તૈયાર થયા અને આમ મારી પોતાની કંપની વિશાલ પ્રોડક્શનની પહેલી ફિલ્મ ‘ઉપકાર’ની શરૂઆત કરી.’
‘ઉપકાર’ મનોજકુમારના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ હતો. અભિનેતા ઉપરાંત પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે તેમણે ઇન્ડસ્ટ્રીમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું. ‘ઉપકાર’માં મનોજકુમારના પાત્રથી તેમની ભારતકુમારની ઇમેજ સ્થાપિત થઈ.
ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોને રૂબરૂ મળવાનો અને તેમની સાથે ગુફ્તગૂ કરવાનો મને મોકો મળ્યો છે, પરંતુ જો સૌપ્રથમ કોઈ મોટા કલાકારને હું મળ્યો હોઉં તો એ છે મનોજકુમાર. એ મુલાકાત થઈ ત્યારે મારી ઉંમર હતી ૧૯ વર્ષની. એ આકસ્મિક મુલાકાત ક્યાં અને કેવી રીતે થઈ અને તેમણે મને શું સલાહ આપી એ વાત આવતા રવિવારે.

