જનાબાઈની ભક્તિ અને અભંગની સ્મૃતિ આવે જ. સો, તીર્થાટનપ્રેમીઓ આજે જઈએ ગોપાલપુર જ્યાં જનાબાઈનું મંદિર તો છે જ અને શ્રી ગોપાલ કૃષ્ણ, શ્રી વિષ્ણુપદ તેમ જ નારદમુનિનું નાનું દેવળ પણ છે
પંઢરપુર પાસેઆવેલાં ગોપાલપુરમાં જનાબાઈ અને ગોપાલકૃષ્ણ મંદિર.
અષાઢી એકાદશી આવતાં જ વિષ્ણુભક્તોને પંઢરપુરનું સ્મરણ થાય અને પંઢરીનાથને યાદ કરો એટલે જનાબાઈની ભક્તિ અને અભંગની સ્મૃતિ આવે જ. સો, તીર્થાટનપ્રેમીઓ આજે જઈએ ગોપાલપુર જ્યાં જનાબાઈનું મંદિર તો છે જ અને શ્રી ગોપાલ કૃષ્ણ, શ્રી વિષ્ણુપદ તેમ જ નારદમુનિનું નાનું દેવળ પણ છે
જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ‘પૃથ્વી પર જ્યાં-જ્યાં પરમાત્માનાં પગલાં પડ્યાં છે, જ્યાં-જ્યાં તેમનાં મુખ્ય તીર્થસ્થળો છે એના પરિઘમાં આવેલા વિસ્તારો પણ પવિત્ર છે. એ મંદિરો, સ્થળોની યાત્રા, આસ્થાળુને પ્રભુની વધુ નિકટ લાવે છે. પ્રભુને મળવાની ઉત્કંઠા ઝંખના જગાડે છે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ પ્રગાઢ બનાવે છે.
ADVERTISEMENT
પરંતુ આપણે શહેરી માનવી. ઘડિયાળના કાંટે દોડીએ, જાગીએ ને સૂઈએ. કોઈ તીર્થસ્થળની જાત્રાએ જવાનું મન થાય, પ્રભુદર્શન કરવાની ઇચ્છા થાય એટલે એ જગ્યાએથી જલદીમાં જલદી પાછા આવી શકીએ એ રીતે યાત્રાનું પ્લાનિંગ કરીએ અને આવી હઈશો-હઈશો યાત્રા કરવાથી શું થાય? પ્રભુ સાથેનું જોડાણ હંગામી સમયનું રહે. બીજું, એ તીર્થની આજુબાજુમાં આવેલાં અન્ય સ્થળોનાં દર્શન રહી જાય અને કાળક્રમે એ સ્થાન અપૂજ અને વિસ્મૃત થતાં જાય. પંઢરપુરથી ફક્ત પાંચ કિલોમીટરના અંતરે આવેલા ગોપાલપુરનો પણ આવો જ સીન છે. એ તો સારું છે કે ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા ભાવિકો હજી ગોપાલપુરનાં દર્શને જાય છે, બાકી આપણે તો વિઠોબાનાં દર્શન થયાં એની બીજી મિનિટે ત્યાંથી રવાના.
ખેર, હવે પંઢરપુર જાઓ ત્યારે ગોપાલપુર ખાસ જજો. એમાંય જનાબાઈના મંદિરે તો અચૂક. કારણ કે આ એ જનાબાઈ છે જેમને વિઠુરાયે વાસણ ધોવા, કચરા વાળવા, દળણાં દળવાં જેવાં કાર્યોમાં સરખા ભાગે મદદ કરી છે. જનાબાઈ વિઠોબા અને સંત નામદેવનાં એવાં અનન્ય ભક્ત હતાં કે તેમને મહારાષ્ટ્રનાં મીરાબાઈ જ કહેવાય.
જનાબાઈનો ચૂલો, ઘંટી અને વિઠ્ઠલા સાથેની યાદો સમાન મૂર્તિઓ.
