તેમની ખુરસીની મજબૂત દાવેદાર વહુરાણી ઐશ્વર્યા, શાહરુખ ખાન અને મહેન્દ્ર સિંહ ધોનીનાં નામ પણ રેસમાં
અમિતાભ બચ્ચન
બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા ઘણી વધારે છે. તેમણે અનેક સફળ ફિલ્મોમાં કામ કરીને પોતાની ઍક્ટિંગથી દર્શકોનાં દિલ જીતી લીધાં છે. તેઓ મોટા પડદા પરના મહાનાયક તો છે જ, પણ ફેમસ શો ‘કૌન બનેગા કરોડપતિ’નું વર્ષો સુધી સફળ હોસ્ટિંગ કરીને તેમણે ટેલિવિઝનની દુનિયામાં પણ અનોખી સિદ્ધિ મેળવી છે.
અમિતાભ બચ્ચને ૨૦૦૦ની સાલમાં ૫૭ વર્ષની વયે આ શોનું હોસ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું અને હવે તેઓ આ શોથી દૂર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અમિતાભ હવે ૮૨ વર્ષે કામનું ભારણ ઓછું કરવા ઇચ્છે છે. રિપોર્ટ પ્રમાણે તેમણે આ શોની સીઝન ૧૫ દરમ્યાન જ સોની ટીવીને કહી દીધું હતું કે હોસ્ટ તરીકે તેમની આ છેલ્લી સીઝન હશે. આ સંજોગોમાં હવે ‘કૌન બનેગા કરોડપતિ’ની આગામી સીઝન માટે નવા હોસ્ટની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે અને અનેક નામ ચર્ચામાં છે.
ADVERTISEMENT
હાલ એક ઍડ એજન્સી દ્વારા આ હોસ્ટ તરીકે કોણ યોગ્ય રહેશે એનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે પરિણામમાં અમિતાભની ખુરસી માટે શાહરુખ ખાન, મહેન્દ્ર સિંહ ધોની અને તેમનાં પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન મજબૂત દાવેદાર સાબિત થયાં છે.
અયોધ્યામાં હરિવંશરાય બચ્ચન મેમોરિયલ બનાવવા અમિતાભ બચ્ચને ખરીદી જમીન
અમિતાભ બચ્ચને પિતા હરિવંશરાય બચ્ચનના નામથી મેમોરિયલ બનાવવા માટે અયોધ્યામાં રામ મંદિરથી ૧૦ કિલોમીટર દૂર જમીન ખરીદી છે. ગ્રીનફીલ્ડ ટાઉનશિપની પાસે તિહુરા માંઝા ક્ષેત્રમાં આવેલી ૫૪,૪૫૪ સ્ક્વેરફુટ જમીન હરિવંશરાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટે ૮૪ લાખ રૂપિયામાં ખરીદી હોવાનું માનવામાં આવે છે. અમિતાભ બચ્ચન આ જમીન પર તેમના દિવંગત પિતા અને દિગ્ગજ લેખક હરિવંશરાય બચ્ચનનું મેમોરિયલ બનાવવા માગે છે. આ જમીન બચ્ચન પરિવારે ઘરના કોઈ મેમ્બરના નામે ખરીદી નથી.
જોકે આ જમીન પર મેમોરિયલ બનશે એ બાબતે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. આ જમીન સામાજિક કે ધાર્મિક કાર્ય માટે પણ ઉપયોગમાં લેવાઈ શકે છે.
હરિવંશરાય બચ્ચનનું નિધન ૨૦૦૩ની ૧૮ જાન્યુઆરીએ થયું હતું. પિતાની યાદમાં અમિતાભ બચ્ચને ૨૦૧૩માં હરિવંશરાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ત્યારે અમિતાભ બચ્ચને કહ્યું હતું કે આ ટ્રસ્ટ ધાર્મિક કાર્યો માટે નાણાં એકઠાં કરશે.

