એવું કહેવાય છે કે ઉદ્ધવસેનાના અમુક સંસદસભ્યો વક્ફ સંશોધન બિલની ખિલાફ મત આપવા તૈયાર નહોતા, પણ પાર્ટીએ તેમના પર જબરદસ્તી કરી હોવાથી શિંદેસેના આ નેતાઓને પોતાની પાર્ટીમાં લાવવા માટે સક્રિય થઈ છે
એકનાથ શિંદે
લોકસભામાં વક્ફ સંશોધન બિલ પર થયેલા મતદાનમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ આ બિલની ખિલાફ મતદાન કર્યું હોવાથી એકનાથ શિંદે ગ્રુપનું કહેવું છે કે ઉદ્ધવસેનાના ઘણા સંસદસભ્યો આ બિલની તરફેણમાં મતદાન કરવા માગતા હતા, પણ તેમને જબરદસ્તી એના વિરોધમાં મત આપવાનું કહેવામાં આવ્યું હતું.
આ બાબતે શિવસેનાના કલ્યાણના સંસદસભ્ય ડૉ. શ્રીકાંત શિંદેએ કહ્યું હતું કે ‘આ લોકો બાળાસાહેબના વિચારોથી વિપરીત ચાલી રહ્યા છે. લોકસભામાં અરવિંદ સાવંત જે રીતે બોલી રહ્યા હતા એ સાંભળીને એવું લાગતું હતું કે સમાજવાદી પાર્ટીનો કોઈ નેતા બોલી રહ્યો હોય.’
ADVERTISEMENT
શિંદેસેનાના બીજા એક નેતાએ કહ્યું હતું કે ‘ઉદ્ધવસેનાના અમુક સંસદસભ્યોએ હાઇકમાન્ડને કહ્યું હતું કે જો આપણે આ બિલની ખિલાફ મત આપીશું તો બાળાસાહેબના સિદ્ધાંતોની વિરુદ્ધમાં આપણે જઈ રહ્યા હોવાનું લોકોને લાગશે અને પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓનો સામનો કરવામાં તકલીફ થશે. આમ છતાં ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીના સંસદસભ્યોની વાત નહોતી માની.’
આ નારાજ સંસદસભ્યોને હવે પોતાની બાજુ ખેંચવા માટે એકનાથ શિંદેની પાર્ટીએ ફરી એક વાર ઑપરેશન ટાઇગર ઍક્ટિવ કર્યું હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