જોકે જનાબાઈની અદ્વિતીય ભક્તિ સામે ગોપાલપુરમાં આવેલું તેમનું મંદિર બહુ સામાન્ય છે. કિલ્લા જેવા દેખાતા એક મોટા સ્ટ્રક્ચરમાં ગોપાલકૃષ્ણ મંદિર છે જેમાં શ્રીકૃષ્ણ તેમની પ્રિય ગાય સાથે ત્રિભંગ અવસ્થામાં મોરલી વગાડતા ઊભા છે અને એ પરિસરમાં ‘જનાબાઈચા સંસાર’ નામે તેમનું મંદિર છે. અગેઇન, મંદિર નહીં, કારણ કે અહીં કોઈ મૂર્તિ નથી, પણ તેઓ પાણી ભરવા જે બેડાં વાપરતાં, લોટ બાંધવાની કથરોટ, ઈવન બે પડવાળી પથ્થરની ચક્કી જેને ખુદ વિઠોબાએ પણ ઘણી વખત ચલાવી છે એ દર્શનાર્થે લખાયેલી છે. એ ઓરડીઓની દીવાલો પર સામાન્ય ચિત્રકામ કરવામાં આવ્યું છે જેમાં જનાબાઈના જીવનના મુખ્ય પ્રસંગો દર્શાવાયા છે. અફકોર્સ આ એ જ સ્થાન છે જ્યાં જનાબાઈ રહેતાં હતાં એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ એ તો પ્રમાણબદ્ધ છે કે જનાબાઈની પ્રભુભક્તિનો જોટો જડે એમ નથી.
તો આજે મંદિર કરતાં જનાબાઈના જીવનચરિત્ર પર ફોકસ કરીએ.
શ્રી વિષ્ણુપદ મંદિર.
વાત લગભગ બારમી સદીની છે. મહારાષ્ટ્રમાં ગોદાવરીના કાંઠે આવેલું ગંગાખેડ ગામ. એમાં અત્યંત ગરીબ પરિવારમાં જનાબાઈનો જન્મ. માતંગ જાતિનાં જનાબાઈની માતાનું મૃત્યુ જનાબાઈ બહુ નાનાં હતાં ત્યારે જ થયું હતું. તેઓ સાત-આઠ વર્ષનાં હતાં ત્યારે પિતા તેમને અષાઢી એકાદશીએ પંઢરીનાથનાં દર્શન કરવા લઈ ગયાં. એ સમયે પણ પંઢરપુરમાં અત્યંત ભીડ રહેતી હતી. આ ભીડમાં બાપ-બેટી વિખૂટાં પડી ગયાં. માતાના મુખેથી સાંભળેલી વિઠ્ઠલની રચનાઓ, વાર્તાઓ જનાબાઈને યાદ નહોતી, પણ વિઠોબા બહુ મોટા ભગવાન છે એવી તેમને ખબર હતી એટલે તેઓ વારંવાર ભગવાનનાં દર્શન કરવા મંદિર જતાં, પણ એકલી પડી ગયેલી બાળકી જનાને ભક્તોની ભીડને લીધે ચાર દિવસ સુધી વિઠ્ઠલનાં દર્શન ન થયાં અને બાપુ પણ ન મળ્યા એથી તેઓ એક જગ્યાએ બેસીને રડવા લાગ્યાં. એ વખતે પ્રખ્યાત સંત નામદેવના પિતાજી દામાશેતની નજર એ કન્યા પર પડી અને તેની કથા જાણીને તેઓ જનાને પોતાના ઘરે લઈ ગયા. અહીં એક મત કહે છે કે ખુદ જનાના પિતાજી જનાને નોકરાણીરૂપે સંત નામદેવના ઘરે મૂકી આવ્યા હતા અને એ પછી તેઓ પંઢરપુરમાં જ મૃત્યુ પામ્યા હતા.
વેલ, દામાશેતના બહોળા પરિવારમાં જના ભળી ગઈ અને કુટુંબના સદસ્યની જેમ જ ઘરનાં દરેક કામ કરવા લાગી. દામાશેતનું આખું કુટુંબ વિઠ્ઠલપ્રેમી. એમાંય તેમના પુત્ર નામદેવ તો બાળપણથી જ સંતપ્રકૃતિના. તેઓ આખો દિવસ પ્રભુભક્તિમાં લીન રહે. ગીતો રચે, ગાય, પ્રભુની સેવા કરે. જનાબાઈ તેમનાથી મોટાં અને તેમને પણ વિઠ્ઠલ પ્રત્યે ખૂબ લાગણી એટલે તેઓ નામદેવનું બધું જ કામ કરે, તેમનું ધ્યાન રાખે. જાણે તેમની જ દાસી હોય.
