સિક્કા જેવા જમીન પર પડ્યા અને એનો અવાજ થયો કે તેને ખબર પડી ગઈ કે આ સિક્કા ખોટા છે.
પ્રતીકાત્મક તસવીર
આજે મારે તમને એક વાર્તા કહેવી છે.
એક શાક વેચવાવાળો ભગવાનનો ભક્ત હતો. શાક વેચે અને જેટલા પૈસા મળે એનાથી તેનો વ્યવહાર ચાલતો. શાકના થડે બેઠાં-બેઠાં તે ભજન કરતો રહેતો. ક્યારેય અપ્રામાણિકતા કરે નહીં. એક વખત એક માણસ તેની પાસે શાક લેવા આવ્યો. તેણે શાક લઈ રૂપિયા નીચે ફેંક્યા. શાકવાળાએ એ લીધા. સિક્કા જેવા જમીન પર પડ્યા અને એનો અવાજ થયો કે તેને ખબર પડી ગઈ કે આ સિક્કા ખોટા છે.
ADVERTISEMENT
ગ્રાહક સમજી ગયો કે શાકવાળાને ખબર પડી ગઈ છે કે સિક્કા ખોટા છે તેથી હમણાં પાછા આપશે. શાકવાળાએ એ સિક્કા લઈ ફરી નીચે ફેંક્યા. બોદો અવાજ આવ્યો. સાબિત થઈ ગયું કે સિક્કા ખોટા છે. શાકવાળાએ પૈસા લઈ આકાશ સામે જોયું અને સિક્કા માથે ચડાવી ગ્રાહક સામે જોઈ કહ્યું, ‘ભાઈ! તમારો આભાર.’ ખરીદનારને થયું કે કાં તો આ માણસ બેવકૂફ છે અથવા તો હોશિયાર!
તેણે ખોટા સિક્કા દીધા, શાક લીધું અને જતો રહ્યો. તે બીજા દિવસે ફરી ખોટા સિક્કા લઈ શાકવાળા પાસે આવ્યો. શાક લીધું અને ખોટા સિક્કા શાકવાળાને આપ્યા, શાકવાળાએ નીચે પછાડ્યા. જોયું કે સિક્કા ખોટા છે. તેણે આકાશ સામે જોઈ ખોટા સિક્કા રાખી લીધા. હવે પેલા માણસને થયું કે આ તો ખોટા સિક્કા લઈ લે છે.
ત્રીજા દિવસે તે પાછો ખોટા સિક્કા લઈને આવ્યો. આમ તે દરરોજ શાક લે, ખોટા સિક્કા પધરાવીને જાય. ચાર-પાંચ દિવસમાં તેની પાસે ખોટા સિક્કા પૂરા થઈ ગયા.
તેણે પત્નીને કહ્યું કે ‘તારી પાસે ખોટા સિક્કા છે? એક બેવકૂફ માણસ છે, જે જાણવા છતાં ખોટા સિક્કા લઈ લે છે.’
પત્ની પાસે જેટલા ખોટા સિક્કા હતા એ તેણે પતિને આપી દીધા. આટલેથી એ માણસ ન અટકયો અને તેણે તેના પાડોશમાં પ્રચાર શરૂ કર્યો કે એક બેવકૂફ શાકવાળો છે. તેને ખોટા સિક્કા આપો તો પણ લઈ લે છે. તમારી પાસે જો ખોટા સિક્કા હોય તો તમે પણ લઈ આવો. શાકવાળાની આજુબાજુનાએ કહ્યું, ‘અરે, તું પાગલ છો? માણસો તને ખોટા સિક્કા દઈ જાય છે અને તું જાણવા છતાં એ લઈ લે છે! તું ભૂખે મરીશ.’ શાકવાળાએ કહ્યું. ‘હું ભૂખે નહીં મરું. જે આવશે એનો સ્વીકાર કરીશ. મારું ધ્યાન ઉપરવાળો રાખે છે.’
તેની જીવનસંધ્યા ઢળી. મૃત્યુશૈયા પર તે પડ્યો હતો ત્યારે તેણે ભગવાનનું સ્મરણ કરતાં પ્રાર્થના કરી. ‘ભગવાન! હું વધારે નથી જાણતો, પણ સાંભળ્યું છે કે જે જેવાં કર્મ કરે એવું ફળ તેને મળે. મારે એટલું કહેવું છે કે આજ સુધી જિંદગીમાં જેટલા ખોટા સિક્કા મારી પાસે આવ્યા, મેં એનો સ્વીકાર કર્યો છે. આજે એક ખોટો સિક્કો તારા દરબારમાં આવે છે. હે નાથ! મને તરછોડતા નહીં, મને અપનાવી લેજો.’
-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

