આવી એક કમેન્ટથી લાગી આવ્યું અને સતત ૬ મહિના ખૂબ મહેનત કરીને ઍક્ટર જય સોનીએ પોતાની બૉડી બનાવી હતી
જય સોનીનું જબરસ્ત ટ્રાન્સર્ફોમેશન
‘સસુરાલ ગેંદા ફૂલ’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સિરિયલોથી ખાસ્સા જાણીતા બનેલા આ ગુજરાતી ઍક્ટરે જાહેરાતોથી કામ શરૂ કર્યું અને એ પછી ઍક્ટિંગ, ડાન્સિંગ, હોસ્ટિંગ, ઍન્કરિંગ બધાં જ કામોમાં કાઠું કાઢ્યું. જેનો ચૉકલેટી અને માસૂમ ચહેરો લોકોના હૃદયમાં વસેલો છે એવા જાણીતા ઍક્ટર જય સોની સાથે કરીએ વાતચીત અને જાણીએ તેના વિશે કેટલુંક જાણવા જેવું
જાહેરાતોમાં કામ કરતા એક છોકરાને કોઈએ કહ્યું કે ફલાણી જગ્યાએ ટીવી–સિરિયલનાં ઑડિશન થઈ રહ્યાં છે, તું જતો આવ. વર્ષોથી તેની આદત હતી કે જે કામ આવે એને ના પાડવી નહીં એટલે આ ઑડિશનને તે ક્યાંથી ના પાડવાનો હતો? ઑડિશનની જગ્યાએ તે પહોંચી ગયો ત્યારે ત્યાં બેઠેલા લોકોને જોઈને ગભરાઈ ગયો. એકદમ ૬ ફુટના તાડ જેવા લાંબા, જિમમાં મસ્ત બૉડી બનાવેલા સ્માર્ટ દેખાતા છોકરાઓને જોઈને તેને લાગ્યું કે હું તો કેટલો મિસફિટ છું, આ બધાની સામે આ લોકો મને શું કામ લે ટીવી-સિરિયલમાં? અંતે તો ઑડિયન્સને હીરો જોવો હોય છે, ડૅશિંગ દેખાતો હોય તેને જ તો હીરો કહેવાય. આ વિચારો સાથે તે ત્યાંથી ઑડિશન આપ્યા વગર જ નીકળી જાય છે. બીજા દિવસે તેને ફોન આવે છે કે તમે ઑડિશન આપવા કેમ ન આવ્યા? તો તે કહે છે કે હું આવેલો, પણ મને લાગ્યું કે મારો ચાન્સ નહીં લાગે. તેમણે કહ્યું કે ડિરેક્ટરને તમારા ફોટો ગમ્યા છે, તમે એક વાર આવો. તે ત્યાં પહોંચે છે અને ફક્ત ૩ લાઇન બોલવાની હોય છે જે ઑડિશન ૪ કલાક ચાલ્યું. ઑડિશનના અંતે ડિરેક્ટરે તેને કહ્યું કે તું ઍક્ટર સારો છે, પણ ઑડિશન ખરાબ આપે છે. આ લાઇન સાંભળીને તે વધુ કન્ફ્યુઝ થઈ ગયો. તેને લાગ્યું કે એટલે મારે સમજવું શું? જોકે ઘરે જઈને તેને એક વાત સ્પષ્ટ સમજાઈ કે ‘હીરો બનવાની જરૂર નથી. વાળ, કપડાં, સ્ટાઇલ, બૉડી આ બધું તમારા કિરદારને અનુરૂપ હોવું જોઈએ. કિરદાર જ હીરો છે, હીરો કિરદાર નથી.’ આ સમજ જેને પહેલા શોથી જ આવી ગઈ હતી તે છે ઍક્ટર જય સોની અને આ ઑડિશન ‘સસુરાલ ગેંદા ફૂલ’ સિરિયલનું હતું, જે સિરિયલ દ્વારા લોકોએ તેને ખૂબ પસંદ કર્યો.