શ્રી નારદમુનિ મંદિરમાં નારદજીની મૂર્તિ.
નામદેવ ગાતા હોય, પ્રભુસ્મરણ કરતા હોય ત્યારે જનાબાઈ પણ એ સંગીતમાં, ધૂનમાં મગ્ન હોય, દરેક કામ કરતાં-કરતાં પણ વિઠ્ઠલનું રટણ ચાલતું જ રહે. એવામાં અષાઢી એકાદશીનો પ્રસંગ આવ્યો. નામદેવ તો ભજન ગાવામાં લીન થઈ ગયા. વળી અનેક ભક્તો પણ જાતજાતનાં વાજિંત્રોથી સૂર પુરાવતા. આખો માહોલ એવો બની ગયો કે દરેકના મન-મસ્તકમાં વિઠ્ઠલ સમાઈ ગયા હતા. એક બાજુ ઊભા રહી સાંભળતાં જનાબાઈ પણ એ રમઝટમાં એવાં ગુલતાન થઈ ગયાં કે ભજન પૂર્ણ થયા બાદ પણ તેઓ વિઠ્ઠલમય જ બની રહ્યાં. આવી મદહોશ અવસ્થામાં તેમનો લાંબો સમય પસાર થઈ ગયો. પો ફાટવાની તૈયારી હતી ત્યાં જનાબાઈ ધ્યાનાવસ્થામાંથી બહાર આવ્યાં અને ભાન થયું કે ઘરનાં કેટલાં બધાં કામ બાકી છે. સવાર પડી ગઈ. દરેકને પાણી, ખોરાક, કપડાં વગેરે જોઈશે એટલે હાંફળાં-ફાંફળાં તેઓ મેલાં કપડાંનું પોટલું લઈ ચંદ્રભાગાના કિનારે એ ધોવા ગયાં. મનમાં અજંપો હતો છતાં મુખમાંથી વિઠ્ઠલનો જાપ બંધ નહોતો થયો. ત્યાં અચાનક એક વયસ્ક માજી તેમની પાસે આવ્યાં અને કહ્યું, ‘લાવ હું તને કપડાં ધોઈ આપું. તું બીજું કામ કર.’ જનાબાઈને નવાઈ લાગી. માજી સાવ અજાણ્યાં, વળી વયસ્ક, તેમની પાસે મારું કામ કેમ કરાવું? તેમણે સવિનય માજીને ના પાડતાં કહ્યું કે ‘તમને કપડાં ધોતાં નહીં ફાવે.’ ત્યારે માજીએ જવાબ આપ્યો, ‘હું એવાં કપડાં ધોઈ આપીશ કે એમાં ક્યારેય દાગ નહીં લાગે.’
હજી વાસણ સાફ કરવાનાં હતાં, દળણું દળવાનું હતું, પાણી ભરવાનું હતું. એ કામના ટેન્શનમાં તેમણે માજીને કપડાં આપી દીધાં અને ઘરે વાસણ ધોવા ચાલ્યાં ગયાં. એ કામ પતાવ્યા પછી યાદ આવ્યું કે કપડાં તો નદીકિનારે છે. ભાગતાં-ભાગતાં ત્યાં પહોંચ્યાં અને જોયું તો માજીએ કપડાં તો ધોઈ નાખ્યાં હતાં અને એવાં ચોખ્ખાં કરી નાખ્યાં હતાં જે પહેલાં કયારેય નહોતાં થયાં. તેમણે માજીનો ખૂબ-ખૂબ આભાર માનીને કહ્યું, ‘આપણો કોઈ સંબંધ ન હોવા છતાં તમે મારું કામ કરી આપ્યું.’ ત્યારે એ વૃદ્ધાએ રહસ્યમય સ્મિત કરતાં કહ્યું, ‘આપણો સંબંધ કેમ નથી? આપણે તો વર્ષોથી એકબીજાથી પરિચિત છીએ.’
