બાળક, યુવાન, વડીલ, વૃદ્ધ, બાલિકા, યુવતી, પ્રૌઢા સહિતની બધી પેઢી અને વયમર્યાદા અહીં ઉપસ્થિત હતી. આ સભાના શ્રોતાગણનો પનો મંત્રીથી લઈને મજૂર સુધીનો હતો.
પ્રતીકાત્મક તસવીર
એ સભામાં માથે ફાળિયું વીંટેલા કેટલીક બુઝુર્ગ વ્યક્તિઓ બેઠી હતી. ચોયણો ને કેડિયું પહેરેલા, હાથ વડે ગોઠણ બાંધીને બેઠેલા કેટલાય ગામઠીઓ પણ ત્યાં હતા. એલ્વિસનાં જીન્સ અને નાઇકીનાં બૂટ પહેરેલા જવાનિયાઓની પણ ખાસ્સી ભીડ આ સભામાં જણાતી હતી. આખી સભાને પોતાના કાચ પર ઝીલે એવા રે-બૅનનાં ગૉગલ્સ પહેરેલા પણ કંઈ કેટલાય અહીં મોજૂદ હતા. પાંચથી લઈને પંદર વર્ષનાં બાળકો પણ ડાહ્યાંડમરાં થઈ સભામાં ગોઠવાઈ ગયાં હતાં. આ એક સભા માટે જ અમેરિકા, ઇંગ્લૅન્ડ કે આફ્રિકાથી ઊડીને આવેલાઓની સંખ્યા પણ પ્રમાણમાં ઘણી મોટી હતી. મહિલાઓની બેઠક-વ્યવસ્થા સભામંચથી ત્રણસો ફીટ દૂર હશે છતાંય પિસ્તાલીસ હજારની ક્ષમતાવાળો આ સભામંડપ મહિલાઓથી અડધોઅડધ ભરાઈ ચૂક્યો હતો. ગ્રામીણ, અર્ધશહેરી, શહેરી, મેટ્રોપૉલિટન, પરદેશી એવી ભિન્ન-ભિન્ન સંસ્કૃતિમાં ઊછરેલા સૌ અહીં ભાઈ-ભાંડુની જેમ ગોઠણને ગોઠણ અડે એ રીતે ગોઠવાઈ ગયેલા. બાળક, યુવાન, વડીલ, વૃદ્ધ, બાલિકા, યુવતી, પ્રૌઢા સહિતની બધી પેઢી અને વયમર્યાદા અહીં ઉપસ્થિત હતી. આ સભાના શ્રોતાગણનો પનો મંત્રીથી લઈને મજૂર સુધીનો હતો.
આટલો બહોળો અને વિવિધતા ધરાવનારો સમુદાય અહીં એકત્રિત થયો હતો એનું કારણ એ નહોતું કે અહીં કોઈ મનોરંજક કાર્યક્રમો યોજાયા હતા. નાટારંગની તો અહીં સદંતર પ્રવેશબંધી હતી. તો પછી આટલા મોટા અને આટલી વિવિધતા ધરાવતા જનસમાજના આકર્ષણનું કેન્દ્ર શું હતું?
ADVERTISEMENT
હા, અહીં આકર્ષણનું કેન્દ્ર હતી પંચ્યાસી વર્ષની જૈફ વય ધરાવતી એક વ્યક્તિ. તેની ઝાંખી મેળવવા જીન્સ અને ટી-શર્ટ પહેરેલી યુવાની ઊમટી પડી હતી. જેની પાસે માત્ર છ જ ચોપડીનું ભણતર છે એવી આ વ્યક્તિ દેશ-પરદેશના બુદ્ધિમંતનું અહીં કેન્દ્ર બની હતી. તે વ્યક્તિના શરીર પર વીંટી, ઘડિયાળ જેવાં કોઈ આભૂષણ નહોતાં. સાબુ, અત્તર, પફ-પાઉડર જેવાં સૌંદર્ય પ્રસાધનો તેમના શરીરને પંચ્યાસી વર્ષમાં એક વાર પણ સ્પર્શ્યાં નહોતાં. તે કેવળ સીવ્યા વિનાનાં બે સુતરાઉ વસ્ત્રો પહેરીને જ ઉપસ્થિત હતા. તેમના મસ્તકે મુંડન હતું અને મોંમાં ચોકઠાં. આમ શણગાર શૂન્ય. ભણતર સામાન્ય. વસ્ત્ર સાદાં, વાન ઘઉંવર્ણો. અવસ્થા વૃદ્ધ. બોલી સામાન્ય ગામઠી. લોકોને આકર્ષવા અને પ્રભાવ પાડવા માટે આજે દુનિયાની ગણતરીમાં જે કંઈ પણ આવે છે એમાંનું કશું આ વ્યક્તિ પાસે નહોતું. તેમ છતાંય વર્ષોવર્ષ અધિક ને અધિક સંખ્યામાં લોકોને સ્વ-વશ કરી રહેલી આ પ્રતિભા હતી ૫રમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ. તેમના સાંનિધ્યમાં ઉપર વર્ણવ્યો એવો ને એટલો જનસમુદાય તેઓ જ્યાં જાય ત્યાં ઉપસ્થિત થઈ જતો.
લોકપ્રિય થવા માટે, બીજાનો આદર મેળવવા માટે, પોતાના પ્રત્યે આકર્ષણ જન્માવવા માટે શરીરને સજાવતી અને બાહ્ય કૌશલ્ય પાછળ આંખ મીંચીને દોટ મૂકતી આજની આલમની આંખ ખોલી નાખે એવી આ વાત છે.
-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

