નિષ્ફળતાને, વિલંબિત સફળતાને કે પ્રયત્નના પુનરાવર્તનને પચાવવું અઘરું હોય છે. ગણતરીના માત્ર આઠ દિવસ માટે અવકાશમાં ગયેલી સુનીતા વિલિયમ્સ જ્યારે પૂરા ૨પ૪ દિવસ સુધી આપણી ભાષામાં કહીએ તો લટકી ગઈ, ટીંગાઈ ગઈ, સલવાઈ ગઈ!
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
કેસ-નંબર ૧: ઘરમાં રહેલા વડીલ સંતુલન ગુમાવીને પડી ગયા. થોડા દિવસમાં સારું થશે એમ લાગતું હતું; પણ આ તો લકવાનો હુમલો, લાંબું ચાલશે અને સારું થતાં વાર લાગશે. થોડું તો કાયમ સાચવવું પડશે. આશ્રિત જો આપણે છીએ તો ત્યારે આપણી મનઃસ્થિતિ કેવી?
કેસ-નંબર ૨: ઉઘરાણીની તારીખ ત્રીજી વાર મળી અને આગલા દિવસે પાર્ટીને ત્યાં દરોડા પડવાથી બધાં ખાતાં ફ્રીઝ થઈ ગયાં. તેમનું જે થાય તે પણ અઠવાડિયામાં જે કામ પતી જવાનું હતું એ હવે આઠથી દસ મહિને થશે. આપણે જો લેણદાર છીએ તો આપણી મન:સ્થિતિ કેવી?
કેસ-નંબર ૩: સીએનું રિઝલ્ટ નેગેટિવ આવવાથી ફરી છ-આઠ મહિના પરિણામ અને ડિગ્રી માટે રાહ જોવી પડે છે. આપણે જો વિદ્યાર્થી છીએ તો આવા સમયે આપણી મન:સ્થિતિ કેવી?
કેસ નંબર ૪: માઇક્રોસૉફ્ટ વર્ડની ફાઇલના ડૉક્યુમેન્ટ્સ એડિટ કરીને તૈયાર થવાની અણી પર હતા ત્યાં જ વાઇરસના કારણે કમ્પ્યુટર ખોટવાઈ જતાં કામ લંબાઈ ગયું. કલાકનું કામ અઠવાડિયે થયું. આપણે જો આઇટી પ્રોફેશનલ છીએ તો ત્યારે આપણી મન:સ્થિતિ કેવી?
નિષ્ફળતાને, વિલંબિત સફળતાને કે પ્રયત્નના પુનરાવર્તનને પચાવવું અઘરું હોય છે. ગણતરીના માત્ર આઠ દિવસ માટે અવકાશમાં ગયેલી સુનીતા વિલિયમ્સ જ્યારે પૂરા ૨પ૪ દિવસ સુધી આપણી ભાષામાં કહીએ તો લટકી ગઈ, ટીંગાઈ ગઈ, સલવાઈ ગઈ! એમ છતાં લડાયક મિજાજ અને કાર્ય માટેનું કમિટમેન્ટ ગુમાવ્યા વગર, પોતાના નુકસાનને જોયા વગર અને મોટા વૈશ્વિક લાભને ગૌણ કર્યા વગર ટીમ-મેમ્બરો જે રીતે લાગેલા રહ્યા એ દરેક પ્રસંગે પ્રેરક, શૌર્યવર્ધક અને સંદેશવાહક ઘટના છે.
મહેનત માથે પડવાનું, પ્રયત્ન નિષ્ફળ જવાનું કે બધું થયા પછી છેવટે પરિણામ લંબાઈ જવાનું તો કેટલીયે વાર બની શકે. આવા પ્રસંગે આવા પ્રસંગોનું સ્મરણ ઉત્સાહવર્ધક બની શકે. જૈન તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી પછી ભિક્ષાર્થે ફર્યા, પણ કંઈ જ ન મળતાં પાછા ફર્યા હતા. આવું સળંગ ૪૦૦ દિવસ સુધી ચાલ્યું. જે કામ આજે જ થઈ શકે એ પૂરા ૪૦૦ દિવસે થયું જ્યારે તેમને એક રાજાએ શેરડીનો રસ વહોરાવ્યો અને અક્ષય તૃતીયાના દિવસે તેમનું પારણું થયું. ત્યારથી જૈનોમાં પણ વર્ષીતપ કરવાની પરંપરા ચાલે છે.
આવાં આલંબનો આપણામાં ધૈર્ય, શૌર્ય પ્રગટાવનારાં છે જે કોઈ જિમમાં જઈને મેળવી શકાય એવી વસ્તુ નથી. તકલાદી મન સાથેનું પોલાદી શરીર એટલું કામ નથી લાગતું. મનને મજબૂત બનાવવાની દિશામાં આવી ઘટનાઓમાંથી પ્રેરણા લેવા જેવી છે. ઘટનાઓ ઘડીકમાં નિર્જીવ બની જાય છે. એના પરથી થયેલું અર્થઘટન માણસને દાયકાઓ સુધી જીવતો રાખે છે.

