મળતી માહિતી પ્રમાણે બિગ બીએ વ્યક્તિગત કારણસર આ શોના હોસ્ટ તરીકે જવાબદારી નિભાવવાની અસમર્થતા દર્શાવી છે
સલમાન ખાન
૨૦૦૦ના વર્ષથી ક્વિઝ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો શરૂ થયો ત્યારથી એનું સંચાલન અમિતાભ બચ્ચન કરી રહ્યા છે. વચ્ચે ફક્ત એક સીઝનમાં શાહરુખ ખાને આ શોનું સંચાલન કર્યું હતું, પરંતુ એ સમયે શો ફ્લૉપ સાબિત થયો હતો અને અમિતાભને ફરીથી શોમાં લાવવામાં આવ્યા હતા. હવે રિપોર્ટ છે કે આ શોમાં હવે અમિતાભનું સ્થાન સલમાન ખાન લઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે જુલાઈથી સલમાન આ શો માટે શૂટિંગ શરૂ કરશે.
આ શો સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી છે કે ‘અમિતાભે વ્યક્તિગત કારણસર આ શોના હોસ્ટ તરીકે જવાબદારી નિભાવવાની અસમર્થતા દર્શાવી છે. વર્ષોથી ‘બિગ બૉસ’ને હોસ્ટ કરતો સલમાન નાના પડદાનો કિંગ છે અને અમિતાભ બચ્ચનને રિપ્લેસ કરવા માટે સારો વિકલ્પ છે. સલમાને ‘દસ કા દમ’નું સંચાલન પણ કર્યું હતું. તેના શોને ચાહકો ખૂબ પસંદ કરે છે. હાલમાં તેની સાથે વાતચીત ચાલી રહી છે. જો બધું બરાબર ચાલશે તો સલમાન આ શોનું સંચાલન કરશે.’