ADVERTISEMENT
જય સોનીએ ‘ફિદા’, ‘દિલ માંગે મોર’, ‘મેરા પહલા પહલા પ્યાર’, ‘બુઢ્ઢા મર ગયા’, ‘લાંબો રસ્તો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘સસુરાલ ગેંદા ફૂલ ૧ અને ૨’ સિવાય, ‘બા, બહૂ ઔર બેબી’, ‘ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’, ‘સંસ્કાર-ધરોહર અપનોં કી’, ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ જેવી ઘણી યાદગાર સિરિયલોમાં કામ કર્યું છે. આ સિવાય રિયલિટી શોમાં ‘ઝલક દિખલા જા 4’, ‘નચ બલિયે 7’ જેવા ડાન્સ શો પણ કર્યા છે. ૨૦૧૧નો સારેગામાપા લિટલ ચૅમ્પ્સ તેણે હોસ્ટ કર્યો છે. ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ અને કૉમેડી સુપરસ્ટાર જેવા શો પણ તેણે હોસ્ટ કર્યા છે. આ સિવાય લગભગ ૧૫-૨૦ જેટલા અવૉર્ડ શોમાં તેણે ઍન્કરિંગ કર્યું છે.
બાળપણ
મૂળ નવસારીમાં દસમા ધોરણ સુધી ભણેલા અને મોટા થયેલા જયના પપ્પા સોનીકામ કરતા અને એક સમયે ઘણી જાહોજલાલી હતી એટલે બાળપણમાં કશુંક બનવું પડશે કે મોટા થઈને કઈ રીતે કમાઈશું એવો પ્રશ્ન જયને ક્યારેય થયો જ નહીં. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું તો એકદમ માથે ચડાવેલો છોકરો હતો અને ઉપરથી એકદમ શરમાળ. મને સ્ટેજ પર જતાં ખૂબ બીક લાગે, ૪ માણસો વચ્ચે વાત કરતાં પણ શરમ આવે એવો હતો હું. એટલે ભણવામાં જરાય મહેનતુ નહીં. જીવનમાં કશુંક કરવું છે, બનવું છે એવી કોઈ ધગશ નહીં. કોઈ પૂછે તો પણ કહેતો કે જોઈશું મોટા થઈને, અત્યારે કંઈ નથી. જોકે સમય પલટાયો. પપ્પા-મમ્મી પાસે કશું જ બચ્યું નહીં. અમે ત્રણ ભાઈઓ હતા અને એમાં હું સૌથી મોટો. ૬-૭ નોકરવાળું ઘર હતું અમારું. એક દિવસ મને મમ્મી-પપ્પાએ બોલાવીને કહ્યું કે બધું રાજપાટ જતું રહ્યું છે બેટા, ઘરની હાલત ઠીક નથી. મારી મમ્મીએ કહ્યું કે દૂધમાં પાણી ભેળવીને પીવડાવું છું તારા ભાઈઓને, હવે તારે કંઈક કરવું જ પડશે. એ દિવસ મને હજી યાદ છે. એ વાત મારી અંદર જાણે કે બેસી ગઈ અને પછી મારું એક જુદું જીવન શરૂ થયું.’
કોઈ પણ કામને ના નહીં
જયનું દસમું ધોરણ પત્યું એ પછી આખો પરિવાર મુંબઈ આવી ગયો અને અહીં આવીને જય સોનીએ મીઠીબાઈ કૉલેજમાં બીકૉમમાં ઍડ્મિશન લીધું. એ દરમ્યાન એક મિત્ર એક ઍડના શૂટ માટે જતો હતો તેની સાથે જય ચાલી નીકળ્યો. એ વિશે જય કહે છે, ‘તેણે મને કહ્યું કે એક ઍડનું શૂટ છે, તારે આવવું છે? મેં પૂછ્યું કે શું કરવાનું હોય એમાં? તેણે કહ્યું કે કંઈ નહીં, પાછળ ઊભા રહેવાનું છે બસ; અમુક કલાકો ત્યાં રહેવાનું અને એના ૩૫૦ રૂપિયા મળશે. હું તો એકદમ ખુશ થઈ ગયો કે વાહ, ખાલી ઊભા રહેવાના ૩૫૦ રૂપિયા? મેં એ કર્યું અને આમ મારી શરૂઆત એક જુનિયર આર્ટિસ્ટ તરીકે થઈ. ૨૦૦૨ની વાત છે આ. ત્યારે મેં કો-ઑર્ડિનેટરને પણ કહી રાખેલું કે ભાઈ, મને પૈસાની જરૂર છે, જે કામ મળશે એ કરીશ. હું જીવનમાં જ્વેલરી ડિઝાઇનિંગ પણ શીખ્યો અને હીરા પારખતાં પણ શીખ્યો. એટલે એ સમયે મારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું હતું એવું જરાય નહોતું. જોકે મને આ દરરોજના ૩૦૦થી ૫૦૦ રૂપિયા જે મળવાના હતા એ ઘણા મદદરૂપ લાગવા લાગ્યા હતા. પછી તો એવું થયું કે કામ મળતું જ ગયું અને હું કરતો ગયો. મેં એક પણ કામની ના પાડી જ નથી, કારણ કે પહેલાં એનું કારણ પૈસા હતા અને આજે એનું કારણ છે કામ પ્રત્યેનો આદર.’
