Mumbai: ડિલિવરી-બૉય આરોપીને શનિવારે દવાઓની ડિલિવરી કરવા જાય છે ત્યારે બન્ને વચ્ચે જરાક બોલાચાલી થાય છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)
Mumbai: એકબાજુ જ્યાં આખી મુંબઈ દહીંહંડીનો ઉત્સવ મનાવી રહી હતી ત્યાં લોઅર પરેલમાં એક દર્દનાક કિસ્સો બન્યો. દવાઓની ડિલિવરી કરવા આવેલ બૉય પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ બાબતે ના. મ. જોષી માર્ગ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર 17 વર્ષના એક ડિલિવરી-બૉય સાથે આ બનાવ બન્યો. તે માહિમના કાપડ બજાર વિસ્તારનો (Mumbai) રહેવાસી છે. આ યુવાન ઓનલાઇન ડ્રગ ડિલિવરી કંપનીમાં ડિલિવરી-બૉય તરીકે કામ કરે છે. આરોપી સૌરભ કુમાર અવિનાશ સિંહ લોઅર પરેલમાં આવેલ હનુમાન ગલીમાં પ્રકાશ કોટન મિલના આઠમા માળે રહે છે. તે એક બેંકમાં કામ કરે છે. આરોપીએ કેટલીક ઓનલાઈન દવાઓ મંગાવી હતી. જયારે ડિલિવરી-બૉય આરોપીને શનિવારે દવાઓની ડિલિવરી કરવા જાય છે ત્યારે બન્ને વચ્ચે જરાક બોલાચાલી થાય છે. જોકે આરોપીએ દવાઓ મંગાવતી વેળાએ કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન પસંદ કર્યો હતો. આરોપીએ (Mumbai) જોયું તો તેણે જે જે દવાઓ મગાવી હતી તેના કરતા ઓછી દવાઓ ડીલિવર થઇ હતી. એટલે આરોપીએ ડિલિવરી-બૉયને પૂરી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. આ જ બાબતને લઈને બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. ડિલિવરી-બૉય સતત આરોપી પાસે પુરા પૈસા માગતો રહ્યો પણ પેલાએ ન ચૂકવ્યા તે ન જ ચૂકવ્યા. પછી તો આરોપીએ દરવાજો બંધ કરી દીધો હતો. ડિલિવરી બૉય સતત પુરા પૈસા ચુકવવા માટે આરોપીને વિનવણી કરતો રહ્યો. વારંવાર ડિલિવરી-બૉય આરોપીના ઘરની ડોરબેલ પણ વગાડતો રહ્યો. પછી તો માથાફરેલ આરોપીએ ઘરમાંથી એક મોટી બંદૂક કાઢી અને તેને ડિલિવરી-બૉયની છાતી આગળ મૂકી. ગાળો કાઢતા કાઢતા આરોપીએ ડિલિવરી-બૉયને ત્યાંથી ફરાર થઇ જવા માટે કહ્યું અને જો તે ત્યાંથી નહીં હટે તો બંદુકમાંથી ગોળી મારી દેશે એવી પણ ધમકી આપી હતી. વળી, આરોપીએ ડિલિવરી-બૉયને દિશામાં ગોળીબાર પણ કર્યો હતો.
ADVERTISEMENT
ડિલિવરી બૉયની ફરિયાદ બાદ ના. મ. જોશી માર્ગ પોલીસે (Mumbai) ભારતીય દંડ સંહિતાની કલમ 109,125,351 (2) 352, ભારતીય શસ્ત્ર અધિનિયમની કલમ 3,25 અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ 37 (1) 135 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ડિલિવરી-બૉયની છાતી પર બંદુક મૂકી હતી. જો તેમાંથી ગોળી વછૂટી જાત તો તેનો જાન પણ જઈ શકે એમ હતો. અ જ બાબતને ગંભીરતાથી લેતાં પોલીસે હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેકટર જણાવે છે કે આ ગોળીબારમાં કોઈ ઘાયલ થયું નથી. આરોપી અને ફોન કરનારને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. મુંબઈ (Mumbai)ના ના. મ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

