સિરિયલના સેટ પર થયેલી મુલાકાત પછી તેમણે ૨૦૦૯માં મૅરેજ કર્યાં હતાં
લતા સભરવાલ અને સંજીવ સેઠ
‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’શોમાં અક્ષરાનાં માતા-પિતાની ભૂમિકા ભજવીને ભારે લોકપ્રિયતા મેળવનાર લતા સભરવાલ અને સંજીવ સેઠના લગ્નજીવનનો અંત આવી ગયો છે. હાલમાં લતાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તે પોતાના પતિ સંજીવ સેઠથી અલગ થઈ ગઈ છે. લતા અને સંજીવ છેલ્લાં ૧૫ વર્ષથી સાથે હતાં.
શનિવારે લતાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે ‘લાંબા સમયની ચુપકીદી બાદ હું (લતા સભરવાલ) જાહેર કરું છું કે હું મારા પતિ (સંજીવ સેઠ)થી અલગ થઈ ગઈ છું. હું તેમનો આભાર માનું છું કે તેમણે મને એક પ્રેમાળ દીકરો આપ્યો. હું તેમના ભવિષ્યના જીવન માટે શુભેચ્છાઓ પાઠવું છું. હું બધાને નિવેદન કરું છું કે કૃપા કરીને મારી અને મારા પરિવારની શાંતિનો આદર કરો અને આ વિશે કોઈ પણ સવાલ ન પૂછો અથવા કૉલ ન કરો. આભાર.’
ADVERTISEMENT
લતા સભરવાલ અને સંજીવ સેઠ સોશ્યલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને ઘણી વાર પોતાના ફૉલોઅર્સ સાથે વ્લૉગ્સ અને મજેદાર વિડિયો શૅર કરતાં હતાં. ૨૦૧૩માં આ જોડીએ ‘નચ બલિયે 6’માં ભાગ લઈને તેમનું બૉન્ડિંગ દર્શાવ્યું હતું અને ૨૦૨૧માં લતા સભરવાલે જાહેરાત કરી હતી કે તે ટીવી-ઇન્ડસ્ટ્રી છોડી રહી છે.
લતા સભરવાલ સાથે લગ્ન કરતાં પહેલાં સંજીવ સેઠનાં પ્રથમ લગ્ન અભિનેત્રી રેશમા ટિપણીસ સાથે થયાં હતાં. આ દંપતી ૨૦૦૪માં અલગ થઈ ગયું હતું. થોડાં વર્ષો બાદ સંજીવની મુલાકાત ‘યહ રિશ્તા ક્યા કહલાતા હૈ’ના સેટ પર લતા સાથે થઈ, જ્યાં બન્નેએ પરિણીત દંપતીની ભૂમિકા ભજવી. તેમની રીલ-લાઇફની કેમિસ્ટ્રી વાસ્તવિક જીવનમાં બદલાઈ ગઈ અને બન્નેએ ૨૦૦૯માં લગ્ન કરી લીધાં. ચાર વર્ષ બાદ ૨૦૧૩માં તેમના દીકરા આરવનો જન્મ થયો. હવે આ બન્ને અલગ થઈ ગયાં છે.