સ્ટ્રગલના દિવસો
એ સમયનો એક બનાવ યાદ કરતાં જય કહે છે, ‘પાસ-પાસની એક જાહેરાત હતી જેમાં ૩ દિવસનું કામ હતું અને ૫૦૦ રૂપિયા એક દિવસના ગણીને કુલ ૧૫૦૦ રૂપિયા મળવાના હતા. મેં વિચાર્યું કે આ તો ખૂબ સારું, ઘરે એક મહિનાનું કરિયાણું આવી જશે. જોકે બીજા જ દિવસે મને તાવ આવી ગયો. શૂટિંગમાં મેં કહ્યું કે પ્લીઝ, ACનું ટેમ્પરેચર કન્ટ્રોલ કરોને, મારા માથે જ બ્લોઅર આવે છે. જોકે એ સમયે શૂટમાં જે મુખ્ય રોલમાં હતા તેમને AC જોઈતું હતું. હું દવાઓ લઈ રહ્યો છું, આખો કાંપી રહ્યો છું. હાલત ખરાબ. ત્રીજા દિવસે મમ્મીએ કહ્યું કે બેટા, નહીં જા, તને ૧૦૩ તાવ છે. ત્યારે મેં કહ્યું કે ના મમ્મી, આજે ન ગયો તો પહેલા બે દિવસના પૈસા પણ નહીં મળે. મને યાદ છે કે એ ૧૫૦૦ રૂપિયા જ્યારે ખિસ્સામાં આવ્યા ત્યારે લોકલમાં હું સતત ચેક કરતો રહ્યો કે કોઈ ખિસ્સામાંથી પૈસા તો કાઢી નથી ગયુંને. એ સમયે લોકલમાં ટ્રાવેલ કરતા. ૩ રૂપિયાનું કોકમ શરબત મળતું અને ભૂખ લાગે તો સમોસા-રગડાની એક પ્લેટ ખાઈ લેતો જે ૭ રૂપિયાની આવતી. આજે આ બધું યાદ કરું છું તો લાગે કે ક્યાંથી ક્યાં સુધીની જર્ની મેં જોઈ છે. આજે લગભગ અડધી દુનિયા હું ફરી ચૂક્યો છું અને હજી વધુ ફરવા માગું છું. ઘર-પરિવાર બધું સેટલ્ડ છે અને બધા સુખી છે, પણ એ દિવસોને હું ક્યારેય નહીં ભૂલું એ પણ હકીકત છે.’
ચૅલેન્જ
એક દિવસ એક પાર્ટીમાં કોઈ ફ્રેન્ડે તેને વાત-વાતમાં કહી દીધેલું કે તમે ગુજરાતી લોકો ક્યારેય બૉડી બનાવી શકવાના નથી. એ દિવસ યાદ કરતાં જય સોની કહે છે, ‘રાત્રે બે વાગ્યે હું એ પાર્ટી છોડીને જતો રહ્યો અને આગલા ૬ મહિના કોઈને જ મળ્યો નહીં. ખૂબ મહેનત કરી, બૉડી બનાવી અને પછી તેમને મળ્યો. તેઓ જોતા રહી ગયેલા. નાનપણથી મારી અંદર એ વસ્તુ છે કે જો કોઈ મને કહે કે આ તારાથી નહીં થાય કે તને આ નહીં આવડે તો પછી કોઈ પણ રીતે મારે એ કરીને બતાવવું જ પડે, જો ન બતાવું તો મને ન ચાલે. એને તમે ગાંડપણ કહો કે ખુમારી, પણ મારું આવું જ છે. વળી દરેક વસ્તુને હું ટ્રાય કરવામાં માનું છું. ઍડ કરતો હતો ત્યારે ઍક્ટિંગ ટ્રાય કરી, ઍક્ટિંગ કરતો હતો ત્યારે ઍન્કરિંગ ચાલુ કર્યું, ઍન્કરિંગ કરતો હતો ત્યારે ડાન્સ ચાલુ કર્યો. જે કામ સામે આવ્યું એને ચૅલેન્જ સમજીને લીધું અને કર્યું.’