એ વૃદ્ધ માજીની વાત સાંભળીને જનાબાઈ આશ્ચર્યચકિત તો થઈ ગયાં. વળી રહસ્યમય સ્મિતથી અભિભૂત થઈ ગયાં. ઘરે પાછાં આવી તેમણે નામદેવજીને આ બધી વાત કરી ત્યારે નામદેવે તેમને કહ્યું, ‘જના, એ તો ઠાકુરજી હતા. તેઓ વૃદ્ધાના રૂપમાં તને મદદ કરવા આવ્યા હતા.’ એ સાંભળીને જનાબાઈ રડવા લાગ્યાં, વળી તેમને રોષ પણ ચડ્યો. પ્રભુ પાસે તેમણે કામ કરાવ્યું એનું દુઃખ અસીમ હતું, તો પ્રભુએ છળ કરીને દર્શન આપ્યાં એનોય શોક વિષમ હતો. ભક્તને રડતી જોઈને પ્રભુ તેમના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને જનાબાઈને કહ્યું કે ‘હવે હું મારા અસલ રૂપમાં જ તારી સાથે રહીશ.’
જનાબાઈ કચરો વાળે તો વિઠોબા એ ભરીને નાખી આવે, જનાબાઈ અનાજ દળે તો પંઢરીનાથ ઘંટીને હાથ દઈ દળણું દળે. જનાબાઈ છાણાં થાપવા જાય તો પ્રભુ પણ તેમના હાથમાં છાણ લઈ એના ઉપલા બનાવે. બધાં કાર્યમાં વિઠ્ઠલ સાથે હોય છતાં જનાબાઈનું નામસ્મરણ ચાલતું જ રહે અને પ્રભુનાં ગીતો-ભજનો બનાવતાં જાય ને ગાતાં જાય.
કહે છે કે જનાબાઈ ધાન્ય પીસતાં ગાતાં એ વિઠ્ઠલને બહુ ગમતું. એક દિવસ ભગવાન તેમને કહે, ‘તમે દળવાનું બંધ કરો, મને તમારા સૂર બરાબર સંભળાતા નથી. તો જનાબાઈ કહે, ‘હું દળીશ નહીં તો કાલે નામદેવ ખાશે શું? અને એવું હોય તો આ લો તમે દળો. પ્રભુ તો લાગી ગયા અનાજ દળવા ને જનાબાઈ ગાતાં રહ્યાં. થોડી વાર પછી જનાબાઈ કહે, ‘આ તમે દળો છોને એમાં તમારાં આભૂષણો ટકરાવાથી અવાજ થાય છે અને એ શોરથી મને ગાવામાં વિક્ષેપ થાય છે.’ વિઠ્ઠલનાથે કહ્યું, ‘લે હું મારાં બધાં આભૂષણ કાઢી નાખું છું...’ અને તેમણે હાર, કંગન વગેરે બધું કાઢી ઘંટી પાસે મૂકી દીધું. એ રાતે દળવાની અને ગાવાની ક્રિયા આખી રાત ચાલી.’
સવાર પડતાં કાકડ આરતીનો સમય થઈ ગયો અને મંદિરમાં ઘંટારવ થવા લાગ્યો એટલે વિઠ્ઠલનાથ અને જનાબાઈ ભજનાવસ્થામાંથી જાગ્યાં અને પ્રભુ જનાબાઈને કહે, ‘જો મંદિરમાં પૂજારી, પંડા, ભક્તો બધા આવી ગયા હશે. હું આમ જઈશ તો મને બધા ઓળખી જશે. તું મને શાલ જેવું આપ, તો હું એ ઓઢીને ગુપચુપ મંદિરમાં પ્રવેશી જઈશ.’ જનાબાઈએ પોતાની શાલ આપી અને પ્રભુ પોતાના સ્થાને આવી ગયા.
ઘંટારવ, મંત્રોચ્ચાર વગેરે પૂર્ણ થયા ને મંદિરનો પટ ખૂલ્યો તો ભક્તોએ જોયું કે પ્રભુ શાલ ઓઢીને ઊભા છે. બીજા કોઈને ખ્યાલ ન આવ્યો, પણ નામદેવ જાણી ગયા કે કાલે શયનમાં પ્રભુએ શાલ નહોતી પહેરી, અત્યારે કઈ રીતે આવી? વળી આ શાલ તો જનાબાઈની છે. નામદેવ જનાબાઈ અને વિઠોબાના સંબંધથી અત્યંત ખુશ થયા અને ઘર તરફ આવવા નીકળી ગયા.
