કોઈકની શરમ નડે અને વ્યક્તિ વિશેષને આપણે ક્ષમા કરી દઈએ એ વાત જુદી પણ અપરાધીને પ્રેમથી નવડાવી દેવાની વાત તો આપણને સ્વપ્નમાંય આવે નહીં.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
કોલસાની દુકાનમાં કામ કરવાનું અને કાળાશથી સર્વથા મુક્ત રહેવાનું? અસંભવ! ધૂળિયા રસ્તે તમામ તાકાતથી દોડવાનું અને ધૂળના સ્પર્શથી બચી જવાનું? અસંભવ! ખુલ્લી ગટરની બાજુમાં જ રહેવાનું અને દુર્ગંધથી બચી જવાનું? અસંભવ! લબાડ-લફંગાઓની વચ્ચે જ વસવાનું અને ગંદા-ગલત શબ્દોના શ્રવણથી બચી જવાનું? અસંભવ! ગલત નિમિત્તો વચ્ચે રહેવાનું, પ્રલોભનો વચ્ચે જીવવાનું, કુસંસ્કારોની અને કર્મોની આધીનતા સાથે જીવવાનું, વિચિત્ર સ્વભાવવાળી વ્યક્તિઓ સાથે પનારો પાડવાનો અને જીવનને સર્વથા પ્રમાદમુક્ત, પાપમુક્ત કે ભૂલમુક્ત રાખવામાં સફળતા મેળવવવાની? અસંભવ!
પછી ચાહે એ માણસ હોય, શેઠ હોય, સજ્જન હોય કે સંત હોય!
ADVERTISEMENT
પ્રશ્ન એ છે કે ભૂલ જ્યારે સામા માણસની હોય છે, અપરાધના પીંજરામાં જ્યારે સામો માણસ ઊભો હોય છે, આપણને નુકસાનીમાં જ્યારે સામા માણસે ઉતાર્યો હોય છે ત્યારે તેના પ્રત્યેનો આપણો અભિગમ કેવો હોય છે? સજાનો, ક્ષમાનો કે પછી પ્રેમનો? તેને સજા કરીને ખો ભુલાવી દેવામાં આપણને રસ, ક્ષમા આપીને તેને છોડી દેવામાં આપણને રસ કે પછી પ્રેમથી તેને નવડાવી દેવામાં રસ?
કદાચ દુઃખ સાથે કહેવું પડે કે આપણે તો સજાના રસિયા છીએ. કોઈકની શરમ નડે અને વ્યક્તિ વિશેષને આપણે ક્ષમા કરી દઈએ એ વાત જુદી પણ અપરાધીને પ્રેમથી નવડાવી દેવાની વાત તો આપણને સ્વપ્નમાંય આવે નહીં.
કમાલની વાત એ છે કે ભૂલ જ્યારે આપણી જ હોય, અપરાધીના પીંજરામાં ઊભા રહેવાનું સદ્ભાગ્ય (?) જ્યારે આપણા જ લમણે ઝીંકાયું હોય ત્યારે આપણે ઇચ્છીએ છીએ કે સામા માણસને ‘માણસ માત્ર, ભૂલને પાત્ર’ એ કહેવત યાદ હોય! આપણે ઇચ્છીએ છીએ કે ‘મિત્તી મે સવ્વભૂએસુ’નું સૂત્ર તેના રોમેરોમમાં રમી ગયું હોય! આપણે ઇચ્છીએ છીએ કે ‘વેરથી વેર વધે જીવનમાં, પ્રેમથી પ્રેમ મળે જીવનમાં’નો પ્રભુ વીરનો આ સિદ્ધાંત તેના જીવનમાં પૂર્ણરૂપે અમલી બની રહ્યો હોય!
ટૂંકમાં ભૂલ જો સામાની હોય તો તેને સજા અને ભૂલ જો મારી હોય તો મને પ્રેમ. આ ગણિત સાથે અત્યારે આપણું જીવન ચાલી રહ્યું છે અને આ ગણિતને લીધે જ આજે સંસારમાં કોઈ કોઈને પ્રેમથી માફ કરવા તૈયાર નથી કારણ કે દરેક સામેવાળાને જ સજા આપવા માગે છે. સજા આપવાની આ જે માનસિકતા છે એ માનસિકતા જ તો આપણને સૌને ગુનેગાર બનાવે છે. જો ગુનેગાર ન બનવું હોય તો કોઈને ગુનેગાર બનાવો નહીં.
- જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