ફૅમિલી
જય સોની પત્ની પૂજા શાહ સાથે
૨૦૧૪માં જય સોનીએ લૉની ડિગ્રી ધરાવતી મુંબઈની પૂજા શાહ સાથે અરેન્જ્ડ મૅરેજ કર્યાં. તેમને આજે ૭ વર્ષની દીકરી આરાધ્યા છે. બન્ને મળ્યાં એને જીવનની બેસ્ટ મોમેન્ટ ગણાવતાં જય સોની કહે છે, ‘મમ્મીએ મને પૂછ્યું કે લગ્નનું શું કરવું છે? મારા જીવનમાં કોઈ હતું નહીં એટલે મેં કહ્યું કે હજી કોઈ મળે તો ખરી. તો મમ્મીએ કહ્યું કે ક્યાં સુધી રાહ જોઈશ, મેં જોઈ રાખી છે એક છોકરી, તું મળી લે તેને, ગમે તો આગળ વધીએ. ગણીને ૨-૪ વાર મળ્યા હોઈશું અમે અને ગોળ-ધાણા ખાઈ લીધા. પછી અમુક દિવસો એવા પણ ગયા જ્યારે મને લાગ્યું હોય કે હું લગ્ન માટે તૈયાર છું કે નહીં, મેં કોઈ ઉતાવળ તો નથી કરીને? એવું જ આરાધ્યા વખતે થયું હતું. બાપ તરીકેની જવાબદારીઓ નિભાવવા તૈયાર હતો એમ હું ન કહી શકું. એક બાળકને ઉછેરવામાં પડતી કેટલીક મુશ્કેલીઓ જોઈને મને લાગ્યું કે આની તૈયારી તો શક્ય જ નથી, ગમે એટલી કરો ઓછી જ પડે. આ ફીલિંગ્સ મને એ સમજાવી ગઈ કે જ્યારે જીવનમાં કશું ખૂબ સારું થવાનું હોય ત્યારે નર્વસનેસ આવતી હોય છે. હું ખૂબ નસીબદાર છું કે મને અતિ સમજુ પત્ની અને અતિ પ્રેમ કરનારી દીકરી મળી છે.’
જલદી ફાઇવ
હૉબી : મને ફિલ્મો જોવી ખૂબ જ ગમે. વર્લ્ડ સિનેમા હું ફૉલો કરું છું.
પૅશન : મને ફરવાનું પૅશન છે. યુએસ, સ્પેન, થાઇલૅન્ડ, મલેશિયા, દુબઈ, મકાઉ - કહું તો ઘણું-ઘણું ફરી ચૂક્યો છું અને ઘણુંબધું બાકી છે. એટલે પ્લાન એ જ છે કે ભવિષ્યમાં શક્ય હોય એટલું ફરવું.
અફસોસ : મને જીવને ઘણું આપ્યું છે એટલે અફસોસ નથી, પણ હજી સુધી હું સોલો ટ્રાવેલ કરવા ગયો નથી જે જવું છે.
જીવનમંત્ર : સતત શીખતા રહેવું, સ્કિલ ડેવલપ કર્યા કરવી; કારણ કે જેટલું વધુ શીખીએ એટલું હંમેશાં ઓછું જ લાગે.
જીવનનો હેતુ : એક સારી અને સરળ વ્યક્તિ બની રહેવું, જે ખૂબ મુશ્કેલ છે પણ અત્યંત જરૂરી છે.