બીજી બાજુ મંદિરમાં પ્રભુના સ્નાન, શણગાર આદિનો સમય થયો એટલે પૂજારીઓએ શાલ ઉતારીને જોયું તો ભગવાનનાં આભૂષણો ગાયબ હતતાં. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને ધીરે-ધીરે એ પણ ખબર પડી ગઈ કે એ શાલ તો જનાબાઈની છે. જનાબાઈને બોલાવાયાં. તેમને પૂછવામાં આવ્યું કે તેમણે ભગાવનનાં ઘરેણાં ચોર્યાં છે? ત્યારે જનાબાઈને ખ્યાલ આવ્યો કે એ આભૂષણ તો ઠાકોરજીએ પોતે મારી ઘંટી પાસે કાઢીને મૂક્યાં છે, પણ એ વાત ગ્રામજનો કે પંડિત પૂજારીઓ માનવાના કે સમજવાના હતા જ નહીં એટલે જનાબાઈ ચૂપ રહ્યાં અને પ્રભુજીનાં આભૂષણો જનાબાઈની ઘંટી પાસેથી મળતાં તેમના પર ચોરીનો આરોપ મુકાયો. જનાબાઈ આરાધ્ય દેવની આવી ચાલથી વ્યથિત હતાં, પરંતુ જેવી ‘હરિઇચ્છા’ એમ જાણી બધું સહન કરી લીધું. આ બાજુ ભગવાનનાં ઘરેણાં ચોરવાથી કેવી આકરી સજા થાય એ દાખલો બેસાડવા ત્યાંના રાજાએ જનાબાઈને ફાંસીએ ચડાવવાનું ફરમાન કરી દીધું અને તેમને ગામના ચોકમાં રખાયેલી શૂળી પાસે લઈ જવાયાં. વિઠ્ઠલ-વિઠ્ઠલ ભજતાં તેઓ શૂળી પાસે પહોંચતાં જ પ્રભુનું નામ સાંભળીને લોખંડની શૂળી ઓગળવા માંડી જાણે મીણ હોય. રાજા સહિત સર્વે ગ્રામ્યજનોએ આ ચમત્કાર જોયો અને તેમણે જનાબાઈની માફી માગી. પરંતુ કહે છે કે જનાબાઈએ જ પ્રભુનાં ચરણામાં જવાની ઇચ્છા કહી અને ત્યાં જ ઇચ્છામૃત્યુને વર્યાં.
તો, તીર્થાટનપ્રેમીઓ આ છે વિઠોબાનાં પરમ ભક્ત જનાબાઈ. તેમણે લગભગ ૩૫૦ અભંગની રચના કરી છે. તેમનાં ભક્તિગીતો તો ભગવાનના પ્રેમથી તરબોળ છે. કાવ્ય, ગીત, ભજન ઉપરાંત તેમણે હરિશ્ચંદ્ર, થાલીપાક, દશાવતાર બાલક્રીડાઓ પર ૪૫ જેટલા અંભગ રચ્યા છે. શાળાનું પ્રાથમિક શિક્ષણ લીધા વિના તેમણે મોઢે-મોઢે આ ભાવભર્યાં ભજનો-પદો બનાવ્યાં છે. કહેવાય છે કે બાળપણથી જ્યારે તેઓ નામદેવના ઘરે આવ્યાં ત્યારથી વિષ્ણુ ભગવાન બાળ જનાની ભક્તિથી અભિભૂત હતા. મરાઠી પ્રાચીન ગ્રંથોમાં નોંધાયું છે કે નામદેવ ભજન ગાતા ત્યારે જનાબાઈને વિઠોબા નાચતા દેખાતા. તે કાલીઘેલી ભાષામાં તેમની સાથે વાતો કરતી, તેમના પગ દબાવતી, તેમને ભાવતાં ભોજનિયાં જમાડતી. મરાઠી સાહિત્ય કહે છે કે ઈવન રાણી રુક્મિણીને ક્યારેય ભગવાનને કોળિયો ભરાવવાનું સુખ પ્રાપ્ત નથી થયું. જ્યારે જનાબાઈને બહુ નાની વયથી પ્રભુનો પ્રેમ મળ્યો છે.
