અમિત શાહે બંગલાદેશને ચેતવણી આપીને કહ્યું...
ગઈ કાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના કાર્યક્રમમાં બોલતા અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના બાવીસમા પદવીદાન સમારોહ પ્રસંગે આયોજિત રુસ્તમજી સ્મારક વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)એ ઑપરેશન સિંદૂર દરમ્યાન પોતાની ક્ષમતા સાબિત કરી હતી અને પાકિસ્તાનને નાપાક પ્રવૃત્તિઓ કરવા દીધી નહોતી. અમિત શાહે પાડોશી દેશ બંગલાદેશની રોજબરોજની નવી યુક્તિઓ સામે સ્પષ્ટ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે ‘એણે એ ભૂલવું ન જોઈએ કે એનો (બંગલાદેશનો) જન્મ કેવી રીતે થયો હતો અને એની રચનામાં ભારતના બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની ભૂમિકા શું હતી. પાડોશી દેશે ૧૯૭૧ના મુક્તિયુદ્ધ દરમ્યાન એના નિર્માણમાં BSF દ્વારા ભજવવામાં આવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાને અવગણવી જોઈએ નહીં. પાકિસ્તાન વારંવાર દાવો કરી રહ્યું છે કે એ આતંકવાદને સમર્થન આપતું નથી, પરંતુ ઑપરેશન સિંદૂર પછી એ દુનિયા સમક્ષ ઉજાગર થઈ ચૂક્યું છે. પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપે છે અને આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. આખી દુનિયાએ જોયું કે પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓના જનાજામાં નમાજ અદા કરતા હતા.’