જનાબાઈનું મંદિર છે એ શ્રી ગોપાલ કૃષ્ણ મંદિર કૉમ્પ્લેક્સ સવારે ૭થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ કૉમ્પ્લેક્સમાં જ લક્ષ્મીનારાયણનું મંદિર છે. તો રાણી રુક્મિણીના પિતાશ્રી ભીમાકરાજનું પણ અલાયદું મંદિર છે. સાત નાગની ફણાવાળી આ મૂર્તિ ત્રણ ફુટ ઊંચી છે. એ જ પરિસરમાં નારાયણના પ્રિય ભક્ત નારદજીની પણ ત્રણ ફુટની મૂર્તિ છે. એક પગ વાળીને અને એક પગ નીચે રાખીને હાથમાં વીણા લઈને બેઠેલા નારદઋષિની મૂર્તિ ૬ મહિના નદીના પાણીની અંદર હોય છે અને નદીનું જળસ્તર ઓછું થતાં ૬ મહિના તેમનાં દર્શન કરી શકાય છે. એની પાછળની કથા એમ છે કે એક વખત તેમણે સત્યભામા અને રુક્મિણીજી વચ્ચે દ્વંદ્વ યુદ્ધ કરાવ્યું હતું જેને સૉલ્વ કરવા શ્રીકૃષ્ણએ બહુ પ્રયત્ન કરવા પડ્યા હતા. જ્યારે કાળિયા ઠાકોરને ખબર પડી કે આ નારદજીનું કામ છે ત્યારે તેમણે નારદજીને સજા આપવા રૂપે તેમને અહીં નદીમાં ઊભા કરી દીધા હતા.
પંઢરપુર વિશ્વના હિન્દુ ભક્તોમાં વર્ષોથી પ્રસિદ્ધ છે. અષાઢી અગિયારસે અહીં આવતા વારકરીઓની આસ્થાનાં ગીતો દેશના પ્રત્યેક ખુણામાં ગવાય છે. માટે જ ભારતનાં દરેક મુખ્ય શહેરોથી કુર્ડુવાડી જંક્શન માટે ટ્રેન મળે છે, જે પંઢરપુરથી માત્ર ૫૦ કિલોમીટર દૂર છે. ફ્લાઇટમાં આવવું હોય તો નજીકનું ઍરપોર્ટ છે પુણે. મુંબઈથી સપ્તાહમાં ત્રણ દિવસ પંઢરપુર સુધી ડાયરેક્ટ ટ્રેન જાય છે અને પંઢરીનાથના શહેરમાં ફરવા મબલક રિક્ષા મળે છે જેના દ્વારા ગોપાલપુર જઈ શકાય છે. રહેવા માટે પણ પંઢરપુરમાં વિઠોબા મંદિરની સરસ ધર્મશાળા છે તેમજ દરેક બજેટને અનુરૂપ હોટેલ્સ પણ છે. એ જ રીતે દુનિયાનાં વિધવિધ ક્ષેત્રોમાંથી આવતા પ્રવાસીઓને કારણે અહીં મહારાષ્ટ્રિયન જેવણ સાથે દરેક પ્રકારનાં ક્વિઝીન પણ છે.
ખરેખર મહારાષ્ટ્રની વ્રજભૂમિ છે ગોપાલપુર
પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે શ્રીકૃષ્ણ અને રાધાજીનો સ્નેહ જોઈને રાણી રુક્મિણી નારાજ થઈ ગયાં અને દ્વારકા છોડી ગયાં ત્યારે કૃષ્ણ પણ પોતાના સખા ગોપો તેમ જ ગાયો સાથે પત્નીની પાછળ-પાછળ ભીમા નદીના તટ પર દિંડીરવન આવ્યા ત્યારે ગોપ અને ગાયો અહીં રહી ગયાં અને શ્રીકૃષ્ણ અને રુક્મિણીજી આગળ જતાં રહ્યાં. કનૈયો અને ગોપોએ અહીં આવીને ગાયો ચરાવી હતી એથી આ આખી પહાડી ગોર્વધન પહાડી જેવી પવિત્ર બની ગઈ. અહીં મોહને પોતાના સખાઓ સાથે લીલા પણ કરી છે, જેને પરિણામે પહાડની એક શિલા પર મદનમોહનનાં પદચિહ્ન પણ અંકિત થયાં છે. એ વિષ્ણુપદ મંદિર પણ આ ટેમ્પલ કૉમ્પ્લેક્સથી નજીક છે અને અહીં વહેતી પુષ્પાવતી નદી યમુના જેવી પાવન મનાય છે. ભક્તો પુષ્પાવતી અને ભીમા નદીના સંગમમાં ડૂબકી લગાવી પવિત્ર થાય છે.

